Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

જસદણના ભંડારીયામાં કચરો ઉડવા પ્રશ્ને લાકડી-પાઇપ ઉડ્યાઃ ૪ ઘવાયા

સામુબેન કોળીએ દૂકાનવાળા જયેશ કોળીને ભેગો થયેલો કચરો બાળી નાંખવાનું કહેતાં માથાકુટઃ સામુબેન, જયાબેન અને સામા પક્ષના ધીરૂભાઇ, રાજેશભાઇને રાજકોટ ખસેડાયા

રાજકોટ તા. ૨૫: જસદણના ભંડારીયામાં દૂકાનનો કચરો ઉડવા બાબતે લાકડી-પાઇપથી મારામારી થતાં વૃધ્ધા, તેના પુત્રવધૂ અને સામા પક્ષના પિતા-પુત્રને ઇજાઓ થતાં જસદણ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

ભંડારીયા રહેતાં સામુબેન ગોવિંદભાઇ એંધાણી (ઉ.૬૦) તથા તેના પુત્રવધૂ જયાબેન મોહનભાઇ એંધાણી (ઉ.૩૫) સાંજે ઘર પાસે હતાં ત્યારે બાજુમાં કરિયાણાની દૂકાન ધરાવતાં જયેશ સોરાણી તથા તેની સાથેના રાજેશ ધીરૂ, જગદીશ ઉકા, દલો પિન્ટુભાઇ સહિતે ઝઘડો કરી લાકડી-પાઇપથી હુમલો કરી માથા-શરીરે ઇજાઓ કરતાં રાજકોટ ખસેડાયા હતાં.

સામા પક્ષે ધીરૂભાઇ મોહનભાઇ સોરાણી (ઉ.૫૫) અને રાજેશ ધીરૂભાઇ સોરાણી (ઉ.૩૫) પણ પોતાના પર સામુબેન, જયાબેન સહિતે પથ્થરમારો કરી ઇજા કર્યાની રાવ સાથે સિવિલમાં દાખલ થયા હતાં. મોહન એંધાણીના કહેવા મુજબ જયેશની દૂકાનનો કચરો બહાર ભેગો થયો હોઇ તે ઉડીને અમારા ઘર તરફ આવતાં મારા બા સામુબેને તેને કચરો બાળી નાંખવા કાં ડબ્બામાં ભરી લેવા કહેતાં ઝઘડો થયો હતો અને લાકડી-પાઇપ ઉડ્યા હતાં.

(11:44 am IST)