Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

ભાણવડને ગાંધીનગર સાથે જોડતી એકમાત્ર બસ સુવિધા પણ ઝૂંટવાઇ!! પ્રજા જાગશે?

બે દાયકાથી અંબાજી સુધી દોડતી બસનો પહેલા રૂટ ટૂકાવ્યો ગાંધીનગર સુધી કરીને હવે બસ જ બંધ કરી દીધી આવી છે ગતિશીલ ગુજરાતની બલીહારી!! : પાયાની સુવિધા જેવી કે રોડ-ભુગર્ભ ગટર-પીવાનું પાણી-સફાઇ જેવા પ્રશ્નનો તો વર્ષોથી મો ફાડીને ઉભા જ છે છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી : આરોગ્ય કેન્દ્રમાં ડોકટર નથી આધુનિક સુવિધાનો લાખોનો ખર્ચ પાણીમાં ગયો

ભાણવડ તા. રપ :.. ભાણવડ તાલુકામાં સુવિધાઓ વધવાને બદલે ક્રમશઃ ઘટત જઇ રહી હોઇ સ્થાનિક નેતૃત્વ અંગે શહેરીજનોમાં ભારે રોષ વ્યાપી રહ્યો છે. ભાણવડને પાયાની અને જરૂરી સુવિધાઓ બાબતે સ્થાનીક નેતૃત્વની સદંતર અનદેખીને કારણે કાયમ ઉપેક્ષિત જ રહેવુ પડે છે તો શહેરીજનોની ઉદાસીનતા અને અવાજ ઉઠાવવાના ડરપોક પણાને કારણે ઉપલબ્ધ સુવિધાઓમાં પણ કાપ મુકતા જવાબદાર તંત્રને સહેજ પણપ ડર નથી લાગતો...!

ભાણવડ તાલુકામાં એક વખતનું રાજયનું નં. ૧ સામુહિક આરોગ્ય કેન્દ્ર આજે પારાવાર અસુવિધામાં ચાલી રહ્યું છે અથવા તો એમ કહેવામાં પણ અતિશ્યોકિત નથી કે, ધકકા મારી ચલાવવામાં આવી રહ્યું છે! સાધનિક અસુવિધાઓ તો છે જ પરંતુ તબીબોની કાયમી ઘટ એ લાંબા સમયની સમસ્યા છે ત્રણ તબીબની જરૂરીયાત વાળુ સામુહિક આરોગ્ય કેન્દ્ર એકમાત્ર તબીબથી ચલાવવામાં આવી રહ્યું છે તેમ છતાં કહેવાતા સ્થાનિક નેતૃત્વ આ દિશામાં પોતાની ફરજ નિભાવવાને બદલે આંખ આડા કાન કરી રહ્યું છે તો શહેરની જાગૃત અને શાણી કહેવાતી પ્રજા પણ આ મુદ્ે સ્થાનીક નેતાઓને સવાલ કરવાને બદલે ચુપ રહે છે જેને કારણે આવશ્યક સુવિધાથી સમગ્ર તાલુકાના ગરીબ અને જરૂરીયતમંદ દર્દીઓ વંચીત રહે છે.

આ સિવાય જયારથી ઘેટાઉન્ન નિગમની માલીકીના મેદાનમાં વચ્ચો વચ્ચ બિલ્ડીંગ બનાવી નાખવામાં આવ્યું છે. ત્યારથી આશરે સાત-આઠ વર્ષથી તાલુકભરના યુવાઓની રમત-ગમત પ્રવૃતિ પર નેતૃત્વના અભાવનું ગ્રહણ લાગી ગયું છે...! છેલ્લા બે દાયકાઓથી રમતવીરોની સ્વતંત્ર સ્પોર્ટસ ગ્રાઉન્ડની માગણી સામે સ્થાનીક નેતાઓના અને તંત્રના ઠાલા આશ્વાસનો અને લુલા વચનો સિવાય કોઇ નક્કર પગલા લેવામાં આવ્યા નથી. ત્યારે શહેરની સંસ્થા ભાણવડ સીટી સ્પોર્ટસ એન્ડ સોશીયલ કલબના પ્રયત્નોથી સને ર૦૧પ -૧૬ માં સ્વતંત્ર સ્પોર્ટસ ગ્રાઉન્ડ માટે કલેકટરે ફાળવેલી ર૦ર૩૪ ચો. મી. જગ્યાના ડેવલપમેન્ટની જવાબદારી નગરપાલીકાના શીરે નાખવામાં આવતા આજે લગભગ સાડા ત્રણ વર્ષ બાદ પણ ડેવલપમેન્ટના નામે એક કાંકરી પણ મુકવામાં આવેલ નથી...! અને તાલુકાના રમતવીરોની પ્રતિભા સ્પોર્ટસ ગ્રાઉન્ડના અભાવે ખતમ થઇ ગઇ છે....!

આવી બીજી પણ અનેક સમસ્યાઓ જેવી કે, કરોડોના ખર્ચે બનેલા રોડ-રસ્તાઓ મહિના બે મહિનામાં જ તુટી જવા, ચાર - ચાર મહિના બાદ પણ રોડના અધુરા કામો જેમના તેમ રાખી મુકવા સિંચાઇ યોજનાઓ પાછળ સરકારના કરોડો રૂપિયાના આંધણ બાદ પણ શહેરીજનોને સાત-આઠ કે દસ દિવસે મળતુ પાણી, ભુગર્ભ ગટરોના કામ વખતે વેઠેલી પારાવાર યાતના બાદ પણ કોઇ ફલશ્રુતિ નહિ અને શહેરમાં ગંદકી જેમની તેમ વગેરે જેવી અનેક સમસ્યાઓ લાંબા સમયથી શહેરીજનો ભોગવી રહ્યા છે.ભાણવડ શહેરના ગાંધીનગર સાથે જોડતી અને અમદાવાદ સહિતના મોટા શહેરો સાથે સ્થાનીક ધંધાર્થીઓને જોડવામાં આશિર્વાદ સમાન એકમાત્ર એસ. ટી.ની ભાણવડ-ગાંધીનગર બસ પણ એકાએક બંધ કરી દેવામાં આવતા શહેરીજનોમાં ભારે રોષ વ્યાપી ગયો છે.

લગભગ બે દાયકથી દોડતી આ બસ પહેલા ભાણવડથી અંબાજી સુધીની હતી જેને થોડા સમય પહેલા ટૂંકાવીને રાજયના પાટનગર ગાંધીનગર સુધી કરવામાં આવી હતી પરંતુ ગત ૧લી જુનથી આ બસને એકાએક બંધ કરી દેવામાં આવી! ત્યારે ભાણવડ ટી. સી.ના જણાવ્યા મુજબ આ બસ બંધ કરવાનો નિર્ણય જામનગર ડીવીઝને કર્યો છે અને કયાં કારણથી બંધ કરવામાં આવી તે અંગે તેમને કોઇ માહિતી આપવામાં આવેલ નથી.

ધ્રોલ ડેપોની આ ભાણવડ-ગાંધીનગર બસ પાટનગર ગાંધીનગર સાથે ભાણવડને જોડતી ધોરીનસ સમાન હતી. જેને એકાએક બંધ કરી દેવામાં આવતા શહેરીજનો અને મુસાફરોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. ત્યારે જોવાનું રહયું કે, શહેરીજનોનો રોષ કારગર નિવડે છે કે પછી રાબેતા મુજબ પરપોટાની ફુટી જાય છે.

સરકાર જયારે વિકાસની અને ગતિશીલતાની વાતો કરી રહી છે ત્યારે ભાણવડની દિશા ઉલ્ટી દિશામાં ગતિ કરી રહી છે. દા.ત. એક વખત ભાણવડ સામુહિક આરોગ્ય કેન્દ્ર રાજયમાં નંબર-૧ હતું જેની આજે ડોકટરોની કાયમી ઘટ સહિતની અનેક સમસ્યાઓને કારણે ભારે અદ્યોગતિ થઇ છે તો રમત-ગમત પ્રવૃતિમાં એક સમયે ઘેટા ઉન્ન નિગમના ગ્રાઉન્ડ પર રમીને રમતવીરોની નિખરેલી પ્રતિભાને કારણે ભાણવડ સરકાર દ્વારા ફાળવાયેલ જમીન ડેવલપન કરીને રમતવીરોની પ્રતિભાને ઉગતી જ ડામી દીધી છે.

(11:32 am IST)