Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

ગીરમાં પહેલીવાર 75 સિંહોને વીડિયો કોલર ફીટ કરાશે : 25 સાવજોને પહેરાવી દેવાયા:વન વિભાગની કામગીરી

ખાસ જર્મનીથી રેડિયો કોલર મંગાવાયા : સિંહોનાં લોકેશન,અને મુવમેન્ટનુઈ મળશે જાણકારી :માનવ વસાહતમાં જતા રોકી શકાશે

ગીર જંગલમાં સૌપ્રથમવાર એકી સાથે 75 સિંહોને વિડીયો કોલર ફીટ કરવાની કામગીરી વન વિભાગે હાથ ધરી છે.

 વન વિભાગ મુજબ 75 રેડિયો કોલર જર્મનીથી મગાવવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 25 સિંહોનાં ગળામાં આ રેડિયો કોલર પહેરાવી દેવામાં આવ્યા છે અને હજુ આ કામગીરી ચાલુ છે અને વધુ સિંહોને રેડિયો કોલર પહેરાવવામાં આવશે.
ગીર જંગલની આસપાસ વસવાટ કરતાં સિંહોની પર સતત નજર રાખવા માટે રેડિયો કોલર પહેરાવવામાં આવી રહ્યા છે તેમ વન વિભાગનાં અધિકારીઓ જણાવે છે. રેડિયો કોલર દ્વારા સિંહોનાં લોકેશન, તેમની મુવમેન્ટ વિશે જાણકારી મળશે અને તેના સંક્ષરણમાં મદદરૂપ થશે

ગીર જંગલમાંથી સાવજો વારંવાર રેવન્યુ વિસ્તારમાં આંટાફેરા મારતા હોય છે અને માનવ કનડગતનો ભોગ બનતા હોય છે. આથી હવે રેવન્યુ વિસ્તારમાં આંટા ફેરા મારતા સિંહો પર નજર રાખવા વન વિભાગ દ્વારા ખાસ જર્મનીથી મંગાવાયેલ રેડિયો કોલર ફીટ કરાઇ રહ્યાં છે. રેવન્યુ વિસ્તારમાં બેથી લઇને બાવીસ સિંહોનું ગૃપ વસવાટ કરતું હોય છે. ત્યારે વન વિભાગ દ્વારા એક ગ્રુપના સૌથી તંદુરસ્ત સિંહને ગળાના ભાગે રેડિયો કોલર ફીટ કરવામાં આવશે કે જેથી સિંહના આખા ગ્રુપ પર ચાંપતી નજર રાખી શકાય.

સિંહને ફિટ કરવામાં આવતા એક રેડિયો કોલરની કિંમત 6.78 લાખ રૂપિયા થાય છે અને તેનું વજન ૧૨૫૦ ગ્રામ હોય છે. હાલમાં ચાર જિલ્લામાં રેવન્યુ વિસ્તારમાં વસવાટ કરતા સિંહોને રેડિયો કોલર ફીટ કરવાની કામગીરી ચાલુ છે. જેમાં તાલાળા, સાસણ, મેંદરડા, માળીયા, વિસાવદર, ધારી, રાજુલા, ખાંભા, અમરેલી, જાફરાબાદ અને જેસરનો સમાવેશ થાય છે.

 અત્યાર સુધીમાં 25 થી વધુ સિંહોને રેડિયો કોલર ફીટ કરવામાં આવ્યા છે. સાસણમાં તાજેતરમાં મુખ્યપ્રધાને ઉદ્ઘાટન કરેલ મોનીટરીંગ સેન્ટરમાંથી રેડિયો કોલર ફીટ કરેલા સિંહો તથા તેના ગ્રુપનુ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. વન વિભાગનું માનવું છે કે રેડિયો કોલરના કારણે માનવ વસાહત તરફ જતા સિંહોને રોકી શકાશે.

 

(12:40 am IST)