Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

ભચાઉમાં ટ્રેલર પાછળ બોલેરો ઘુસી જતા ર ના મોત

મોટાભાઇના ઘરે પ્રસંગ હોવાથી જઇ રહેલા સુઇ ગામના ક્ષત્રિય પરિવારને અકસ્માત નડયો

ભુજ, તા. રપ : ભચાઉના બટીયા પુલ નજીક ગત મધરાત્રે આગળ જતા ટ્રેલર પાછળ બોલેરો જીપ ઘુસી જતા બે લોકોના મોત નિપજયા છે. એક કિશોર સહિત બે વ્યકિત ઘવાયા છે.

ભચાઉ પોલીસ મથકેથી પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર મધરાત્રે દોઢ વાગ્યાના અરસામાં ભચાઉના જૂના વાડાથી આગળ બટીયા પુલ નજીક આ અકસ્માત સર્જાયો હતો. પૂરજડપે જઇ રહેલી બોલેરો જીપ આગળ જતા ટ્રેલરમાં ઘુસી ગઇ હતી.  જેમાં બબાશંકર રાવત (ઉ.વ.૩પ) અને શેલકુંવરબા સકુભા ચૌહાણ (ઉ.વ.૪૦)નું ગંભીર ઇજાઓથી મોત નિપજયા હતા.

જયારે ઉગમસિંહ દલપતસિંહ દરબાર (ઉ.વ.૧ર) અને લાલસિંહ સકુભા દરબાર (ઉ.વ.૩પ)ને ઇજાઓ થતાં તેમને વાગડ વેલફેર હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અકસ્માતનો ભોગ બનેલા લોકો બનાસકાંઠાના સુઇ ગામના રહેવાસી છે.

ગાંધીધામમાં રહેતા લાલસિંહના મોટાભાઇના ઘરે શુભ પ્રસંગ હોઇ તેમાં ભાગ લેવા આ પરિવાર આવી રહ્યો હતો તેવું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હોવાનું ભચાઉના પીએસઆઇ જી.બી. માજીરાણાએ જણાવ્યું છે.

(3:56 pm IST)