Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

જૂનાગઢમાં ખેતીવાડી ખાતાના અધિકારીશ્રીઓની તાલીમ કાર્યશાળામાં આગોતરા વાવેતર અંગે માર્ગદર્શન અપાયું

જૂનાગઢ તા. ૨૫ : કૃષિ યુનિવર્સીટી જૂનાગઢ હેઠળ તાલીમ અને મુલાકાત યોજના કાર્યરત છે. આ યોજના અંતર્ગત ખેતીવાડી ખાતાના અધિકારીશ્રીઓને બે પ્રકારની તાલીમ આપવામાં આવે છે. વર્ષમાં દ્વિમાસિક તાલીમ કાર્યશાળા ચાર વખત તથા પૂર્વ મોસમી તાલીમ ખરીફ અને રવિ ઋતુ પહેલા ગોઠવવામાં આવે છે. આ તાલીમ કાર્યશાળામાં ખેતીવાડી, બાગાયત તેમજ કૃષિ વિજ્ઞાન કેન્દ્રોના અધિકારીશ્રીઓ સુધારેલ ખેતી પધ્ધતી અંગેની અદ્યતન તાલીમ મેળવે છે. તેમજ સંશોધન કેન્દ્રો પર રૂબરૂ મુલાકાત કરાવવામાં આવે છે. જે અંતર્ગત માન. કુલપતી શ્રી ડો.એ.આર.પાઠકના માર્ગદર્શન હેઠળ તા.૨૦-૬-૨૦૧૮ના રોજ વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી, જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી, જૂનાગઢ ખાતે સૌરાષ્ટ્રના જિલ્લાઓના ખેતીવાડી, બાગાયત તેમજ કૃષિ વિજ્ઞાન કેન્દ્રોના અધિકારીશ્રીઓની દ્વિમાસિક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતુ.  આ કાર્યશાળાના ઉદઘાટન કાર્યક્રમમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીના વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીએ જણાવ્યુ હતુ કે, આ વર્ષે હજુ સુધી વાવણી લાયક વરસાદ થયેલ નથી. તેમ છતા જે ખેડુત ભાઇઓને પિયતની સગવડતા છે તેઓએ આગોતરૂ મગફળી તથા કપાસનું વાવેતર કરેલ છે.

આવા આગોતરા વાવેતર કરેલ મગફળી અને કપાસ પાકમાં કોઇ મુશ્કેલી હોય તો તેવા વિસ્તારનો સર્વે કરી તેના નમુનાઓ અમારા વૈજ્ઞાનિકશ્રીઓને બતાવવા જોઇએ. જેથી તેવા પ્રશ્નોનું નિરાકરણ થઇ શકે. જેથી નર કિટકનો નાશ કરી શકાય તેમજ શેઢા પાળાના વૃક્ષોમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવો જોઇએ. બીટી કપાસના પેકેટમાં નોન બીટીનું જે બિયારણ હોય તેનું પણ ખેડુતભાઇઓએ વાવેતર કરવું જોઇએ. મગફળીના પાકમાં સફેદ ઘૈણ તથા કપાસના પાકમાં ગુલાબી ઇયળના નિયંત્રણ માટેની તાલીમો આપવી જોઇએ.

આ તાલીમ કાર્યશાળામાં ચોમાસુ તેલીબીયા પાકોમાં લેવાની થતી કાળજી, બીટી કપાસનું વધુ ઉત્પાદન લેવા માટેના ઉપાયો, કઠોળ પાકોમાં વાવેતર પછીની માવજત, ચોમાસુ પાકો સંકલિત રોગ, જીવાત, નિંદામણ નિયંત્રણ તેમજ ચોમાસુ ઋતુના  ખેતીના પાકોમાં રાખવાની કાળજી જેવા વિષયો પર કૃષિ નિષ્ણાંતશ્રીઓએ સવિસ્તાર જાણકારી આપી હતી. આ કાર્યશાળામાં ખેતીની નવીનતમ તજજ્ઞતાને પણ સમાવવામાં આવી હતી. આ કાર્યશાળામાં એમ.એમ.કાસોન્દ્રા, સંયુકત ખેતી નિયામક શ્રી, જૂનાગઢ ખેતીવાડી ખાતાના તથા કૃષિ વિજ્ઞાન કેન્દ્રોના અધિકારીશ્રીઓ, ડો.જી.આર.ગોહિલ ઉપસ્થિત રહેલ હતા. ડો.એમ.કે.જાડેજા, મદદનીશ વિસ્તરણ શિક્ષણશાસ્ત્રીએ કાર્યશાળાને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.(૪૫.૪)

(12:12 pm IST)