Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

એકમાત્ર બ્લડબેંકને પણ 'તાળા' લાગી જશે તો શું થશે ?.. અમરેલી જિલ્લાના દર્દીઓ મનોમન મૂંઝવણમાં

સરકારના નિર્ણય સામે નારાજગીનો વાયરો : સંચાલનમાં ક્ષતિઓ કરનાર જવાબદારો સામે પગલા ભરો, પણ બારણા બંધ કરવાનું માંડી વાળોઃ જિલ્લાભરના હજારો દર્દીઓની તરફેણમાં આરોગ્યલક્ષી નિર્ણય લેજો : વિજયભાઇ રૂપાણી સમક્ષ ઘા

અમરેલી તા.રપ : અહીની એકમાત્ર બ્લડબેંકને સંચાલનમાં સર્જાયેલી ગેરરીતીને પગલે તાળા મારી દેવાનો નિર્ણય થયાની વાત કાને સંભળાતા જ શહેર સહિત જિલ્લાભરના હજારો દર્દીઓ મનોમન મુંઝવણમાં છે. ગરીબ દર્દીઓ સાથે પરિવારજનો પણ કહેવા લાગ્યા છે કે, બ્લડ બેંકને જો બંધ કરી દેવાશે તો શું થશે ?

આ અંગે ડાયનેમિક ગૃપ ઓફ ડાયનેમિક પર્સનાલિટીઝના પ્રમુખ પ્રા. હરેશ બાવીશીએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને રજૂઆત કરી છે કે, આશરે ૧૬ લાખની વસ્તી ધરાવતા અમરેલી જિલ્લામાં દર મહિને ૭૦૦ કરતા પણ વધારે રકતના યુનિટની જરૂરિયાત રહે છે. જે અત્યાર સુધી ઇન્ડીયન રેડક્રોસ સંચાલીત બ્લડ બેંક પુરૂ પાડતી હતી. જિલ્લામાં લગભગ ૧૦૦ થી પણ વધારે દર્દીઓ તથા બાળકો થેલેસેમિયાની બિમારીથી પિડાય છે જેની નિયમિત લોહીની જરૂરીયાત એકમાત્ર બ્લડબેંક પુરૂ પાડતી હતી. પરંતુ બ્લડબેંક બંધ કરવાના સરકારના નિર્ણયથી વર્તમાન સમયે જિલ્લાના દર્દીઓ તથા હોસ્પિટલ ધરાવતા તબીબોને ડીલીવરી, અકસ્માત તથા ઇમરજન્સીના કિસ્સામાં રાજકોટ, ભાવનગર, વડોદરા કે અમદાવાદ સુધી બ્લડ મેળવવા પ્રયત્નો કરવા પડશે.

વધુમાં ઉમેર્યુ છે કે, રકતદાતાઓમાં રકતદાનની જાગૃતિ આવે તથા જરૂરિયાતમંદને નિયમિત તથા સમયસર રકત મળી જાય તેવા આશયે જૂનમાં વિશ્વ રકતદાન દિન પણ પખવાડીયુ ઉજવાય છે. પરંતુ ચાલુ જુનથી બ્લડબેંક બંધ કરવાના સરકારના એકાએક નિર્ણયથી હાલ સમગ્ર જિલ્લો રકત વગર પારાવાર મુશ્કેલીઓ અનુભવવા લાગ્યો છે.

જિલ્લાના ગરીબ, મધ્યમવર્ગના દર્દીઓને જરૂરિયાતના સમયમાં લોહી સરળતાથી તથા ઝડપથી મળી રહે તે માટે જિલ્લાની  સ્વૈચ્છિક તથા સેવાભાવી સંસ્થાઓ રકતદાન શિબિરોનું આયોજન કરીને જિલ્લાની એકમાત્ર બ્લડબેંકની જરૂરીયાત પૂરી કરે છે. પરંતુ સરકારના એકપક્ષીય નિર્ણયથી છેલ્લા એક સપ્તાહથી જિલ્લાની બ્લડબેંક રકતદાન શિબિર યોજે છે, પરંતુ એકઠુ થતુ લોહી રાજકોટવાળા આવીને લઇ જાય છે. જિલ્લાના દર્દીઓ માટે જિલ્લાની સંસ્થાઓ રકતદાન શિબિરોનું આયોજન કરીને જિલ્લાના રકતદાતાઓને રકતદાન કરે અને સંચાલકો આવેલુ રકત અન્ય શહેરોમાં પધરાવે તે કેટલુ વ્યાજબી ???

ઉપરાંત એવુ પણ જણાવ્યું છે કે, જિલ્લાની એકમાત્ર ઇન્ડિયન રેડક્રોસ બ્લડબેંકના ઇન્સપેકશન દ્વારા જણાયેલી ટેકનીકલ ક્ષતિના મામલે સંચાલકો, ડોકટર, ટેકનીશયન કે જે કોઇ જવાબદાર હોય તેના પર કડક પગલા લેવા જોઇએ, પરંતુ સંચાલકોની બેદરકારીનો ભોગ જિલ્લાની ૧૬ લાખ વસ્તી શા માટે બને ?? જિલ્લામાં જાહેર સુખાકારીના સંસાધનોનો આમેય પહેલેથી અભાવ છે. દરીદ્ર નારાયણની સેવા કરતી એકમાત્ર બ્લડબેંકને પણ બંધ કરવાના નિર્ણયથી હાલ તો જિલ્લાના તમામ દર્દીઓ અને પરિવારજનો લોહી ન મળવાથી કોઇ દર્દીનું મૃત્યુ થાય ત્યા સુધી આકરો નિર્ણય ના લેવો જોઇએ. બ્લડબેંકના સંચાલનમાં જણાય આવેલ ક્ષતિઓ માટે જવાબદારો સામે કડક પગલા લઇને તાત્કાલીક અસરથી બ્લડબેંક બંધ કરવાનો નિર્ણય માંડી વાળી દર્દીઓની તરફેણમાં આરોગ્યલક્ષી આદેશ અપાય તેવું સૌ ઇચ્છી રહ્યા છે.(૪૫.૮)

(12:11 pm IST)