Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

કેશોદમાં સવારે ઝાપટા અન્યત્ર ધુપછાંવ

મેઘાની ચાતક નજરે રાહ જોતા સોરઠવાસીઓ

જૂનાગઢ તા. રપ :.. કેશોદમાં આજે સવારે બે મી. મી. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.

જુનાગઢ શહેર અને જીલ્લામાં હજૂ ચોમાસુ જામ્યુ નથી ચોમાસાનો સતાવાર પ્રારંભ થયાને ૧૦ દિવસ વીતી જવા આવ્યા છે પરંતુ હજુ મેઘાએ જમાવટ કરી નથી.

ગઇકાલે સોરઠભરમાં સવારે મેઘાવી માહોલ જામ્યો હતો પરંતુ મેઘાએ જૂનાગઢ સહિત કેટલાક વિસ્તારોમાં માત્ર અમી છાંટણા જ વરસાવ્યા હતા. તો અમુક વિસ્તારોતો કોરાધાકોડ રહ્યા હતાં.

રાત્રે જૂનાગઢ જિલ્લામાં નોંધપાત્ર વરસાદનાં સમાચાર નથી. પરંતુ સવારથી સોરઠનાં મોટા ભાગનાં વિસ્તારોમાં મેઘાએ  ડોળ કર્યો છે. આ દરમ્યાન કેશોદ વિસ્તારમાં વહેલી સવારે મેઘાનું આગમન થયુ હતું સવારે ૬ વાગ્યાની આસપાસ જોરદાર ઝાપટુ વરસી જતાં થોડીવારમાં માર્ગો પરથી પાણી ફરી વળ્યા હતા. બે મી. મી. વરસાદ નોંધાતા કેશોદ શહેરનું વાતાવરણ ઠંડુ થઇ ગયુ હતું.

કેશોદ સિવાય અન્ય કોઇ વિસ્તારમાં નોંધપાત્ર વરસાદનાં વાવડ પ્રાપ્ત થયા નથી. જો કે જૂનાગઢ સહિતના વિસ્તારોમાં ધુપછાંવ પ્રવર્તે છે. સવારનું લઘુતમ તાપમાન ર૭.૭ ડીગ્રી રહ્યુ હતું. જયારે વાતાવરણમાં ભેજનું  પ્રમાણ ૮૩ ટકા અને પવનની પ્રતિ કલાકની ઝડપ ર.૬ કિ. મી.ની રહી હતી. (પ-૧ર)

(12:08 pm IST)