Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

ધીરે ધીરે છવાતો ડોળઃ મહુવામાં ૧ ઇંચ

મેઘરાજા મન મુકીને વરસે તેની રાહ જોતા લોકોઃ ધુપ-છાંવ સાથે મિશ્ર હવામાન યથાવત

રાજકોટ તા. રપ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર ચોમાસાના આગમનના એંધાણ વર્તાઇ રહ્યા છે અને ધોધમાર વરસાદ તૂટી પડે તેની રાહ લોકો જોઇ રહ્યા છે.

શનીવારથી ધીમે - ધીમે વાદળા છવાઇ રહ્યા છે અને છેલ્લા બે-ત્રણ દિવસથી ઝાપટાથી માંડીને બે ઇંચ જેટલો વરસાદ વરસી જાય છે. અને ખેડૂતો વાવણી કાર્યની તૈયારીમાં લાગી ગયા છે.

આવા વાતાવરણ વચ્ચે ધુપ-છાંવનો માહોલ યથાવત છે. અને મેઘરાજા મન મુકીને વરસે તેની રાહ લોકો જોઇ રહ્યા છે.

ભાવનગર

ભાવનગર : જીલ્લાનાં મહુવામાં આજે વહેલી સવારે એક ઇંચ વરસાદ વરસી ગયો હતો. જયારે ભાવનગર શહેર અને જીલ્લાનાં અન્ય તાલુકાઓમાં વરસાદી માહોલ જળવાઇ રહ્યો છે.

ગોહીલવાડ પંથકમાં બે દિવસથી ચોમાસાનો માહોલ ઉભો થયો છે. રવિવારે જીલ્લામાં છૂટો છવાયો અર્ધાથી એક વરસાદ વરસ્યા બાદ આજે સોમવારે સવારે મહુવામાં ધોધમાર વરસાદ વરસતાં એક ઇંચ વરસાદ વરસી ગયો હતો. જયારે ભાવનગર શહેર અને અન્ય તાલુકાઓમાં વાદળીયુ વાતાવરણ હોય વરસાદની સંભાવના છે.

આજે સવારે છ વાગે પુરા થતાં છેલ્લા ર૪ કલાક દરમ્યાન ભાવનગરમાં ૯ મી. મી. સિહોરમાં ૧૪ મી.મી. વલ્લભપુરમાં ૧૭ મી. મી. મહુવામાં ર૦ મી. મી., પાલીતાણામાં ૭ મી. મી., અને ઉમરાળામાં ૧૭ મી. મી. વરસાદ નોંધાયો છે.

જયારે આજે સોમવારે સવારે ૬ થી ૮ દરમ્યાન મહુવામાં ર૦ મી. મી. વરસાદ નોંધાયો છે.

વઢવાણ

વઢવાણ :.. સુરેન્દ્રનગર અને જિલ્લા તાલુકાઓમાં વરસાદના સુકનવંતા એંધાણ અને મંડાણ શરૂ થયા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં અચાનક જ વાતાવરણ પલ્ટો આવતા સુરેન્દ્રનગરમાં વરસાદી ઝાપટા પડયા છે. જયારે વઢવાણમાં કોઠારીયા, રોડ ઉપર પવન આંધી અને વિજળીના કડાકા - ભડાકા વચ્ચે કોઠારીયા રોડ, ઉપર વિજળી પડવાનો બનાવ બન્યો છે. જેમાં કોઠારીયાના ફિડર બળી જતાં ત્રણ કલાક સુધી વિજ પુરવઠો ખોરવાઇ જવા પામ્યો હતો.

જયારે સુરેન્દ્રનગર-વઢવાણ - લીંબડી - ચુંડા - ચોટીલા - મુળી-સાયલા કોઠારીયા, લખતર, સહિતના ગામોમાં વરસાદી ઝાપટા પડયા હતાં. જયારે સવારથીજ વરસાદી વાતાવરણ હાલમાં છવાયેલું રહ્યુ છે. ત્યારે હવે લોકોને વરસાદ વરસવાની આશા પણ બંધાઇ છે. જગતનો તાત પણ વરસાદી વાતાવરણના કારણે ખુશી, જોવા મળી  રહી છે.

(12:05 pm IST)