Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

જયશ્રીબેન પટેલને બાવાઓએ નહિ પણ પતિએ જ પતાવી દીધી'તી

રાત્રે ઝઘડો થયા બાદ વ્હેલી સવારે પતિ અશોકે માથામાં કોસ ઝીંકી ઢીમ ઢાળી દીધું અને બાદમાં બંન્ને પુત્રીઓને બોલાવીને કહયું કે 'તારી માને પતાવી દીધી છે' કલાક પછી બે બાવાઓએ આવી પતાવી દીધી છે તેવી સ્ટોરી પોલીસને કહેજે : મૃતક જયશ્રીબેન પટેલને કોઇ સાથે અફેર હોય છાશવારે આ બાબતે બંન્ને પતિ-પત્ની વચ્ચે ઝઘડા થતા હતાઃ બનાવના દિવસે પણ મૃતક જયશ્રી રાત્રે ફોન પર કોઇ સાથે વાત કરતા પતિ અશોક આવી ચડયો હતો અને કંટાળી સવારે મોતને ઘાટ ઉતારી દીધીઃ લફરાનો ભાંડો ફુટી જતા બંન્ને પુત્રીઓ સાથે પણ મૃતક જયશ્રીબેનનું વર્તન બદલી ગયું હતું: ડીવાયએસપી ચૌહાણના માર્ગદર્શન હેઠળ આટકોટના પીએસઆઇએ.વી.જાડેજા તથા સ્ટાફે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલ્યો

(વિજય વસાણી દ્વારા) આટકોટ, તા., ૨૫:   આટકોટના પાંચવડા ગામે લેઉવા પટેલ જયશ્રીબેન સાવલીયાની હત્યામાં બાવાઓએ નહિ પણ તેના પતિએ જ કર્યાનો  પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો છે. પોલીસે હત્યાર કરનાર પતિ અશોક  પટેલની ધરપકડ કરી વધુ પુછતાછ હાથ ધરી છે.  

ચાર દિવસ પહેલા પાંચવડા ગામે દિન દહાડે લેઉવા પટેલ જયશ્રીબેન સાવલીયા પોતાની ઘરે હતા ત્યારે ભીક્ષા માંગવા આપેલ બે સાધુઓએે હત્યા કરી નાસી છુટયાનો બનાવ જાહેર થયો હતો. ભીક્ષામાં રોકડ રૂપીયા ન આપતા તેની માતાની બે સાધુઓએ હત્યા કર્યાનુું પોલીસ સમક્ષ બંન્ને પુત્રીઓએ જણાવ્યું હતું. પરંતુ પ્રથમથી જ પોલીસને આ હત્યામાં શંકા-કુશંકા જાગી હતી.

જયશ્રીબેનની હત્યા બાદ પોલીસે તેમની અંતિમ વિધિ બાદ જુદી જુદી થિયરી પર તપાસ આગળ વધારતા પોલીસને કોઇ ઘરના જ ઘાતકી હોવાનું જાણવા મળ્યું હતું. જયશ્રીબેનને તેમના પતિ અશોકભાઇ સાથે ઘણા વખતથી અણબનાવ હતો જ અને અવાર નવાર બંન્ને વચ્ચે ઝઘડા પણ થતા હોય અને આ અંગે જયશ્રીબેનના પિતા જેઓ સુરત રહે છે. તેમણે પણ પોલીસ પાસે આ અંગે હૈયાવરાળ ઠાલવતા પોલીસે શંકાના પરીઘમાં આવેલ પતિ અશોક પટેલની કડક પુછપરછ કરતા તે ભાંગી પડયો હતો. તેમજ મૃતકની બંન્ને પુત્રીઓએ પણ તેની માતાની હત્યા કોઇ બાવાઓએ નહિ પણ તેના પિતાએ જ કરી હોવાની વાતને સમર્થન આપ્યું હતું.

પોલીસ પુછપરછમાં પકડાયેલ પતિ અશોક સાવલીયાએ ે એવી કબુલાત આપી હતી કે તેની પત્ની ચારિત્રહિન હોય બંન્ને વચ્ચે છાશવારે ઝઘડા થતા હતા. બનાવના દિવસે રાત્રે પોતે ઘરે આવ્યો ત્યારે પત્નિ જયશ્રી મોબાઇલ ફોન પર કોઇ સાથે વાત કરતા પકડાઇ ગઇ હતી અને આ મુદ્દે બંન્ને વચ્ચે  ઉગ્ર ઝઘડો થયો હતો અને પોતે સુઇ ગયો હતો. છાશવારે ઝઘડાથી કંટાળી અને પત્ની સુધરતી ન હોય કંટાળી જઇ સવારે ઉઠીને ઘરમાં પડેલ લોંખંડની કોશ નિંદ્રાધીન અવસ્થામાં રહેલ પત્ની જયશ્રીબેનના માથામાં ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધી હતી.

ત્યાર બાદ બંન્ને પુત્રીઓને બોલાવીને કહયું હતું કે તારી માને પતાવી દીધી છે. અને કલાક પછી ઘરે બે બાવાઓ ભીક્ષા માંગવા આવતા ઝઘડો થતા બાવાઓએ પતાવી દીધાની પોલીસને ખોટી સ્ટોરી કહે જે તેમ કહી પોતે ઘરેથી નિકળી ગયો હતો અને બાદમાં બંન્ને પુત્રીઓએ પોલીસ સમક્ષ ઘરે બે બાવા ભીક્ષા માંગવા આવ્યાની અને રોકડ રકમ આપવા બાબતે માથાકુટ થતા બે બાવાઓએ તેની માતાને પતાવી દીધાની પોલીસ સમક્ષ સ્ટોરી વર્ણવી હતી.

પકડાયેલ અશોક સાવલીયાએ પોલીસ સમક્ષ વધુમાં જણાવ્યું હતું કે, તેની પત્ની જયશ્રી ના લફરાની બંન્ને પુત્રીઓને જાણ થતા બંન્ને પુત્રીઓ પ્રત્યે પણ તેનું વર્તન બદલાઇ ગયું હતું. બંન્ને પુત્રીઓ પણ માતાના લફરાથી કંટાળી ગઇ હતી.

આટકોટ પોલીસે પત્નીની હત્યા કરનાર પતિ અશોક સાવલીયાની ધરપકડ કરી વધુ પુછતાછ હાથ ધરી છે. ગોંડલ ડીવાયએસપી દિનેશસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ આટકોના પીએસઆઇ એ.વી.જાડેજા તથા સ્ટાફે ગણતરીના દિવસોમાં  જ આ હત્યાનો ભેદ ઉકેલી નાખતા ઉચ્ચ અધિકારીઓએ અભિનંદન પાઠવ્યા હતા .(૪.૮)

(3:27 pm IST)