Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

સરકારમાં બેસીને વિકાસ કામો થઇ શકે અથવા સરકારને હચમચાવવાની તાકાત સમાજમાં હોવી જોઇએઃ કુંવરજીભાઇ બાવળીયા

જસદણ-વિંછીયા વિસ્તારનાં કોળી સમાજ આયોજીત સામાજીક સમરસતા સંમેલનમાં કોંગ્રેસનાં ધારાસભ્યનો ભાજપમાં જોડાવવા સંકેત

જસદણ : વિંછીયા યાર્ડ ખાતે કોળી સમાજનું સામાજીક સમરસતા સંમેલન યોજાયું હતું. (તસ્વીર : ધર્મેશ કલ્યાણી -જસદણ)

 જસદણ તા. રપ :.. જસદણ-વિંછીયા વિસ્તારના કોળી સમાજ આયોજીત સામાજીક સમરસતા સંમેલનમાં કોંગી ધારાસભ્ય કુંવરજીભાઇ બાવળીયાએ ભાજપમાં જોડાવાનો સ્પષ્ટ સંકેત આપ્યો હતો.

કોંગી ધારાસભ્ય અને અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્યું કે સરકારમાં બેસીને વિકાસના કામો થઇ શકે અથવા વિકાસના કામો માટે સરકારને હચમચાવવાની તાકાત સમાજમાં હોવી જોઇએ. બન્ને પક્ષમાં કોળી સમાજના ધારાસભ્યો છે પરંતુ બન્ને પક્ષમાં કોળી સમાજના ધારાસભ્યોનું કંઇ ઉપજતું નથી. અત્યારે વિકાસ માટે આપણે રાજકીય રીતે કંઇ કરી શકીએ તેમ નથી ત્યારે વિકાસ માટે આગામી સમયમાં સાથે મળીને શું કરવુ છે તે વિષય હુ આપના સમક્ષ મુકુ છું. વધુમાં બાવળીયાએ જણાવ્યું હતું કે માત્ર કોળી સમાજ નહી પરંતુ દરેક સમાજને સાથે રાખીને આપણે આગળ વધવાનું છે. ભુતકાળમાં કોળી સમાજના ધારાસભ્યોનું રાજકીય મહત્વ હતુ તેવુ આગામી સમયમાં ઉભુ કરવાનું છે. તમને વિશ્વાસમાં લઇને આગળ વધશુ તેમ જણાવ્યુ હતું.

કુંવરજીભાઇના વકતવ્ય બાદ આ સંમેલનના આયોજક અને જસદણ-વિંછીયા તાલુકા કોળી સમાજના પ્રમુખ જેસાભાઇ સોલંકીએ જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું. કે કુંવરજીભાઇને એક વખત સત્તા મળે તો તે તમને આપેલા વચનો પુરા કરી શકે. કુંવરજીભાઇ પાંચ ટર્મ ધારાસભ્ય અને એક ટર્મ સંસદસભ્ય રહ્યા પરંતુ તેમની સહીથી કામ થાય તેવો મોકો મળ્યો નથી.

વધુમાં બોલતા જેસાભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે કુંવરજીભાઇ, તમે જે નિર્ણય કરો તેમાં સમાજ સાથે છે અને ઉપસ્થિત કોળી સમાજના તમામ લોકોએ હાથ ઉચો કરીને કુંવરજીભાઇને સમર્થન આપ્યું હતું.

જેસાભાઇ સોલંકીના વકતવ્ય વચ્ચે જ કાર્યક્રમના મુખ્ય બે આયોજકો પૈકીના એક એવા જસદણ યાર્ડનાં પૂર્વ ચેરમેન પોપટભાઇ રાજપરાએ જણાવ્યું હતું કે કુંવરજીભાઇ તમે ભાજપમાં જોડાઇ જાઓ, સમાજ તમારી સાથે છે.

ચોટીલાના કોળી સમાજના ધારાસભ્ય ઋત્વિકભાઇ મકવાણાએ જણાવ્યું હતું કે આ સંમેલનની અસર અહીયા બેઠેલા કરતા ગાંધીનગર અને ત્યાંથી પણ દૂર સુધી પડવાની છે. રાજકારણથી દુર રહીને કોઇ કાર્ય થઇ શકે નહીં.

ગુજરાત પ્રદેશ કોળી સમાજના પ્રમુખ સી. કે. પીઠાવાલાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં કોળી સમાજની ર૪ ટકા વસતી છે છતાં અન્યાય સહન કરી રહ્યા છીએ. સમાજમાં રાજકીય પક્ષો વિભાજન પડાવતા હોય છે. પરંતુ આપણે  એકતા જાળવી રાખવી જોઇએ. જસદણના પૂર્વ ધારાસભ્ય ભોળાભાઇ ગોહીલે જણાવ્યું હતું કે સમાજના નાના-મોટા પ્રશ્નો સૌ સાથે મળીને ઉકેલ લાવવો જોઇએ. આગેવાનો જે માર્ગદર્શન  આપે તે રીતે દરેકને આગળ વધવા અપીલ કરી હતી. શતરંગ ધામના મરૂત હરીરામબાપુએ દિપ પ્રાગટય બાદ સમાજની એકતા દેખાડવા ઉપર ભાર મુકયો હતો. કોળી સમાજના અગ્રણી ખોડાભાઇ ખસીયાએ જણાવ્યું હતું કે આપણા સમાજના સક્ષમ આગેવાનોની ગણના થતી નથી. કોળી સમાજને ઘણો અન્યાય થયો છે હવે આપણા સમાજે માંગવાનો સમય આવી ગયો છે. વિંછીયા યાર્ડના ચેરમેન કડવાભાઇ જોગરાજીયાએ સ્વાગત પ્રવચન કર્યુ હતું. વિવિધ અગ્રણીઓએ વ્યસનમુકિત, શિક્ષણ વધારવા, ખોટા ખર્ચને તિલાંજલી, જસદણમાં સમાજનું ભવન બની રહ્યું છે તે આગળ વધારવા સહિતના સામાજીક સમરસતા અંગેના વકતવ્યો આપ્યા હતાં. સંચાલન મનસુખભાઇ જાદવે કર્યુ હતું. છગનભાઇ વાળા, જેહાભાઇ બાવળીયા, નાથાભાઇ વાસાણી, બાબુભાઇ ખીસડીયા, બાબુભાઇ હાંડા, વિઠલભાઇ મેર, મગનભાઇ મેટાળીયા, રણજીતભાઇ ગોહેલ, ગોપાલભાઇ મકવાણા, સંદિપભાઇ વાળા સહિતના કોળી સમાજના આગેવાનો મંચ ઉપર ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમ પુર્ણ થયા બાદ અનેક લોકો કુંવરજીભાઇને રૂબરૂ મળ્યા હતા અને વહેલી તકે ભાજપમાં જોડાવા અનુરોધ કર્યો હતો. (પ-૭)

(12:03 pm IST)