Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

ગોહિલવાડમાં ડબલ મર્ડર

ગારીયાધારમાં પ્રજાપતિ પિતા - પુત્રની હત્યા

પત્નિને ભગાડી જતાં બિપીન જીકાદરા અને ગોરધનભાઇ જીકાદરા ઉપર તેના પતિ સહિત ચાર શખ્સોએ છરીના ઘા ઝીંકીને બંનેના ઢીમ ઢાળી દીધા

ડબલ મર્ડર : ભાવનગરના ગારીયાધારમાં પરણીતાને ભગાડી જનાર યુવાન અને યુવાનના પિતાની કરપીણ હત્યા થયાનો બનાવ બનવા પામ્યો છે. (તસ્વીર : મેઘના વિપુલ હિરાણી, ભાવનગર)

ભાવનગર તા. ૨૫ : ભાવનગર જિલ્લાના ગારીયાધારમાં પિતા-પુત્રની છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી કરપીણ હત્યા થતાં બેવડી હત્યાના આ બનાવથી ભારે સનસનાટી સાથે ચકચાર મચી જવા પામી છે. પરણીતાને ભગાડી ગારીયાધાર લાવનાર યુવાન અને યુવાનના પિતા ઉપર પરણીતાના પતિ અને અન્ય ત્રણ શખ્સો સહિત ચાર શખ્સોએ જીવલેણ હુમલો કરી હત્યા કરી નાખી હોવાનું જાણવા મળેલ છે.

બેવડી હત્યાના આ બનાવ અંગે પોલીસ સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ મુળ અમરેલીના મોટાભંડારીયાના વતની અને હાલ ભાવનગર જિલ્લાના ગારીયાધારમાં મફતનગર વિસ્તારમાં રહેતા બીપીન ગોરધનભાઇ જીકાદરા (ઉ.વ.૩૦) અને તેના પિતા ગોરધનભાઇ ભગવાનભાઇ જીકાદરા (ઉ.વ.૫૨) ઉપર મોડી રાત્રે ચાર શખ્સોએ છરી વડે જીવલેણ હુમલો કરી છરીના ઉપરાછાપરીના ઘા ઝીંકી દેતા બીપીન જીકાદરા (ઉ.વ.૩૦)નું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે તેના પિતા ગોરધનભાઇ ભગવાનભાઇને ગંભીર હાલતે ભાવનગર ખસેડાતા તેનું પણ વહેલી સવારે મોત નિપજતાં બનાવ બેવડી હત્યામાં પરિણમ્યો હતો.

ડબલ મર્ડરના આ બનાવથી ગારીયાધારમાં ચકચાર મચી જવા પામી છે. બનાવની જાણ થતાં જ ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં પો.સ.ઇ. અગ્રાવત તથા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.

જાણવા મળતી વિગતો મુજબ મૃતક યુવાન બીપીન ગોરધનભાઇ જીકાદરા પ્રજાપતિ કુંભારને આશીક ઇકબાલ ભટ્ટીની પત્ની સાથે આડો સંબંધ હતો અને તે તેણીને ભગાડી ગયો હતો. જેની દાઝ રાખી આશીક ઇકબાલ અને અન્ય ત્રણ શખ્સો સહિત ચાર શખ્સોએ બીપીન અને તેના પિતા ઉપર જીવલેણ હુમલો કરી હત્યા કરી હતી. આ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

(10:14 am IST)