Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

મોરબીનાં સિરામીક ઉદ્યોગકારનાં કન્‍ટેનરમાંથી રકતચંદનની દાણચોરી ઝડપાઇ : મુન્‍દ્રા પોર્ટ પરથી ૧૦ કરોડનું રકત ચંદન જપ્‍ત

મોરબી: મોરબીના સેનેટરીવેર્સ ઉત્પાદક દ્વારા નિકાસ કરવા માટે મોકલાયેલા બે કન્ટેનર માંથી અંદાજે ૧૦ કરોડની કિંમતનો લાલ જથ્થો મુન્દ્રા પોર્ટ પરથી ઝડપાતા ખળભળાટ મચી ગયો છે.

મોરબીના સાનીયો સેનેટરી વેર્સ નામની ફેક્ટરીમાંથી સેનેટરી વેર્સ ભરેલા બે કન્ટેનર એક્સપોર્ટ માટે મુન્દ્રા પોર્ટ પર મોકલવામાં આવ્યા હતા. ગાંધીધામ ડીઆરઆઈ દ્વારા બાતમીના આધારે મુન્દ્રા બંદરે એક્ઝીમ યાર્ડમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. ડીઆરઆઈ દ્વારા એક કન્ટેનરમાંથી ૧૧ ટન અને બીજા કન્ટેનર માંથી ૧૦ ટન જેટલો લાલ ચંદનનો જથ્થો મળી આવ્યો હતો. આ બંને કન્ટેનરમાંથી એક દુબઈ અને બીજું વિએટનામ મોકલવામાં આવી રહ્યું હતું. ઝડપાયેલા જથ્થાની કિંમત ૧૦ કરોડ રૂપિયા જેટલી થાય છે. 

ભારતમાંથી લાલ ચંદનની વિદેશમાં નિકાસ કરવા પર પ્રતિબંધ છે. પરંતુ વિદેશમાં રક્ત ચંદનની ખુબ માંગ હોવાથી સ્મગલિંગ દ્વારા વિદેશ મોકલવામાં આવતા હોય છે. ભૂતકાળમાં પણ આ પ્રકારે અનેક વખત લાલ ચંદનના જથ્થા ઝડપાયા છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ દાણચોરી પર રોક લાગેલી હતી ત્યારે ફરીથી લાલ ચંદનની દાણચોરી શરુ થતા ડીઆરઆઇએ તપાસ હાથ ધરી છે. સુત્રોના જણાવ્યા અનુસાર મોરબીમાંથી બંને કન્ટેનર ભરાઈને સીલ થયા ત્યારે તેમાં સેનેટરી વેર્સ જ ભરવામાં આવેલું તેવું સીસીટીવી ફૂટેજ સ્પષ્ટ થયું છે. ત્યારે મોરબીથી મુન્દ્રા સુધીમાં જ રક્તચંદનનો જથ્થો લોડ થઈ ગયો હોવાની શક્યતાઓ છે.

(5:35 pm IST)