Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

વાંકાનેર પાલીકાના સફાઇ કર્મચારીઓ હડતાલ ઉપર

ચીફ ઓફીસર સામે આક્ષેપો કરીને આજ સવારથી હડતાલનું શષા ઉગામી દેતા કચરાના ઢગલા અને ગંદકીનું સામ્રાજય સર્જાવાનો ભય

(મહમદ રાઠોડ  દ્વારા) વાંકાનેર, તા.,રપ : વાંકાનેર નગરપાલિકામાં આજથી સફાઇ કામદારો અચાનક હડતાલ પર ઉતરી જતા શહેરમાં ઠેર ઠેર કચરાના ઢગલા અને ગંદકીનું સામ્રાજય વધશે. ૯૦ થી ૧૦૦ સફાઇ કામદારોએ ચીફ ઓફીસર સામે આક્ષેપો કરીને હડતાલ ઉપર ઉતરી જતા રાજકીય ગરમાવો વ્‍યાપી ગયો છે.

હાલમાં ચીફ ઓફીસર ટાઉન હોલની જગ્‍યાએ નગર પાલીકા ૧૯૭પ થી જયાં કાર્યરત છે ત્‍યાં બેસે છે.  જેના કારણે લોકોને અને સફાઇ કામદારોને મુશ્‍કેલી પડી રહી હોવાનું સફાઇ કામદારો જણાવી રહયા છે. જુની નગર પાલીકા શહેરની બહારની સાઇડ છે. જયારે હાલમાં ટાઉન હોલ ખાતે જયાં પાલીકા કર્મચારીઓ કામગીરી કરી રહયા છે તે શહેરની મધ્‍યમાં છે.

પાલિકાના મહિલા મુખ્‍ય અધિકારી તેજલબેન સામે તમામ સફાઇ કામદારોએ પગાર પ્રશ્ને રજુઆત કરતા તમામ કર્મચારીઓના પગાર આજે મળી જશે તેવી ખાત્રી આપવામાં આવી હતી.

 જયારે ગઇકાલે ચીફ ઓફીસરને   અમુક સફાઇ કામદારો મળવા ગયા ત્‍યારે કહેવાયુ કે ઓફિસ કર્મચારીઓને પોતાની કામગીરી ફરજ સમજીને કરવી પડશે. અમુક કર્મચારીઓને સારૂ નહી લાગતા ઇન્‍ચાર્જ પ્રમુખને આ બાબતની જાણ કરી હતી  ત્‍યાર બાદ આજથી તમામ કર્મચારીઓ હડતાલ પર ઉતરી ગયા છે.

પાલિકાના પ્રમુખની સતાઓ અંગે કર્મચારીઓએ ધ્‍યાન દોરેલ પરંતુ ચીફ ઓફિસરે જણાવેલ કે પ્રમુખની સત્તાની મને જાણ છે. પાલિકાના કર્મચારીઓ સાથે ઇન્‍ચાર્જ પ્રમુખ અને ચીફ ઓફિસરના કારણે વાંકાનેર શહેરની પ્રજા જયાં સુધી હડતાલ સમેટાય નહી ત્‍યાં સુધી મુશ્‍કેલીઓ ભોગવશે.

ત્‍યારે હવે વાંકાનેર શહેરીજનોના હિતમાં કોઇ નિર્ણય લઇને સફાઇ કામદારોની હડતાલ સમેટાઇ તે જરૂરી છે. પાલીકાના ઇન્‍ચાર્જ પ્રમુખ ધર્મેન્‍દ્રસિંહ જાડેજાએ પણ સફાઇ કામદારોના હિતમાં નિર્ણય લેવાય તેવી માંગણી કરી છે. (૪.૧૧)

વાંકાનેર પાલિકામાં હડતાલનું કારણ શું  ?

રાજકોટ, તા.,૨૫:  વાંકાનેર પાલિકા ના સફાઈ કામદારો હડતાલ પર ઉતરી જતા એવી ચર્ચા છે કે પાલિકામાં કર્મચારીઓ ઉપર  ચોક્કસ નેતાઓનુ વર્ચસ્‍વ છે જ્‍યારે વહીવટી પાંખ ને સબંધ બીજા જૂથના નેતાઓ સાથે છે ઉપરાંત હાલમાં જ્‍યાં ઓફિસ છે તે જગ્‍યા ઓફિસ કામ માટે બરાબર ન લાગતા અને મુખ્‍ય તમામ કામકાજ કરવા આદેશ અપાતા આ મડાગાંઠ સર્જાયા ચર્ચાઈ રહ્યું છે.

જોકે સત્તાવાર કોઈ જાણકારી મળી નથી પરંતુ વિશેષ વિગતો માટે જીતુભાઈ સોમાણી , કેસરીદેવસિંહજી  અને ચીફ ઓફિસરનો સંપર્ક કરવા પ્રયાસો કરી રહ્યા છીએ. (૪.૧૩)

હિન્‍દુસ્‍તાનમાં એવુ તો કયાંય નથી કે પાલીકા કચેરીની જગ્‍યાએ ચીફ ઓફીસર અન્‍ય જગ્‍યાએ બેસીને કામગીરી કરેઃ ચીફ ઓફીસરે સફાઇ કામદારોને છુટા કરી દેવાની ધમકી આપીઃ જીતુભાઇ સોમાણી

રાજકોટ, તા., ૨૫: આ અંગે વાંકાનેર ભાજપ અગ્રણી જીતુભાઇ સોમાણી (મો.૯૩ર૮૮૬ર૨૪૮) એ અકિલાને જણાવ્‍યું હતું કે, ટાઉન હોલ ખાતે પાલીકા કચેરી કાર્યરત છે પરંતુ ચીફ ઓફીસર તેજલબેન અન્‍ય જગ્‍યાએ બેસીને કામગીરી કરી રહયા છે. હિન્‍દુસ્‍તાનમાં એવું તો કોઇ જગ્‍યાએ નથી કે પાલીકા કચેરી જે જગ્‍યાએ હોય તેના બદલે ચીફ ઓફીસર અન્‍ય જગ્‍યાએ બેસીને પોતાની કામગીરી કરે.

જીતુભાઇ સોમાણીએ વધુમાં જણાવ્‍યું કે,ચીફ ઓફીસર દ્વારા સફાઇ કામદારોને ધમકી પણ આપવામાં આવી છે અને છુટા કરી દેવાની ચીમકી પણ આપી છે. જેના મોબાઇલ રેકોર્ડીગ પણ અમારી પાસે છે. ચીફ ઓફીસર હાલમાં જયાં બેસે છે તે જગ્‍યા શહેરની બારોબાર છે અને ટાઉનહોલ શહેરની મધ્‍યમાં છે. જેથી અરજદારોને અને સફાઇ કામદારોને મુશ્‍કેલી ન પડે તે માટે ટાઉન હોલ ખાતે જ ચીફ ઓફીસર પોતાની કામગીરી કરે તે ઇચ્‍છનીય છે. (૪.૧૩)

સરકારના રૂપીયા બચે તે માટે હું ૧૯૭પથી જયાં પાલીકા કાર્યરત છે ત્‍યાં બેસુ છુઃ સફાઇ કામદારોને ખોટા ભડકાવ્‍યા છે : ચીફ ઓફીસર તેજલબેન મુંધવા

રાજકોટ, તા.,૨૫:  વાંકાનેર પાલિકા ના સફાઈ કામદારો હડતાલ ઉપર ઉતરી જતા આ અંગે વાંકાનેર પાલીકાના ચીફ ઓફીસર  તેજલબેન મુંધવાએ અકિલાને જણાવ્‍યું હતું કે, હાલમાં ટાઉનહોલ ખાતે પાલીકા કચેરી બેસે છે. ત્‍યાં રીનોવેશન કામગીરી પણ થઇ રહી છે. પરંતુ મારે કોઇ વધુ ખર્ચ કરવાની કે સરકારના રૂપીયા બગાડવાની ઇચ્‍છા ન હોવાથી હું ૧૯૭પ થી જે જગ્‍યાએ પાલીકા કચેરી બેસતી તે જગ્‍યાએ હું બેસુ છું.મારે કોઇ વધુ પડતી સુવિધાવાળી ઓફીસની જરૂર નથી.

તેજલબેન મુંધવાએ વધુમાં જણાવ્‍યું કે, સફાઇ કામદારોને ખોટી રીતે ભડકાવવામાં આવ્‍યા છે. સફાઇ કામદારોના ચલણ પણ સીધા જ બેંકમાં જમા કરાવવા માટે સફાઇ કામદારોને કહેવામાં આવ્‍યું છે. જે કાયદેસર રીતે નગર પાલીકાના એકાઉન્‍ટ વિભાગમાં જમા કરાવવાના હોય છે. પાલીકાના ઇન્‍ચાર્જ પમુખ અને

પુર્વ પ્રમુખ સામે આક્ષેપો કર્યા છે.

(4:09 pm IST)