Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

રીબડામાં આયોજીત લોકડાયરામાં રૂપિયાનો વરસાદ

રાજકોટ, તા. રપ : ગુજરાત સહિત દેશ-વિદેશમાં ભવ્‍ય લોકડાયરામાં ચલણી નોટો અને ડોલરનો વરસાદ થાય તે વાત હવે સામાન્‍ય બની છે. ત્‍યારે રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પર આવેલા રીબડા ગામે ભવ્‍ય લોકડાયરો યોજાયો હતો. પૂજ્‍ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની ભાગવત સપ્તાહ દરમિયાન રાત્રીના સમયે ભવ્‍ય લોકડાયરો યોજાયો હતો. જેમાં લોકોએ મનમૂકીને લોકલાડીલા કલાકારો પર ચલણી નોટોનો વરસાદ થયો હતો. એક સમયે સ્‍ટેજ પર પથરાયેલી રૂપિયા ૨૦,૧૦૦ અને ૫૦૦ ની ચલણી નોટોનું દ્રશ્‍ય જોવાલાયક બન્‍યું હતું.

રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પર આવેલા રીબડા ગામે ભવ્‍ય લોકડાયરામાં અનેક મોટા ગજાના નેતાઓ ઉપસ્‍થિત રહ્યા હતા અને તેમના પર રૂપિયાનો વરસાદ થયો હતો. પ્રદેશ ભાજપના ઉપાધ્‍યક્ષ ડો. ભરત બોઘરા, જિલ્લા પંચાયત પ્રમુખ ભુપત બોદર અને રાજકોટ ડેરીના ચેરમેન ગોરધન ધામેલીયા પર રૂપિયાનો વરસાદ થયો હોવાની માહિતી સામે આવી રહી છે. આ લોકડાયરાને દિપાવવા માટે ગુજરાતના જાણીતા કલાકારોમાં કિર્તીદાન ગઢવી, બ્રિજરાજદાન ગઢવી, સાંઈરામ દવે, ઓસમાણ મીર સહિતના કલાકારોએ લોકોને મંત્રમુગ્‍ધ કર્યા હતા.

ગોંડલ તાલુકાના રીબડા ગામ ખાતે ૨૬ મે સુધી શ્રીમદ્‌ ભાગવત કથા મહોત્‍સવનું આયોજન કરાયું છે, જેમાં વ્‍યાસપીઠ પરથી રમેશ ઓઝા કથાનું રસપાન કરાવી રહ્યા છે. આ કથામાં ૨૩ મેને સોમવારે શ્રીમદ્‌ ભાગવત કથા મહોત્‍સવમાં શ્રીકળષ્‍ણ જન્‍મોત્‍સવ યોજાયો હતો.

મહત્‍વનું છે કે, લોકડાયરામાં કલાકારોએ ગીતો, ભજનોની રમઝટ બોલાવતા લોકો મન મૂકીને વરસ્‍યા હતા. લોકડાયરામાં ચારેબાજુ ચલણી નોટોનો વરસાદ થઈ રહ્યો હતો. આ ડાયરામાં કલાકારોએ લોકગીત, ભજન, દેશભક્‍તિનાં ગીત, લોકસાહિત્‍ય પીરસી લોકોને મંત્રમુગ્‍ધ બનાવ્‍યા હતા. જેના કારણે સ્‍ટેજ પર રૂપિયાની નોટોના થર થયા હતા.

(12:53 pm IST)