Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

વિસાવદરના ત્રણ અને બરડીયાના એક દર્દી કોરોના મુકતઃ સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ

જુનાગઢ સીવીલના દર્દીઓની ડીડીઓ પ્રવિણ ચૌધરીએ લીધી મુલાકાત

 જુનાગઢ તા. રપ : વિસાવદરના ત્રણ અને બરડીયાના એક દર્દી કોરોના મુકત થતા આજે સવારે આ દર્દીઓને જુનાગઢ સિવિલ હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

જુનાગઢ જિલ્લામાં આવેલા લોકોનાં સંક્રમણ સતત વધી રહ્યું છે. પરંતુ છેલ્લા બે દિવસથી કોરોનાનો નવો કેસ નોંધાયો નથી.

વિસાવદર તાલુકાના પ્રેમપરા ગામના ૧પ વર્ષીય તરૂણનો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવતા તેને તા.૧૬ મેના રોજ જુનાગઢ સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવેલા.

આ તરૂણની સાથે તેના પરિવારની બે વ્યકિત અને વિસાવદરના બરડીયાના ૪૮ વર્ષીય પુરૂષનો પણ રિપોર્ટ પોઝીટીવ આવતા આ ત્રણેય દર્દીને ગત તા.૧૭ મેના રોજ જુનાગઢ ખાતે સારવાર માટે ખસેડામાં આવેલ.

દરમ્યાનમાં આજે આ ચારેય દર્દી સ્વસ્થ થઇને કોરોના મુકત થતા તેઓને હોસ્પિટલના ડોકટરો નર્સીંગ સ્ટાફ વગેરેએ શુભેચ્છા સાથે વિદાય આપી હતી.

આ સાથે જુનાગઢ જિલ્લામાં રપ કેસમાંથી કુલ આઠ કેસ ડિસ્ચાર્જ થતા હવે ૧૭ કેસ એકટિવ રહ્યા છે.

બીજી તરફ ગઇકાલે રજાના દિવસે પણ જુનાગઢ જિલ્લા વિકાસ અધિકારી પ્રવીણ ચૌધરી જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ઓચિંતા પહોંચ્યા હતા. અને તેઓએ કોરોના દર્દીઓની મુલાકાત લઇ તેમના ખબર-અંતર પુછયા હતા.

આ મુલાકાત દરમ્યાન પોઝીટીવ દર્દીઓએ સિવિલ હોસ્પીટલ ખાતે સારવાર તેમજ ભોજન સહિતની વ્યવસ્થાઓ અંગે સંતોષ વ્યકત કર્યો હતો.

દરમિયાનમાં ગઇકાલે લેવાયેલા ૧૧૬ સેમ્પલનો રિપોર્ટ આવવાનો બાકી છે.

(12:45 pm IST)