Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

ભાવનગરમાં સૌપ્રથમ ત્રિવેદી પરિવારમાં ૯ જાનૈયા સહિત ૪૦ લોકોની હાજરીમાં લગ્નોત્સવ સંપન્ન

લોકડાઉનમાં છુટછાટ મળવા સરકારની ગાઇડલાઇન મુજબ માસ્ક અને ડીસ્ટન્સ સાથે ખુરશી ગોઠવી ધામધૂમને બદલે સાદગીથી લગ્નવિધી સંપન્ન કરાઇ

 ભાવનગર, તા. રપ :  ભાવનગરમાં લોકડાઉન-૪ માં છુટછાટ મળતા શહેરમાં પ્રથમ લગ્ન સમારોહ યોજાયા હતા. વિપ્ર પરિવારની દિકરીના લગ્નમાં જાનમાં ૯ સહિત કુલ ૪૦ વ્યકિતઓની હાજરીમાં સરકારની ગાઇડલાઇન મુજબ તમામ નિયમોનાં પાલન કરાયું હતું.

કોરોનાની મહામારીમાં લાંબા સમયથી લગ્ન પ્રસંગો બ્રેક લાગી ગઇ છે. પ્રથમ ત્રણ લોકડાઉનમાં લગ્નો થયા ન હતા પરંતુ ચોથા લોકડાઉનમાં સરકારે છુટછાટ આપી લગ્નની ચોક્કસ નિયમોના પાલન સાથે છુટ આપતા ભાવનગરમાં લોકડાઉન-૪ સાથે પ્રથમ લગ્ન યોજાયા હતા.

શહેરના ફુલસર કર્મચારીનગર વિસ્તારમાં ત્રિવેદી પરિવારની દિકરી ચિ. વૃંદાના લગ્ન યોજાયા હતા. આ લગ્ન સરકારની ગાઇડલાઇન મુજબ નિયમોમાં પાલન સાથે કરવામાં આવ્યા છે.

લગ્નમાં માત્ર ૪૦ વ્યકિતઓ જ હાજર રહી હતી. જાનમાં વરરાજા સહિત નવ વ્યકિતઓ જ આવી હતી.

વર-વધુ સહિત તમામ લોકોએ માસ્ક પહેર્યુ હતું. તેમજ જરૂરી નિયમ મુજબ ખુરશીઓ ગોઠવાઇ હતી. આમ ભાવનગરમાં લોકડાઉન-૪ સાથે પ્રથમ લગ્ન ધામધૂમથી નહિ પરંતુ સરકારના નિયમોને આધીન સાદાઇથી ઉજવાયા હતા.

(11:58 am IST)