Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

જંગવડના વૃધ્ધાને કોરોના પોઝીટીવ બાદ તેના સંપર્કમાં આવેલા ૧૬પ વ્યકિતઓ કન્ટેનમેન્ટ ઝોનમાં રખાયા

આટકોટ : કોરોના પોઝીટીવ આવતા વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત સાથે પ્રવેશબંધી કરાઇ છે. (તસ્વીર : વિજય વસાણી -આટકોટ)

 આટકોટ તા. રપ :.. જસદણનાં આટકોટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના આટકોટમાં અમદાવાદથી આવેલા ૩ અને જંગવડમાં પણ અમદાવાદથી આવેલ એક વૃધ્ધાને ગઇકાલે કોરોના પોઝીટીવ આવતાં સ્થાનિક તંત્ર ત્રણ દિવસથી ઉંધા માથે થયું છે.

અત્યાર સુધી જસદણ પંથકમાં એક પણ કોરોના કેસ નોંધાયો નહોતો પરંતુ મુંબઇ અને અમદાવાદથી આવેલા પાંચ નેે કોરોના પોઝીટીવ આવતા આટકોટ, જસદણ અને હવે જંગવડમાં લોકોમાં ભય પ્રસરી ગયો છે.

ગત રાત્રે અમદાવાદથી જંગવડ સબંધીને ત્યાં આવેલા ૮૦ વર્ષના વૃધ્ધ રાયબેન કરશનભાઇ ચૌહાણનો રીપોર્ટ પોઝીટીવ આવતા આખી રાત તંત્ર ધંધે લાગ્યુ હતું.

વૃધ્ધા ત્રણ-ચાર દિવસ પહેલા અમદાવાદના રેડ ઝોન વિસ્તારમાંથી જંગવડ આવેલા વૃધ્ધાને મેડીકલ તપાસ કરવામાં આવી હતી જેનો ગત રાત્રે રીપોર્ટ આવ્યો હતો.

આ વૃધ્ધા જંગવડ જયાં રહેતા હતા તે વિસ્તારનાં પચાસથી સાંઇઠ ઘરોને સીલ કરી દેવામાં આવ્યા છે.

આ ઉપરાંત આ વૃધ્ધાની ઘરે તપાસ કરવા ગયેલા આટકોટ પ્રાથમિક - આરોગ્ય કેન્દ્રનાં બે મહિલા કર્મચારીઓ કે જેમણે આ ઘરે પાણી પીધુ હતું. તેમને પણ હોમ કોરોન્ટાઇન કરી દેવામાં આવ્યા છે. તેમજ આ વૃધ્ધાનાં સંપર્કમાં આવેલ બીજા લોકોની પણ આરોગ્ય તપાસ કરી કોરોન્ટાઇન કરવામાં  આવ્યા છે.

ગત રાત્રે જાણ થતા મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. ભંડેરી, તાલુકા હેલ્થ ઓફીસર ડો.રામ, આટકોટનાં મેડીલ ઓફીસર ડો. ચૌધરી, આયુષ મેડીકલ ઓફીસર ડો. હેતલબેન, તાલુકા હેલ્થ સુપરવાઇઝર પીયુષભાઇ શુકલ, આટકોટ પોલીસનાં પી. એસ. આઇ. મેતા, તાલુકા પંચાયતના માંડલીયા, જંગવડના સરપંચ દિનેશભાઇ સિધ્ધપરા સહિત હાજર રહ્યા હતાં.

હાલ વૃધ્ધાનાં સંપર્કમાં આવેલા પાંચ વ્યકિતને રાજકોટ કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. તેમજ ૧૬પ વ્યકિતને કેન્ટનમેન્ટ ઝોનમાં રાખવામાં આવ્યા છે. તેમજ આરોગ્ય શાખાના બે મહિલા કર્મચારીને હોમ કોરોન્ટાઇન કરી દેવાયા છે.

નાનકડા જંગવડ ગામમાં કોરોનાની એન્ટ્રીથી ગામમાં ભયનું લખ-લખુ પ્રસરી ગયું છે.

(11:49 am IST)