Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

આદિત્યાણામાં કોરોનાનો પ્રથમ પોઝીટીવ કેસ

આદિત્યાણાના વતની અને પુના રિલાયન્સ પેટ્રોલીયમના એકઝીકયુટીવ યુવાન લોકડાઉનમાં અમદાવાદ ફઇબાના ઘરે રોકાયેલઃ સેમ્પલ આપીને વતન આવતા રસ્તામાં ફોન દ્વારા પોતાને કોરોના પોઝીટીવની જાણ થઇઃ યુવાન સાથે રહેલ જર્મન શેફર્ડ ડોગને પશુ દવાખાને લઇ ગયાં

આદિત્યાણા, તા.૨૫: પોરબંદર જિલ્લાના રાણાવાવના આદિત્યાણાના યુવાન અને પુના રિલાયન્સ પેટ્રોલીંયમના એકઝીકયુટીવ ચિન્મય પારિતોષભાઇ દાસ (ઉ.૨૪) લોકડાઉનમાં અમદાવાદમાં ફઇબાના ઘરે રોકાતા ફસાઇ જતા અને હોસ્પિટલમાં સેમ્પલ આપતા તેનો કોરોનાનો પોઝીટીવ રિપોર્ટ આવેલ છે. આદિત્યાણામાં કોરોનાનો પ્રથમ પોઝીટીવ કેસ આવતા ફફડાટ વ્યાપી ગયેલ છે.

ગત માર્ચ માસથી લોકડાઉનના કારણે અમદાવાદ પોતાના ફઇબા પૂર્ણીમા દાસને ઘરે રહેલ આદિત્યાણાનો યુવાન ચિન્મય પારિતોષભાઇ દાસ (ઉવ.૨૪) આદિત્યાણાના આવવાનું  હોવાથી ગુરૂવારના અમદાવાદની હોસ્પિટલમાં ચેકઅપ માટે રિપોર્ટ સેમ્પલ આપી આવેલ પણ રિપોર્ટ આવેલ ન હતો.બાદમાં ગઇ કાલે રવિવારના સવારે જીજે ૧૮ એબી ૫૯૪૪ નંબરની ગાડીમાં ચિન્મય તેના ફુવા હિતેન્દ્રભાઇ ચંદા અને ફઇનો જર્મન સેફર્ડ ડોગ 'સેલા' નામનો લઇને  આદિત્યાણા આવવા નિકળેલ ત્યારે રસ્તામાં ગોંડલ આસપાસ પહોંચતા તેને અમદાવાદની હોસ્પિટલમાંથી ફોન આવેલ કે તમે કોરોના પોઝીટીવ છો. તમે તાત્કાલીક હોસ્પિટલે આવી જાવ. ત્યારે ચિન્મયે જણાવેલ કે હું અત્યારે હાઇ વે પર છુ અને આદિત્યાણા જઇ રહેલ છે.

અમદાવાદ હોસ્પિટલ અને કલેકટર દ્વારા પોલીસમાં મેસેજ કરી તાત્કાલીક ચિન્મયને પકડી લેવા જણાવેલ અને ઉપલેટા કુતિયાણા વચ્ચે આવેલ ચૌટા ચેક પોસ્ટ ઉપર પોલીસે તેઓને ઝડપી લઇ પોરબંદરથી એમ્બ્યુલન્સ બોલાવી સિવિલ હોસ્પિટલ પોરબંદર લઇ ચિન્મયને કોરોના વોર્ડમાં સારવાર માટે દાખલ કરેલ છે.

જ્યારે સાથે રહેલ ચિન્મયના ફુવા હિતેન્દ્રભાઇ દાસને પણ પોરબંદર કવોરન્ટાઇન સેન્ટર કવોરન્ટાઇન કરેલ છે. સાથે રહેલ જર્મન સેફર્ડ ડોગ 'સેલા'ને પણ પોરબંદર પશુ દવાખાને લઇ જવામાં આવેલ છે. ચિન્મય દાસ પુનામાં રિલાયન્સ પેટ્રોલીયમમાં એકઝીકયુટીવ તરીકે ફરજ બજાવે છે અને તેને રિલાયન્સ દરેક આઉટ લુક ઉપર ઓર્ડર માટે અનેક સ્થળે જવું પડતુ હોય  અમદાવાદ આવેલ અને ફઇબાના ઘરે રોકાય ગયેલ.

(11:48 am IST)