Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

ગૌસેવકો સામે પોલીસ ફરિયાદના વિરોધમાં કાલે ગોંડલ બંધ

ગત શનિવારે પશુઓને કત્લખાને લઇ જતા વાહનને ગૌસેવકો દ્વારા અટકાવાતા બે જુથના ટોળા સામસામા આવી ગયા બાદ પત્થરમારો થતા પોલીસે ગૌસેવકો સામે ગુન્હો દાખલ કરતા રોષ : બઘડાટીમાં ૫ શખ્સોની ધરપકડઃ હિન્દુ ઉત્સવ સમિતિ દ્વારા અપાયેલ એલાન : બંધના એલાનને વિહિપ, બજરંગદળ તથા વેપારી સંગઠનોએ ટેકો જાહેર કર્યો

ગોંડલમાં પત્થરમારામાં બે વાહનોના કાચ તૂટી ગયા હતા તે નજરે પડે છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી, ગોંડલ)

ગોંડલ તા. ૨૩ : ગોંડલમાં ગત શનિવારે પશુઓને કત્લખાને લઇ જતા વાહનોને ગૌસેવકો દ્વારા અટકાવાયા બાદ બે જુથો વચ્ચે સામસામા આવી જતા પત્થરમારો થતાં આ ઘટનામાં પોલીસે ગૌસેવકો સામે ગુન્હો દાખલ કરતા તેના ઉગ્ર પ્રત્યાઘાતો પડયા છે અને ગૌસેવકો સામે પોલીસ ફરિયાદના વિરોધમાં હિન્દુ ઉત્સવ સમિતિ દ્વારા આવતીકાલે ગોંડલ બંધનું એલાન અપાયું છે.

પ્રાપ્ત વિગતો મુજબ કતલખાને લઇ જવાઇ રહેલ અબોલ પશુ ભરેલ વાહનને અટકાવવાની ઘટનામાં શનિવાર રાત્રે ભગવતપરા અને પાંજરાપોળ પાસે બે જુથ વચ્ચે પત્થરમારા સાથે થયેલ અથડામણ બાદ પોલીસ દ્વારા રાયોટીંગ સહીતનાં ગુન્હા સાથે ફરીયાદ નોંધતા ગૌસેવકોમાં રોષ ફેલાયોછે અને પોલીસ ફરીયાદ સામે વિરોધ વ્યકત કરી હિન્દુ ઉત્સવ સમિતિ દ્વારા આવતી કાલ મંગળવાર તા.૨૬ નાં ગોંડલ બંધનું એલાન અપાયું છે. બંધનાં એલાનને વિશ્વ હિન્દુ પરિષદ,બજરંગ દળ સહીતનાં સંગઠનો તથાં વેપારી મંડળોએ સમર્થન જાહેર કર્યુ છે.ગૌસેવકો પર ખોટી રીતે ફરીયાદ કરાયાનું હિન્દુ ઉત્સવ સમિતિ એ જણાવી આ અંગે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરાશે તેવું વધુમાં જણાવ્યું હતું

ગત શનિવારે કોઈ ખાનગી વાહનમાં મૂંગા પશુઓને કતલખાને લઈ જવામાં આવી રહ્યા હોવાની બાતમીના આધારે ગૌસેવકો દ્વારા વાહન ને અટકાવવાનો પ્રયત્ન કરતા સૌ પ્રથમ ભગવતપરા ખાતે માથાકૂટ થવા પામી હતી. બાદમાં પાંજરાપોળ થી લઈ જેલચોક સુધી બે જૂથના ટોળા ધોકા પાઇપ હથિયારો સાથે સામસામે આવી જવા સાથે પથ્થર મારો થતા એસપી બલરામ મીણા સહિત જિલ્લાભરનો પોલીસ કાફલો સ્થળ પર પહોચ્યો હતો અને પરિસ્થિતિને કાબુમાં લઈ ટોળા ઓને વિખેરી ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.  સામાકાંઠા વિસ્તારમાં ટોળાએ પત્થરમારો કરી બે ગાડીના કાચ તોડી નાંખ્યા હતા.

આ ઘટના અંગે સીટી પીએસઆઇ બી એલ ઝાલા એ ફરિયાદી બન્ને અજાણ્યા ટોળા વિરુદ્ઘ રાયોટિંગ સહિત ૧૪૭, ૧૪૬, ૩૩૭, ૪૨૭, ૨૭૯, ૧૮૮ જીપી એકટ ૧૩૫ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો. આ ઘટનામાં એક જુથના પાંચ શખ્સોની ગઇકાલે ધરપકડ કરાઇ હતી અને અન્યોની શોધખોળ હાથ ધરાઇ હોવાનું સીટી પીઆઇ રામાનુજે જણાવ્યું હતું.

ગૌસેવકો સામે થયેલ પોલીસ ફરિયાદના ઘેરા પ્રત્યાઘાતો પડયા છે અને ગૌસેવકો સામે પોલીસ ફરિયાદના વિરોધમાં આવતીકાલે ગોંડલ બંધનું એલાન અપાયું છે.

બંધના એલાન અંતર્ગત કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આવતીકાલે ગોંડલમાં ઠેર ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે.

(11:47 am IST)