Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

રાજકોટ-અમરેલી ૪૩ ડીગ્રીઃ કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ

સવારથી જુનાગઢમાં આકરી ગરમી-લુઃ ગિરનાર ખાતે કફર્યુ જેવો માહોલઃ મહત્તમ તાપમાનનો પારો સતત ઉંચે ચડતા આકરા ઉનાળાનો અહેસાસ

રાજકોટ તા. રપ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આકરા તાપથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે અને મહત્તમ તાપમાનનો પારો ૪૩ ડીગ્રી આસપાસ પહોંચી ગયો છે. રાજકોટ-અમરેલીમાં ગઇકાલે ૪૩ ડીગ્રી તાપમાન નોંધાયું હતું.

જયારે આજે સવારથી સર્વત્ર આકરી લૂ પડી રહી છે.

જુનાગઢના ગિરનાર ખાતે કફર્યુ જેવો માહોલ છવાયો છે.

જુનાગઢ

જુનાગઢ : સવારથી જુનાગઢમાં આકરી ગરમી અને લુ વર્ષા શરૂ થઇ જતાં જનજીવનને અસર થઇ છે.

રવિવારે જુનાગઢનો મહત્તમ તાપમાનનો પારો ઉપર ચડીને ૪ર.૯ ડીગ્રીએ પહોંચી ગયો હતો. જેના પરિણામે લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા હતાં ૪ર.૯ ડીગ્રી તાપમાનને રાત્રે પણ લોકોને ગરમીથી મુકિત મળી ન હતી.

આજે પણ સવારથી જ જુનાગઢમાં આકરી ગરમી શરૂ થઇ ગઇ છે. લુ વર્ષા પણ શરૂ થઇ જતાં વાતાવરણ વધુ ગરમ થઇ ગયું હતું.

સતત અગ્નિવર્ષાથી જુનાગઢના ગિરનાર પર્વ ખાતે સ્વયંભૂ કર્ફયુ જુવું વાતાવરણ થઇ ગયું હતું. આકરા તાપમાનને લઇ પથ્થરો  તપતા હોવાથી ગિરનાર પર્વ ભઠ્ઠીમાં ફેરવાયો હોવાની અનુભૂતી થઇ રહી છે.

મે મહિનાના પહેલા દિવસથી ગરમીનો પારો ૪૦ ડીગ્રીની ઉપર રહેતો હતો. રવિવારે સવારથી જ ગરમ પવન ફુંકાવાની સાથે ભેજનું પ્રમાણ પણ વધુ રહેતા લોકો પરસેવે રેબઝેબ બન્યા હતા. રવિવારે પણ અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્યથી ત્રણ ડીગ્રી વધુ ૪૪ ડીગ્રી નોંધાયું હતું. રાજયમાં વિવિધ શહેરમાં પણ પારો ૪૦ ડીગ્રીની ઉપર રહેતા અંગ દઝાડતી ગરમીથી બચવા લોકો ઘરમાં જ પુરાઇ રહ્યા હતા. અમદાવાદ ૪૪ ડીગ્રી, અમરેલી ૪૩, વડોદરા ૪૩, ભાવનગર ૪ર, ભુજ ૪૦, ડીસા ૪૩, ઇડર ૪૩, કંડલા ૪૧, રાજકોટ ૪૩ અને સુરતનું મહત્તમ તાપમાન ૪૧ ડીગ્રી નોંધાયું હતું.

કાળઝાળ ગરમીથી લોકો  ત્રાહીમામ પોકારી ઉઠયા છે. રવિવારે પણ ગરમ અને સૂકા પવનની અસર સમગ્ર રાજયમાં ચાલુ રહી હતી. તેથી મોટાભાગના શહેરના મહત્તમ તાપમાન ૪૦ ડીગ્રીની ઉપર પહોંચી ગયા હતાં. અમદાવાદનું મહત્તમ તાપમાન ૪૪ ડીગ્રી રહેતા બપોરે અંગ દઝાડતી ગરમી વર્તાઇ હતી. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી દિવસોમાં ગરમીનું મોજુ યથાવત રહેશે.

(11:46 am IST)