Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

ધોરાજીમાં ઇદ ઉલ ફિત્રની સાદગીપૂર્વક ઉજવણી : લોકોએ ઘરમાં જ ઇબાદત કરી

ધોરાજી, તા. રપ : માહે રમઝાનના ૩૦ રોઝાની પુર્ણાહુતિ બાદ મુસ્લિમ બિરાદરોએ ઇદઉલ ફિત્રની ઉજવણી ઘરમાં ફકત ચાર વ્યકિતઓને પરવાનગી હતી તેમજ ઇદગાહ ઉપર નમાઝ મોકુફ રાખવામાં આવેલ હતી.

૪ર થી ૪પ ડીગ્રીના ધોમધખતા તાપ વચ્ચે અને ઉનાળાની અસહ્ય ગરમીમાં પણ પવિત્ર રમઝાન માસ દરમ્યાન અબાલ વૃદ્ધો, બાળકો તથા યુવાનોએ ૧૮ કલાક સુધી ખાધાપીધા વિના તપસ્યા કરી રોઝા રાખેલ હતાં.

ઇદની ઉજવણી ખૂબજ શાંતિપૂર્વક થયેલ હતી. શહેરમાં કોઇપણ જાતની ચહલ પહલ કે આવજા કે ટોળાના અદૃશ્યો હતા. મહિલાઓએ પણ ઇદની ખરીદી અને ખુશીથી દૂર રહી ખૂદાપાકની બંદગી ઘરમાં જ કરેલ હતી.

ખુદાપાક પાસે મુસ્લિમોએ કોવિડ-૧૯ના બચાવવા તમામ નાગરિકો સુખ શાંતિ અને નિરોગી બનાવવા દુઆ માંગેલ હતી.

શહેરમાં કોઇપણ જાતનું અનિચ્છનીય બનાવ ના બને માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ હતો. તમામ હિન્દુ મુસ્લિમ બિરાદરોએ મોબાઇલ, વોટસએપ અને ટેલિફોનિક મુબારક બાદી પાઠવી કોમી એકતા દાખવેલ હતી.

(11:46 am IST)