Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

કોડીનારના કાજ ગામની સરકારી જમીનોનું દબાણ દુર કરવાની કાર્યવાહી કરવા આદેશ

રાજકોટ, તા.૨૫: કોડીનારના કાજ ગામના સરકારી જમીનો ઉપરના દબાણો દુર કરવા અંગેની કાર્યવાહી કરવાનો ગુજરાત હાઇકોર્ટે આદેશ કર્યો હતો.

કોડીનાર કાજ ગામના રણજિતસિંહ પરમાર, અમરસિંહ પરમાર તથા અન્ય રહેવાસીઓ ગુજરાત હાઇકોર્ટમાં પોતાના એડવોકેટ નિમિષ એમ.કાપડિયા મારફત પી.આઇ.એલ.નં.૨૦/૧૯ દાખલ કરી એવી રજુઆત કરેલ કે કાજ ગામમાં આવેલ ગૌચર જમીનો ઉપર ગેરકાયદે દબાણો થયા છે.

ગેરકાયદે જીંગાના તળાવ બની ગયા છે. ઉપરાંત જમીનોમાં આવા દબાણો અને ગેરકાયદે જીંગાના તળાવ બની ગયા તે અંગે કાજ ગામના નાગરીકો તથા પંચાયતે મામલતદાર, કલેકટર ગિર-સોમનાથ, પ્રાંત અધિકારી ઉનાને વારંવાર રજુઆતો કરવા છતાં કોઇ ઉકેલ આવેલ નહીં. તેઓએ ગૌચરહીત રક્ષકસમિતિ બનાવી એવી પણ રજુઆતો કરવા છતાં કોઇ ઉકેલ આવેલ નહીં. તેઓએ ગૌચરીહીત રક્ષક સમિતિ બનાવી એવી પણ રજુઆત કરેલ કે ગામમાં ૩,૯૦૦ પ્રાણીઓ હોવા છતાં સરકારશ્રીના પરિપત્રો અને ધારાધોરણો મુજબ તેમને જેટલી ગૌચરની જમીન હોવી જોઇએ તેના કરતા લગભગ ૫૪૧ હેકટર જમીન ઓછી પડેલ છે. કલેકટરશ્રીએ અગાઉ ગૌચર અને સરકારી પડતર જમીન પાવર પ્રોજેકટ માટે, તથા અન્ય હેતુ માટે ફાળવી દીધેલ. પરંતુ ગૌચર માટે જમીનો ફાળવતા નથી અને સરકારી નિયમનું પાલન કરતા નથી. ઉપરાંત ગેરકાયદે જીંગાનો ઉછેરને કારણે ગામની ફળદ્રુપ જમીન બગડી રહી છે અને મામલતદાર કચેરીમાં સામુહિક અંશનકે આત્મવિલોપનના કાર્યક્રમો રાખવા છતાં પણ સ્થાનિક સરકારી અધિકારીએ કોઇ નક્કર પગલા લીધા નથી અને સરકારનું હીત સાચવેલ નથી. સદર પી.આઇ.એલની સુનાવણી ચીફ-જસ્ટીસ અનંત દવે તથા જસ્ટીસ બિરેન વૈશ્ણવ સમક્ષ નીકળતા તેઓએ અરજદારોને રજુઆતમાં મહેસુલી રેકર્ડ, સુપ્રિમકોર્ટ અને હાઇકોર્ટના ચુકાદા ધ્યાને લેતા કેસના પ્રતિવાદીઓ એટલે કે મેહસુલ સચીવ, કલેકટર, પંચાયત સચીવ, કોડીનારનાં મામલતદાર, જિલ્લા વિકાસ અધિકારી વેરાવળ તથા ડી.એસ.પી.ગીર સોમનાથને હુકમ કરેલ કે સરકારી જમીન પરનું ગેરકાયદે દબાણ કે તેની ઘટની હકીકતો ચકાસવી અને તાત્કાલિક અટકાયતી પગલા લેવા. જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી એ સંયુકત રીતે જિલ્લા પંચાયતનાં અધિકારીની નિમણુંક કરી આવા ગેરકાયદે દબાણની માપણી કરી જે તે પક્ષકારોને સાંભળી આઠ અઠવાડિયામાં કાયદા અનુસાર પગલા લેવા ઉપરાંત અરજદારોની ગૌચર જમીનનો ઘટ દુર કરવાની વિનંતિ અંગે પણ નિર્ણય લેવો તેવું જણાવેલ હતું.

(3:29 pm IST)