Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

દેવભુમિ દ્વારકા જીલ્લાનો વિકાસ બેવડી પ્રગતિ કરશેઃ ખંભાળીયામાં પૂનમબેન માડમની જાહેરસભા

ખંભાળીયા, તા.૨૫: સમગ્ર દેશમાં મોદી સુનામીથી સર્વત્ર કેસરીયા છવાઇ જવાની સાથે ગુજરાતની ૨૬ લોકસભાની બેઠકમાં પણ નમો.. નમો.. થતાં તમામ ઉમેદવારો વિજયના તોરણે તુલ્યા હતા. જયારે જામનગર લોકસભા બેઠકમા સતત બીજા વખત કમળ ખિલવવામાં ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ તોતીંગ લીડથી વિજય થયા હતા.

ખંભાળિયા ખાતે વિજય સરઘસ અને ત્યાર બાદ વિજય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના મુખ્ય માર્ગો પર નિકળેલા વિજય સરઘસમાં સાંસદ પૂનમબેન માડમે લાખેણા મતદારોનું અધિવાદન ઝીલ્યું હતું તો ઠેર-ઠેર મતદારો-આગેવાનો દ્વારા હારતોરા કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. શહેરના જોધપુર ગેઇટ ખાતે આભાર સભાને સંબોધતા સાસંદે જણાવ્યું હતું કે, આપે જે જવાબદારી ફરીથી મને આપી છે તેને હું બખૂબી નિભાવીશ વિધાનસભાથી લઇ સાંસદની મારી બિજી ટર્મ સુધી આપે દરેક વખતે વધુને વધુ લીડથી મને જીત અપાવી છે અને જે મજબૂત પાયો ૨૦૧૨થી નાખવામાં આવ્યો છે તે પાયો એડીખમ રહે તે માટે સૌ કોઇએ મહેનત કરી છે. મોદી નેતૃત્વની વાત કરતા ઉમેર્યું હતું કે, તમે આજે એવા નેતૃત્વ નિચે મને પ્રતિનિત્વ કરવાની તક આપી છે કે, જે સમગ્ર દ્વારકા જિલ્લાથી વાકેફ છે માટે દિલ્હી દરબારમાં દ્વારકા જિલ્લાના વિકાસ માટે માત્ર એક જ વખત રજૂઆત કરવી પડે છે અને જોઇતી સુવિધાઓ પ્રાપ્ત થાય છે.

કોંગ્રેસ પર કટાક્ષ કરતા સાંસદે કહ્યું હતું કે, કોંગ્રેસએ કલ્યાણપુર, જામજોધપુર, કાલાવાડ સહિતના વિસ્તારમાં ભાજપને મત નથી મળતા તેવું ગણીત કર્યું હતું પરંતુ મતદાતાઓએ કોંગ્રેસના તમામ ગણીતને ઉંધા વાળી ભાજપના પ્રવાહને પસંદ કર્યો હતો. વધુમાં સમગ્ર ખંભાળિયા પંથકન જનતા, કાર્યકરો આગેવાનો, સામાજીક સંસ્થાઓ સૌ કોઇનો આભાર વ્યકત કર્યો હતો.

આ વિજયોત્સવમાં ગ્રીમકોના ચેરમેન મેઘજીભાઇ કણજારીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કાળુભાઇ ચાવડા જિલ્લા મહામંત્રી દિનેશભાઇ દતાણી, મૂળૂભાઇ બેરા, પાલિકા પ્રમુખ શ્વેતાબેન શુકલ, કારોબારી ચેરમેન દિપેશભાઇ ગોકાણી, પાલિકા ઉપપ્રમુખ પીએમ ગઢવી, શહેર ભાજપ પ્રમુખ મનુભાઇ મોટાણી, પાલિકા સદસ્યા ફાલ્ગુનીબેન વ્યાસ, હરીભાઇ નકુમ, પાલિકા સદસ્ય શૈલેષભાઇ કણજારીયા, જિલ્લા પંચાયત વિપક્ષ નેતા મયુરભાઇ ગઢવી, પૂર્વ સહિત પાલિકાના સદસ્યો, ભાજપના અગ્રણીઓ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

વિજય સરઘસ શારદા સિનેમા પાસે પહોચતા સુધીરભાઇ પોપટની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં ઉપસ્થિત મહિલાઓ દ્વારા ફૂલની પાંખડીઓ વરસાવી સ્વાગત કરવામાં આવ્યું હતું.

(1:21 pm IST)