Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

કચ્છના આદિપુર-શાલ સ્ટીલ કંપનીમાં પ્રદૂષણના મુદ્દે ગ્રામજનોનો પથ્થરમારો- ૨ પીએસઆઇ સહિત ૧૧ ને ઈજાઓ

કંપની સામે પ્રદૂષણના મુદ્દે ભારાપર, કીડાણાના લોકો નારાજ, પ્રદૂષણથી આદિપુર પણ પરેશાન

ભુજ, તા.૨પઃ ઔદ્યોગિક વિકાસ સાથે કચ્છમાં પ્રદૂષણના મામલે ઉદ્યોગગૃહો તેમ જ પ્રદુષણ વિભાગ દ્વારા સેવાઇ રહેલી બેદરકારીના કારણે કચ્છમાં અનેક સ્થળોએ વિરોધનો સુર ઉઠી રહ્યો છે. આદિપુર નજીક ભારાપર ગામે આવેલી મૂળ ગુજરાતની એવી સાલ સ્ટીલ કંપની સામે લાંબા સમયથી પ્રદૂષણની ફરિયાદો તેમ જ વિરોધ કરાઈ રહ્યો છે. પરંતુ પરિસ્થિતિમાં કોઈ ફેર ન પડતા ગઈકાલે સાંજે ભારાપર અને કીડાણાના ગ્રામજનોએ સાલ સ્ટીલ કંપની સામે એકઠા થયા હતા. જોકે, પોલીસને અગાઉથી જ વિરોધ કાર્યક્રમની જાણ કરાયેલી હોઈ પોલીસ પણ ત્યાં હાજર હતી. દરમ્યાન રજુઆત માટે કંપનીમાં જતા ગ્રામજનોને સાલ કંપનીના મેનેજમેન્ટ દ્વારા બહાર ગેટ પાસે અટકાવી દેવાયા હતા પરિણામે ગામલોકોનો ગુસ્સો ઓર ભભૂકી ઉઠ્યો હતો. તે વચ્ચે કંપનીમાં નીકળેલી કારને લોકોએ અટકાવતા દ્યર્ષણ જેવી પરિસ્થિતિ સર્જાતા પોલીસ હરકતમાં આવી હતી. દ્યટના સ્થળે ઉશ્કેરાટને શમાવવા પોલીસે હળવો લાઠીચાર્જ કરતા ઘર્ષણ ઓર ભડકયું હતું અને ઉશ્કેરાયેલા ગામલોકોના ટોળાએ પોલીસ ઉપર પથ્થરમારો અને ધોકા વડે હુમલાનો પ્રયાસ કર્યો હતો. આ ઘર્ષણમાં કંડલા મરીન પોલીસના પીએસઆઇ દેવમુરારી, અંજારના પીએસઆઇ રેખાબેન સીસોદીયા, પોલીસ કોન્સ્ટેબલ પારુલબેન સહિત ૪ જેટલા પોલીસ કર્મીઓ ઇજાગ્રસ્ત થયા હતા. જોકે, પોલીસે ૩૦ ગ્રામજનોની અટકાયત કરી ૧૫૦ જેટલા લોકોના ટોળા વિરુદ્ઘ પોલીસ ફરિયાદ દાખલ કરી છે. ઘર્ષણના પગલે પૂર્વ કચ્છ ડીએસપી પરીક્ષિતા રાઠોડે અન્ય પોલીસ સ્ટેશનની ટીમોને ઘટના સ્થળે મોકલી હતી. અત્યારે એકંદરે શાંતિ છે. જોકે, સાલ સ્ટીલ કંપની સામે પ્રદૂષણના મુદ્દે આદિપુરના શહેરીજનોએ પણ વારંવાર રજુઆત કરી છે.

(11:47 am IST)