Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

અમરેલી પાલિકામાં લાખોનો ભ્રષ્‍ટાચારઃ ૨પ લાખનો બગીચો અને ૧૯ લાખની માટીની મોરમ કાગળો ઉપર નાખી દીધીઃ આરટીઆઇમાં માહિતી મંગાતા પર્દાફાશ

અમરેલીઃ અમરેલી નગરપાલિકામાં કોંગ્રેસ દ્વારા લાખોનો ભ્રષ્‍ટાચાર કરવામાં આવ્યુ હોવાનું આરટીઆઇ માહિતીના આધારે ખુલતા વિપક્ષ નેતા પરેશ ધાનાણીના મત વિસ્‍તારમાં રાજકીય ગરમાવો વ્‍યાપી ગયો છે.

રાજ્યમાં ભાજપની સરકાર ભ્રટાચાર હોવાના અવારનાવર આક્ષેપો કરતી કોંગ્રેસના વિપક્ષના નેતા પરેશ ધાનાણીની કોંગ્રેસ શાષિત અમરેલી નગરપાલિકામાં લાખોનો ભષ્ટાચાર કાગળ પર કરીને સરકારની વિવિધ ગ્રાંટોના દુરપયોગનો પર્દાફાશ આર.ટી.આઈ.ની માહિતીમાં થયો છે. ૨૫ લાખનો બગીચો અને ૧૯ લાખની માટી મોરમ કાગળ પર નાખીને ભય ભૂખ ભષ્ટાચાર કોંગ્રેસ શાષિત પાલિકામાં થતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

વિપક્ષના નેતા પરેશ ધાનાણીની આ અમરેલી નગરપાલિકામાં કોંગ્રેસની ૪૪ બેઠક માંથી ૩૫ બેઠકો કોંગ્રેસ પાસે છે. સ્પષ્ટ બહુમતી સાથે નગરપાલિકામાં કોંગ્રેસનું શાશન છે પણ આ જે આર.ટી.આઈ.માં માંગવામાં આવેલા કાગળો પર અમરેલી નગરપાલિકાએ લાખો રૂપિયાનો ભષ્ટાચાર બહાર આવ્યો છે. આર.ટી.આઈ.એકટીવીસ્ટ નાથાલાલ સુખડીયાએ અમરેલી પાણખાણ તારવાડી ખાતે માટી મોરમ ૧૪ માં નાણા પાંચ માંથી ૧૯,૧૯,૩૫૨ રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા છે. આ જગ્યા પર અહીં માટી મોરમની જગ્યાએ વેસ્ટ પત્થર અને માટી થોડીઘણી નાખીને ૧૯ લાખ રૂપિયા કાગળ પર હજમ થઇ ગયા છે. અમરેલીના સાવરકુંડલા રોડ પર આવેલી જગ્યા હયાત કમ્પોસ્ટની ખુલ્લી જગ્યા પર સ્વર્ણીમ ગુજરાત મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના (યુ.ડી.પી.)માં બગીચો ડેવલપ કરવાનો ખર્ચ ૨૫,૧૩,૧૮૧ ઉધારીને તા.૮-૯-૨૦૧૭ના દિવસે પાલિકા દ્વારા ચેક ની રકમ પણ આપી દેવામાં આવી છે. આ માહિતી આર.ટી.આઈ.માં પર્દાફાશ થતા પાલિકા પ્રમુખ અલ્કાબેન ગોંડલીયા રજા પર ઉતારી ગયા છે.

આર.ટી.આઈ. એક્ટિવિસ્ટ નાથાલાલ સુખડીયાએ નગરપાલિકાના ચીફ ઓફિસરને રૂબરૂ મળીને પાલિકા દ્વારા થયેલા ભષ્ટાચાર અંગે આખી વિગતથી વાકેફ કર્યા હતા અને લેખિત આપીને સમગ્ર ભષ્ટાચાર અંગે તપાસ કરવાની માંગણી કરી હતી. પાલિકા દ્વારા થયેલા લાખોના ભષ્ટાચાર અંગે ખુલાસો કરતા નાથાલાલ સુખડીયાએ જણાવ્યું હતું કે અમરેલીના સાવરકુંડલા માર્ગ પર ૨૫ લાખનો બગીચો ઉધારીને હાલ આ ખુલ્લી જગ્યા પર બાવળો ઉભા છે છતાં પણ પાલિકા દ્વારા ૨૫ લાખ ૧૩ હજાર ૧૮૧ રૂપિયા ચૂકવી ગયા છે. ત્યારે પાલિકાના ચીફ ઓફિસરે અમરેલી પાલિકા સતાધીશો દ્વારા ભષ્ટાચાર અંગે યોગ્ય તપાસની ખાતરી આપી છે.

અમરેલી પાલિકા દ્વારા લાખોના ભષ્ટાચાર કરવા અંગે કલેકટરને લેખિત રજૂઆત સાથે મુખ્યમંત્રીને પણ રજૂઆત થતા મુખ્યમંત્રી દ્વારા તપાસના હુકમ કરવામાં આવ્યો છે ત્યારે જવાબદારો સામે સખ્ત પગલા ભરવાની ખાતરી પાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું છે. એકદમ ગંદી ગોબરી જગ્યા પર આ ખુલ્લી જગ્યા પર એકપણ પ્રકારનું વાવેતર કે શુશોભિત બગીચાનું નામનિશાન નથી અને વિપક્ષના નેતા પરેશ ધાનાણીની ભષ્ટાચાર મિટાવવાની સુફિયાણી સલાહોનો પર્દાફાશ થઇ ગયો છે.

(5:27 pm IST)