Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

સગીરા ઉપરના દુષ્કર્મ કેસમાં ભરત ઠાકોરને ૧૦ વર્ષની કેદની સજા : ભુજ કોર્ટનો ચુકાદો

ભુજ તા. ૨૫ : દુષ્કર્મ આચરવાના કિસ્સામાં ભુજ પોકસો કોર્ટે આરોપીને ૧૦ વર્ષની કેદ અને ૨૦ હજારનો દંડ ફટકાર્યો છે. ૨૦૧૩માં બનેલા આ બનાવમાં મૂળ ઉતર ગુજરાતનો શ્રમજીવી સગીરાનું અપહરણ કરી અલગ અલગ સ્થળોએ લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતુ.

જે બનાવ અંગે ગઢશીશા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી હતી. કેસની હકીકત એવી છે કે, પાટણ જિલ્લાના જોરાપુર, સમી તાલુકાના જામથડા વાડી વિસ્તારનો વતની એવો ભરત રણછોડ ઠાકોર વર્ષ ૨૦૧૩માં ભોગ બનનારી સગીરા સાથે ખેત મજુરી કરતો હતો અને તેને લલચાવી ફોસલાવી જીપમાં બેસાડીને તેનું અપહરણ કરી જઈ રાધનપુર સહિતના સ્થળોએ લઈ જઈ એકથી વધુ વખત બળાત્કાર ગુર્જાયો હતો.જે અંગે ગઢશીશા પોલીસ મથકે તેની વિરુદ્ઘ ફેબુ્રઆરી ૨૦૧૩ના રોજ ફરીયાદ નોંધાઈ હતી.

આ કેસ ભુજની વિશેષ પોકસો કોર્ટમાં ચાલી જતા સાડા ચાર વર્ષની લાંબી સુનાવણી બાદ ગઈકાલે ૨૫ સાક્ષીઓ અને ૩૨ દસ્તાવેજોના પુરાવાના આધારે પોકસો કોર્ટના વિશેષ જજ એલ.જે.ચુડાસમાએ આઈપીસીની તમામ કલમો હેઠળ દોષી ઠેરવી કુલ ૧૦ વર્ષની કેદ અને ૨૦ હજારનો દંડ ફટકાર્યો છે.

આ કેસમાં કોર્ટે આઈપીસી ૩૬૩ હેઠળ ત્રણ વર્ષની કેદ અને બે હજારનો દંડ, ૩૬૬ હેઠળ સાત વર્ષની કેદ અને ત્રણ હજારનો દંડ, ૩૭૬ હેઠળ ૧૦ વર્ષની કેદ અને પાંચ હજારનો દંડ, પોકસોની કલમ-૩ અને અને ૪ હેઠળ ૧૦ વર્ષની કેદ અને પાંચ હજારનો દંડ તેમજ પોકસોની કલમ ૫(એલ) અને ૬ હેઠળ ૧૦ વર્ષની કેદ અને પાંચ હજારનો દંડ ફટકાર્યો છે.

(4:01 pm IST)