Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

અરબી સમુદ્રમાં 'મેકુનુ' વાવાઝોડાના કહેર વચ્ચે માછીમારોને વહાણો દરિયામાં ન લઈ જવા ચેતવણી

સલાયા બંદરના ૨૦ જેટલા વહાણ ફસાયાઃ ૪ ખલાસીઓ સંપર્ક વિહોણા

ખંભાળીયા, તા. ૨૫ :. અરબી સમુદ્રમાં સર્જાયેલા 'મેકુનુ' વાવાઝોડાએ યમન તરફ ભારે કહેર મચાવતા માછીમારો ચિંતીત છે અને સૌરાષ્ટ્ર-કચ્છમાં વહાણો ઓમાનમાં ફસાયા છે જ્યારે ૪ જેટલા ખલાસીઓ સંપર્ક વિહોણા છે.

આવી સ્થિતિમાં માછીમારોને વહાણો દરીયામાં ન લઈ જવા ચેતવણી અપાઈ છે.

ખંભાળીયા તાલુકાના સલાયા ગામેથી વહાણવટા માટે દુબઈ, ઓમાન અને યમન વિસ્તારમાં ગયેલા વહાણો પૈકી એક વહાણ ડૂબી જતા તથા ત્રણ વહાણો તોફાનમાં સંપર્ક વિહોણા થઈ જવાના બનાવ અંગે જિલ્લા કલેકટરશ્રી જે.આર. ડોડીયા દ્વારા કોસ્ટગાર્ડને તથા સંબંધિત દેશના તંત્ર પાસેથી વહાણવટાઓ પણ વહાણના ખલાસીઓની સ્થિતિ અંગે જાણકારી મેળવવા માટેના પ્રયત્નો ચાલુ કર્યા છે.

યમનમાં જે જગ્યાએ વહાણ ડૂબ્યુ તથા વહાણો ગૂમ થયા તે સિકોતેરના દરીયા કાંઠા પાસે ભારે વરસાદ તથા દરીયામાં મોટુ તોફાન આવતા સિકોતેર ટાપુ આખો બેટમાં ફેરવાય ગયાની સ્થિતિ થઈ છે તો સરકારી તંત્ર ત્યાંનું મદદ માટે નિકળી પડયુ છે.

દરમ્યાન સલાયાના ૩ વહાણો ગૂમ થતા તેમાં રહેલા ૨૫ જેટલા ખલાસીઓની સ્થિતિ અંગે હજુ કંઈ જાણ થઈ નથી, ત્યાં ઓમાનના સલાલા ગામ પાસે ભારે તોફાન હોય કાંઠા નજીક લાંગરેલા ૨૦ જેટલા સલાયાના વહાણો પણ મુશ્કેલીમાં મુકાયા છે.

ઓમાન સરકાર દ્વારા આ વાહણો કાંઠાની નજીક હોય સેફટી ટુકડીઓ મોકલીને તેમને વહાણો છોડીને સરકારી મદદમાં કાંઠા પર પહોંચતા થવા હુકમ કરવામાં આવ્યો છે.

દરમિયાન ગૂમ થયેલા ૩ વહાણો તથા એક વહાણના અડધા ખલાસી ગૂમ થયા છે પણ વહાણોના નામો આવ્યા છે પણ ખલાસીઓ કોણ ગૂમ થયા અને કોણ મળ્યા ? તેના નામો હજુ બહાર ન આવતા તથા વધુ ૨૦ વહાણો ઓમાન પાસે ફસાયાનું પણ બહાર આવતા સલાયાના વહાણવટી પરિવારોમાં ભારે ચિંતા ફેલાય છે.

ઓમાનમાં ૨૦ વાહણો તથા ગૂમ થયેલા ત્રણ અને એકના અડધા ગૂમ એમ ૨૦૦થી ૨૫૦ જેટલા ખલાસીઓ હાલ તોફાનના ભયમાં હોય સલાયાની વહાણમાં ઓમાન યમન ગયેલા ખલાસીના પરિવારજનો ચિંતામાં મુકાયા છે. એક તરફ પવિત્ર રમઝાન માસ ચાલે છે ત્યારે મુસ્લિમ પરિવારો પર આ આફત આવતા વધુ ચિંતા થઈ છે.

(3:51 pm IST)