Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

ગોડાઉનમાં પડેલી મગફળીના નિકાલ માટે રાજય સરકારની સેતુરૂપ ભૂમિકાઃ આર. સી. ફળદુઃ ગોંડલમાં બેઠક

નાફેડ અને ઓઇલ મિલર્સ વચ્ચે ભાવમાં તાલમેળ કરાવવા પ્રયાસ

રાજકોટ તા. રપ :.. રાજય સરકારે ગયા વર્ષે અને આ વર્ષે ટેકાના ભાવે ખરીદેલી મગફળીનો જથ્થો જુદા જુદા ગોડાઉનમાં પડયો છે. આ મગફળી ૮ાા લાખ ટન જેટલી હોવાનો અંદાજ છે. લાંબો સમય મગફળી પડતર રાખવી હિતાવહ નથી તેથી મગફળીના નિકાલ માટે આજે સવારે ૧૧ વાગ્યાથી ગોંડલ માર્કેટ યાર્ડમાં રાજય સરકાર, કેન્દ્ર સરકાર અને નાફેડના અધિકારીઓ તથા ઓઇલ મીલર્સ એસો. વચ્ચે બેઠક યોજવામાં આવી છે. રાજય સરકારે કડીરૂપ ભૂમિકા કરી બેઠકનું આયોજન કર્યુ છે. મગફળીના નિકાલ માટે આજની બેઠકને નિર્ણાયક માનવામાં આવે છે. બેઠકમાં ભાગ લેવા કૃષિ મંત્રી આર. સી. ફળદુ અને નાગરીક પુરવઠા મંત્રી જયેશ રાદડિયા પણ આવી રહ્યા છે.

જાણવા મળ્યા મુજબ રાજય સરકારે ટેકાના ભાવ મણના રૂ. ૯૦૦ અને કવીન્ટલ (૧૦૦ કિલો)ના રૂ. ૪પ૦૦ ના ભાવે ખેડૂતો પાસેથી મગફળી ખરીદેલ. આ મગફળી કેન્દ્ર સરકાર અને નાફેડ હસ્તક પડી છે. અગાઉ ઓઇલ મીલર્સ  અને નાફેડ વચ્ચે બેઠક થઇ તે વખતે નાફેડે રૂ. ૩પ૦૦ ના કવીન્ટલ લેખે મગફળી આપવા ધારેલઅને મિલર્સોએ રૂ. રપ૦૦ આસપાસ ખરીદવા ઇચ્છા બતાવતા સોદો થઇ શકયો ન હતો. હવે ફરી આજે બેઠક બોલાવવામાં આવી છે બન્ને તરફથી ભાવ બાબતે સહમતી થાય તો ગોડાઉનમાં સહમતી થાય તો ગોડાઉનમાં પડેલી બધી અથવા તેમાનાં કેટલાક પ્રમાણની મગફળીનો નિકાલ થશે. જો મગફળી સ્થાનીક કક્ષાએ વેચાણ ન થઇ શકે તો વિદેશમાં વેંચાણનો વિકલ્પ ખૂલ્લો છે.

દરમિયાન આ બાબતે રાજયના કૃષિ મંત્રીશ્રી આર. સી. ફળદુનો સંપર્ક સાધતા તેમણે અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે ગોડાઉનમાં મગફળીનો જથ્થો પડયો છે. તેના નિકાલ માટે રાજય સરકારે  કેન્દ્ર સરકારને રજૂઆત કરેલ તે મગફળી ખરીદવા ઓઇલ મીલર્સને અનુરોધ કર્યો  છે. ખરીદનાર અને વેંચનાર બન્નેને સાથે બેસાડવાની સેતુરૂપ ભૂમિકાના ભાગરૂપે આજે ગોંડલમાં બેઠક  યોજવામાં આવી છે. જો મગફળીનો નિકાલ થાય તો ખાલી થનાર ગોડાઉનમાં અન્ય ખેત ઉત્પાદન રાખી શકાય આજની બેઠકમાં ભાવ બાબતે બન્ને પક્ષે બાંધછોડ કરી યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી આશા છે. (પ-ર૧)

 

(12:00 pm IST)