Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

મેંદરડાની વિકલાંગોની સંસ્થાને એન.આર.આઇ. પરિવાર દ્વારા એક લાખનું દાનઃ વોટર કુલર મુકયા

જુનાગઢ તા.૨૫: આજના સમયમાં પીડિતોની વહારે ચડનારા જુજ જોવા મળે છે. તેમાં કયાંક ને કયાંક સ્વાર્થની ગંધ આવી રહે છે. પરંતુ નિઃસ્વાર્થ ભાવે જરૂરીયાતમંદોને મદદ કરવી એજ માનવીય ધર્મ અને કર્મ છે. તેને એક એન.આર.આઇ. પરિવાર છેલ્લા થોડા વર્ષોથી ચરિતાર્થ કરે છે.

 અત્રેના તળેટી માર્ગ ઉપર આવેલ ગાયત્રીનગરમાં આદિવાસીભવન સામે આવેલ ગુરૂમાં કુટીર આશ્રમ આ એન.આર.આઇ. પરિવારના ગુરૂમાં હંસાબાના સેવકોએ બનાવ્યો છે. ત્યાં આદ્યાત્મિકતા પ્રસરી રહી છે. આ આશ્રમમાં અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ મનુભાઇ પોપટ અને ગીતાબેન પટેલના માધ્યમથી કરવામાં આવે છે.

 આ સેવાકીય પ્રવૃતિમાં જુનાગઢમાં દસ જેટલા જરૂરીયાતના સ્થળો જેવા કે બહેરામુંગા શાળા, કડિયાવાડની વિવેકાનંદ સ્કૂલ, જવાહર રોડ ઉપર આવેલ સનરાઇઝ સ્કૂલ, ઉપલા વાઘેશ્વરી મંદિર, દામોદરકુંડ ખાતે આવેલ સંસ્કૃત પાઠશાળા, ભીડભંજન મહાદેવ મંદિર તથા મેંદરડાની વિકલાંગ ટ્રસ્ટની જગ્યામાં વોટરકુલર મુકવામાં આવ્યા છે.

 આટલું જ નહીં મેંદરડાની શ્રીજી વિકલાંગ ટ્રસ્ટની સંસ્થાને તાજેતરમાં નવનિર્માણ કાર્યમાં રૂ. ૪૦,૦૦૦/- નું અનુદાન અપાયેલ અને વધુ એક વખત આજરોજ આ સંસ્થાને રૂપિયા એક લાખનો ચેક ગુરૂમાં હંસાબાના આર્શિવાદથી મનુભાઇ પોપટ, ગીતાબેન પટેલ અને રમણીકભાઇના હસ્તે સંસ્થાના સંચાલક ભુવનભાઇ વ્યાસ તથા કોૈશિકભાઇને અર્પણ કરવામાં આવ્યો હતો.

(11:59 am IST)