Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 'કાન્હાનું કામ, દૂધનું દાન' યોજના કાર્યરતઃ વિજયભાઇ

પબુભા માણેક પરિવાર દ્વારા આયોજીત શ્રીમદ્ ભાગવત કથા શ્રી કોટી વિષ્ણુ મહાયજ્ઞમાં ઉપસ્થિતિ

શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં ઉપસ્થિત મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું ક્ષત્રિય જ્ઞાતિજનો તથા પબુભા માણેકએ સ્વાગત - સન્માન કર્યું હતું. પબુભા ક્ષીત્રય સમાજની પરંપરાગત પાઘડી પણ પહેરાવી હતી.

ખંભાળીયા - દ્વારકા તા.૨૫ : દ્વારકા ખાતે ધારાસભ્યશ્રી શ્રી પબુભા માણેક દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા અને શ્રી કોટી વિષ્ણુ મહાયજ્ઞ કથામાં ઉપસ્થિત રહીને આયોજિત સમારોહમાં ઉદબોધન કરતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે સમગ્ર રાજયમાં તા.૧લી મેથી સુજલામ સુફલામ જળ સંચય અભિયાન હાથ ધરવામાં આવેલ છે જેમાં ૧૩ હજાર તળાવોને ઉંડા ઉતારવા, ૩૨ નદીઓને પુનઃ જીવીત કરવા સહિતના જળ સંચયના કામો હાથ ધરવામાં આવેલ છે. જળ એ જીવન છે દુષ્કાળ ભુતકાળ બને અને ગુજરાત પાણીદાર બને તે માટે રાજય સરકારે જળ સંચય અભિયાન હાથ ધરેલ છે. દેશનું આ મોટું અભિયાન શરૂ કરીને સરકારે ઇશ્વરીય કામ કરેલ છે. આ ઉનાળાની કાળઝાળ ગરમીમાં પરસેવો પાડીને લોકો શ્રમદાન કરે છે. આગામી ચોમાસામાં આ ઉંડા કરાયેલા તળાવોમાં વધુ જળ સંગ્રહ થાય અને આ જળસંગ્રહ અમૃત બનીને લોકોની સુખાકારી અને સંપતિમાં વધારો કરશે. તેવી મને શ્રધ્ધા –આશા છે.

ભગવાન શીવની આરાધના માટે આ પવિત્ર પુરષોતમ માસમાં લોકોને ધર્મલાભ આપવા માટે યોજવામાં આવેલ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞના આયોજન માટે ધારાસભ્ય શ્રી પબુભા માણેકને અભિનંદન આપતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આ કથા દરમિયાન ૧૦ લાખ લોકો પ્રસાદનો લાભ મેળવશે અને આ શ્રીમદ ભાગવત કથા દ્વારા માનવજાતનું કલ્યાણ થશે તેવી મને શ્રધ્ધા છે.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ પબુભા માણેક અને સમસ્ત વાઘેર ક્ષત્રિય સમાજ દ્વારા આયોજિત કથા ૧૦૦૮ મહામંડલેશ્વર પુજય કન્કેશ્વરી દેવીના વ્યાસાસને ચાલી રહેલ શ્રીમદ ભાગવત પરાયણમાં ઉપસ્થિત રહી કથાશ્રવણનો ધર્મલાભ મેળવ્યો હતો.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી રૂપાણીના હસ્તે કેન્દ્ર સરકારની 'હૃદય યોજના' અન્વયે બેટ દ્વારાના રૂ.૧૪ કરોડથી વધુના વિકાસ કામોનું ઈ-તકતી અનાવરણ કરીને ખાતમુહુર્ત કર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારના વિકાસ મંત્રાલયે દેશના અગ્રીમ સાંસ્કૃતિક કેન્દ્ર સમાન ૧૨ શહેરોમાંથી તીર્થધામો પૈકી ગુજરાતમાંથી દ્વારકા તીર્થધામની પસંદગી 'હેરીટેજ સીટી ડેવલપમેન્ડ એન્ડ હૃદય' તરીકે ઓળખાતી યોજનામાં સમાવેશ કરેલ છે. આ કેન્દ્રોમાં માળખાગત સુવિધાઓના વિકાસ તથા પ્રવાસીઓની સુવિધા-સુખાકારીના વિકાસ કામો હાથ ધર્યા છે.        મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આ તકે 'કાન્હાનું કામ દુધનું દાન' યોજનાનો શુભારંભ કરતા જણાવ્યું હતું કે આગેવાનો અને વહિવટીતંત્રના સહયોગથી વધારાનું દુધ ૩૦૦ આંગણવાડી કેન્દ્રોમાં ૧૩ હજાર બાળકોને આપવામાં આવશે.

આ પ્રસંગે પ્રભારીમંત્રીશ્રી વાસણભાઇ આહિરે કેન્દ્ર સરકારની હૃદય યોજના અંતર્ગત દ્વારકા અને બેટ દ્વારકાની પસંદગી બદલ આભારની લાગણી વ્યકત કરતા ઉમેર્યું હતું કે પ્રવાસન ધામ તરીકેના સર્વાંગી વિકાસને કારણે આ વિસ્તારમાં રોજગારીની અનેક તકો ઉભી થવા પામી છે. આ તકે તેઓએ પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટેના રાજય સરકારના આયોજની વિગતો આપી દ્વારકામાં સતત સુવિધાઓનો વધારો કરવા અંગે પ્રતિબધ્ધતા દર્શાવી હતી.

રાજય સરકાર છેવાડાના માનવીને તમામ માળખાગત સુવિધા આપવા સતત પ્રતિબધ્ધ હોવાનું જણાવતા સાંસદશ્રી પુનમબેન માડમે કોસ્ટલ વિસ્તારના વિકાસ માટેના રાજય સરકારના આયોજનની વિગતો આપતા જણાવ્યું હતું કે વિશ્વપ્રસિધ્ધ દ્વારકા અને બેટ દ્વારકામાં ૧૪ કરોડથી વધારે રકમના વિકાસ કામોને કારણે આવનારા પ્રવાસીઓની સુવિધામાં અનેકગણો  વધારો થશે. આ તકે સુજલામ સુફલામ જળ સંચય અભિયાન માટે જનજનને ભાગીદાર બનાવી જન અભિયાનમાં પરિવર્તિત કરી આવનારા ભવિષ્યને પાણીદાર બનાવવાના પ્રયાસો બદલ અભિનંદન પાઠવ્યા હતા.

ારંભમાં ધારાસભ્યશ્રી પબુભા માણેકે સૌને આવકાર્યા હતા.  આ પ્રસંગે ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન શ્રી મુળુભાઇ બેરા, ગ્રીમકોના ચેરમેન શ્રી મેઘજીભાઇ કણઝારીયા, જિલ્લા કલેકટરશ્રી જે.આર. ડોડીયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી આર.આર. રાવલ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રોહન આનંદ, અગ્રણીશ્રી વેલજીભાઇ, શ્રી જયંતિભાઇ અને મોટી સંખ્યામાં લોકો શ્રોતાજનો વગેરે ઉપસ્થિત રહયા હતા. (૨૧.૧૪)ઙ્ગ

(11:59 am IST)