Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

જસદણ તાલુકાના ડાક સેવકો હડતાલમાં જોડાયા

જસદણ, તા.૨પઃ જસદણ તા.૨પઃ જસદણ પોસ્ટ ઓફીસ સામે ગ્રામીણ ડાક સેવકો અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા હતા.જસદણમાં આવેલ પોસ્ટ ઓફીસ સામે જસદણ અને વિંછીયા તાલુકાના ગ્રામીણ ડાક સેવકો પગાર વધારાની માંગણી સાથે અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી આવ્યા હતા. આ હડતાલમાં દિલીપભાઈ શીલુ, રાજુભાઈ તેરૈયા, વિનયભાઈ મંડીર, શંભુભાઈ મેટાળીયા, ભાનુભાઈ શીલુ અને જે.કે.ધોરીયા સહિતના ગ્રામીણ ડાક સેવકો જોડાયા હતા. ઓલ ઇન્ડીયામાં ૩ લાખથી વધુ ગ્રામીણ ડાક સેવકો છે પરંતુ મોટામોટા સિટીમાં કાયમી પોસ્ટમેનને રૂ.૫૦થી૬૦ હજાર પગાર ચુકવવામાં આવે છે અને ગ્રામીણ ડાક સેવકોને રૂ.૧૦થી૧૨ હજાર જ ચુકવવામાં આવતા હોવાથી ગ્રામીણ ડાક સેવકોમાં નારાજગી ઉઠવા પામી હતી. સરકાર દ્વારા પગાર વધારાનાં મુદ્દે અગાઉ ૧૭ મહિનાની લાંબી મુદત આપેલ છતાં આજદિન સુધીમાં તેની અમલવારી ન કરાતા ગ્રામીણ ડાક સેવકો રોષે ભરાયા હતા અને અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયા હતા. ૨૦૧૫થી કમલેશચંદ્ર કમિટીએ અહેવાલ આપેલ છે અને સુપ્રીમ કોર્ટે પણ હુકમ કર્યો છે છતાં સરકાર દ્વારા આજદિન સુધીમાં પડતર માંગણીઓ સ્વીકારવામાં નહી આવતા જસદણ-વિંછીયા તાલુકાના ગ્રામીણ ડાક સેવકો જસદણ પોસ્ટ ઓફીસ સામે હડતાલ પર ઉતરી આવ્યા હતા. જયાં સુધી સરકાર દ્વારા પડતર ગ્રામીણ ડાક સેવકોની પડતર માંગણીઓ સ્વીકારવામાં નહી આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાનો નિર્ણય લીધો હતો.

(11:56 am IST)