Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

ખંભાળિયામાં રવિવારે સાહિત્યકારોને અનોખી રીતે શ્રધ્ધાંજલી

'સાહિત્ય સંસદ સ્વર્ગમાં મહાશ્રધ્ધાંજલી' શિર્ષક તળે કાર્યક્રમ : મહાપુરૂષોના ચિત્રોનુ પણ પ્રદર્શન : સાહિત્યક્ષેત્રે જાગૃતતા લાવવાનો નટુભાઇ ગણાત્રાનો ઉદ્દેશ : ત્રંબકભાઇ મંકોડી, રાજગાયક માસ્ટર વસંતનો પરિચય નવી પેઢી સમક્ષ કરાવાશે

ખંભાળિયા તા.રપ : અહીયા મધુરાય, વેણીભાઇ પુરોહિત જેવા કવિ - સાહિત્યકાર તથા જાણીતા કટાર લેખક ગુણવંત શાહે જેમના ઘરને સાહિત્યની દુનિયાનું યાત્રાધામ કહ્યુ છે તેવા ત્રંબકભાઇ મંકોડીની જન્મભૂમિ, સી.કે.નાકર જેવા સાહિત્યપ્રેમીની કર્મભુમિ અને દિનેશભાઇ પોપટ, ઢેબર સાહેબથી માંડીને અનેક સાહિત્યપ્રેમીઓ તેમજ સુરાવલી સંસ્થાના ડો.પડીયા જેવા કામ કરી રહ્યા છે ત્યારે સાહિત્યક્ષેત્રે જાગૃતતા લાવવાના ઉમદા આશય સાથે પીઢ રઘુવંશી અગ્રણી નટુભાઇ ગણાત્રા દ્વારા સાહિત્ય સંસદ સ્વર્ગમાં મહાશ્રધ્ધાંજલી શિર્ષક તળે અનોખો કાર્યક્રમ તા. ૨૭ મીએ સાંજે ૬ વાગ્યે ગણાત્રા હોલ, રામનાથ સોસાયટી ખાતે યોજાશે.

જેમાં ખંભાળિયાના નામી અનામી સાહિત્યકારોને અનોખી રીતે શ્રધ્ધાંજલી આપવામાં આવશે. સાથે સાથે એક મોટા બેનરમાં ૩૦ જેટલા સાહિત્યકારો, કવિઓ, મહાન પુરૂષોના ચિત્રો પણ પ્રદર્શીત થશે.

આ પ્રસંગે દિપ પ્રાગટય નિવૃત ગુજરાતી શિક્ષિકા કુ.રોહિણીબેન એમ.ઓઝા દ્વારા થનાર છે.

એવી જ રીતે ખંભાળિયાના સારસ્વત બ્રહ્મસમાજનું ગૌરવસમા આઝાદી પહેલાના કવિ સાહિત્યકાર અને રાજગાયક માસ્ટર વસંતનું પણ વિશિષ્ટ સન્માન શ્રધ્ધાંજલી રૂપે થવાનું છે.

અત્રે નોંધનીય છે કે ખંભાળિયામાં ર-ર-૧૯૦૨ના જન્મેલા માસ્ટર વસંત જામનગરના દિગ્વિજયસિંહ, રાજકોટના લાખાજીરાવ, ભાવનગરના રાજવી ભાવસિંહ, જૂનાગઢના નવાબના રાજગાયક હતા. જામ સાહેબે સંગીત ભાસ્કરનું બિરૂદ જેમને આપેલુ તથા ૧૯૩૦ના સમયમાં માસ્ટર વસંતે ગાયેલા ગીતોની ૮૦ રેકોર્ડ એચ.એમ.વી રેકોર્ડ કંપનીએ એ જમાનામાં પ્રસિધ્ધ કરેલી 'મેરી માતા કે સર પર તાજ રહે ' રાષ્ટ્રગાન જેવા ગીતથી અંગ્રેજોને ધ્રુજાવનાર ભારતના પહેલા ફિલ્મી પ્લેબેક સીંગર માસ્તર વસંતથી ખંભાળિયા જ નહી પણ ગુજરાત પણ બહુ અજાણ છે ત્યારે ગાંધીજીની સભામાં રોજ ગીતો ગાતા માસ્ટર વસંતનો પરિચય નવી પેઢીને કરાવવાનો ઉમદા આશય છે. સૌ સાહિત્યપ્રેમીઓને ઉપસ્થિત રહેવા નટુભાઇ ગણાત્રા દ્વારા જાહેર આમંત્રણ પાઠવાયું છે.

(11:49 am IST)