Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

મોરબી જિલ્લામાં વેગ પકડતી જળ અભિયાનની ૨૦૫ જળસંચયના કામોમાંથી ૧૦૭ કામો પૂર્ણ

જેસીબી-૧૭૦, ડમ્પર-૫૬, ટ્રેકટર-૨૪૦ સાધનો દ્વારા ચાલતા કામ ઉપર ૨૧૮૧ કામ કરતા શ્રમિકો : જિલ્લામાં આ કામો પૂર્ણ થતા ૨.૫૭ લાખ ધન મીટર વધારાનું પાણી સંગ્રહ થશે

મોરબી : રાજય સરકાર દવારા ૧લી મેના ગુજરાત સ્થાપના ગૌરવ દિનથી ધમાકેદાર પ્રારંભ થયેલ મહા જળસંચય અભિયાનને મોરબી જિલ્લામાં લોકો સ્વૈચ્છિક સંસ્થાઓ અને ઔધોગીક ગૃહોએ  હોશે હોશે વધાવી જયાં જયાં જળ સ્ત્રોત છે ત્યાં ત્યાં તેને ઉંડા ઉતારવાના કામો હાથ ધરી પૂર્ણ કરવા માંડયા છે.આમ જિલ્લામાં ખરેખર આ જળ અભિયાન જન અભિયાન બની ગયું છે. જિલ્લામાં મોટા પાયે તળવો ઉંડા થવાથી લાખો ધન મીટર પાણીનો વધારાનો જળસંગ્રહ થશે તથા જિલ્લામાં ઉંડા ગયેલા પાણીના તળ ઉપર આવશે.

સુકીભઠ્ઠ ધરતી પરના જળ સ્ત્રોતો તળાવો પાણી વગર ખાલી પડયા છે. પાણીના અભાવે જળ સ્ત્રોત  સ્ત્રાવ વિસ્તારોની જમીનમાં તિરાડો પડી ગઇ છે. અને કયાક કયાક જળ સ્ત્રોતોમાં પાણી છે તો તે પણ નહિવત પ્રમાણમાંછે. આવા દિવસોનો સમય પારખી સમયસર ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ  દુષ્કાળને ગુજરાત માટે ભૂતકાળ બનાવી દેવાના સંકલ્પ સાથે સમગ્ર રાજયમાં સુઝલામ સુફલામ  યોજના ૨૦૧૮ હેઠળ ગુજરાત સ્થાપના દિન ૧લી મે થી ૩૧ મી મે ૨૦૧૮ના પુરા એક માસ સુધી જન ભાગીદારીને જોડી મહાજળ સંચય અભિયાનનો નિર્ણાયક પ્રારંભ કર્યો છે. આ અભિયાનમાં સરકારના  વહીવટી તંત્ર અંતર્ગત, નર્મદા જળ સંપતિ વિભાગ, સિંચાઇ વિભાગ, ગ્રામ વિકાસ વિભાગ, પાણી પુરવઠા વિભાગ, શહેરી વિકાસ વિભાગ, વન અને પર્યાવરણ વિભાગ તેમજ તેની સાથે શહેરી તથા ગ્રામ્ય વિસ્તારના લોકો, ધાર્મિક સંસ્થાના સંતો, સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ, ઔધોગીક એસોસીએશનો હોશે હોશે. આ અભિયાનમાં  પોતાનું કાર્ય માની જોડાયા છે. જેને લઇ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ પ્રારંભ કરેલ મહા જળસંચય અભિયાન ખરા અર્થમાં મહા જન અભિયાન બની ગયું છે.

મોરબી જિલ્લામાં ચાલી રહેલ મહાજળ અભિયાનની વાત કરીએ તો રાજયના ઉર્જા મંત્રીશ્રી અને મોરબી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી સૌરભભાઇ પટેલના હસ્તે મોરબી શહેર વચ્ચેથી પસાર થતી મચ્છુ નદિના સફાઇ કરવાના કામથી જિલ્લામાં જળ સંચય અભિયાનનો શુભારંભ કરાવ્યો છે. આ જળસંચય અભિયાનને જિલ્લાના લોકો, સંસ્થાઓ અને ઉધોગકારોએ એક જન આદોલન બનાવી ઉપાડી લીધું છે.

મોરબી જિલ્લામાં ચાલી રહેલા આ અભિયાનની રૂપરેખા વર્ણાવતા જિલ્લા કલેકટરશ્રી આર.જે. માકડીયાએ જણાવ્યું હતું કે જિલ્લા પ્રભારી મંત્રીશ્રી સૌરભભાઇ પટેલ અને જિલ્લા પ્રભારી સચિવશ્રી મોનાબેન ખંધારના સીધા માર્ગદર્શન હેઠળ અભિયાનની જન ભાગીદારીને જોડી સારી રીતે કામગીરી ચાલી રહી છે. આ અભિયાનમાં સ્વૈચ્છિક સામાજિક, શૈક્ષણિક તથા ધાર્મિક સંસ્થાઓ, ઔધોગીક એકમો, તો પોતાના સાધનો અને આર્થિક યોગદાન સાથે જોડાયા છે. ઉપરાંત સંતો અને લોકો પણ મોટા પાયે આ અભિયાનમાં હોશે હોશે જોડાઇ ગયા છે. જેનાથી જિલ્લામાં આ જળસંચય મહા અભિયાન ખરેખર મહા-જન અભિયાન બની ગયું છે.

આ જળ અભિયાનમાં ગ્રામ્ય શહેરી તળાવોને કાંપ કાઢી ઉંડા કરવા, ચેક ડેમોમાં ભરાયેલ કાંપ કાઢી ઉંડા કરવા તેમજ જયાં જયાં પાણીનો સંગ્રહ થઇ શકે તેમ છે ત્યા ત્યા નવી  ખેત તલાવડીઓ બનાવવી ઉપરાંત નદિ, નાળા કેનાલોમાં થી ઝાળી, ઝાખરા દુર કરી નદિના વહેણનો  અવરોધતા ભરાયેલા કચરાને દુર કરવાના કામો મોટા પાયે ચાલી રહયા છે.

જિલ્લામાં કામોની વિગતો જોઇએ તો કુલ-૨૦૫ ના લક્ષ્યાંક સામે ૨૦૭ જળસંચયના કામો હાથ ધરાયા હતા. જેમાંથી ૧૦૭ કામો પૂર્ણ થઇ ગયા છે. આ પૂર્ણ થયેલ તળાવ ઉંડા ઉતારવાના કામોમાંથી કુલ ૧.૫૭ લાખ ધન મીટર માટીનો જથ્થો કાઢવામાં આવ્યો છે.  જેમાંથી ખેડુતો પોતાના ખેતરમાં નાખવા પોતાના ટ્રેકટર સાધનો દવારા ફળદ્રુપ માટી ઉપાડી રહયા છે. જયારે અમુક જથ્થો તળાવના પાળા મજબુત કરવામાં ઉપયોગમાં લેવામાં આવેલ છે.

જિલ્લામાં ચાલી રહેલ આ જળસંચય અભિયાન ના કામો ઉપર ૨૩૧૯ શ્રમિકો કામ કરી રહયા છે. જયારે સાધનો જોઇએ તો જેસીબી-૧૭૦, ડમ્પર-૪૫, ટ્રેકટર મળી ૨૪૦ જેટલા સાધનો પણ કામે લગાડવામાં આવ્યા છે.  જિલ્લામાં ચાલી રહેલા કામો ઉપર શ્રમિકોને આ ઉનાળાની કાળઝાળ ગરમીમાં તડકો કે લુ ન લાગે તે માટે જરૂરી છાંયડો, પીવાના પાણીની વ્યવસ્થા અને છાસ વિતરણ  કરવામાં આવે છે. આ ચાલી રહેલા કામો બરોબર ચાલે  તેનુ જિલ્લા કલેકટરશ્રી આર.જે. માકડીયા, જળસંચય અભિયાનના મોરબી જિલ્લાના સભ્ય શ્રી રાજુભાઇ ધ્રુવ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.એમ.ખટાણા તેમજ સબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ચાલી રહેલા કામોનું નિરિક્ષણ કરી  જરૂરી માર્ગદર્શન આપી રહયા છે.

જિલ્લામાં સરકારના જુદા જુદા વિભાગો, નગરપાલીકાઓ, ઉપરાંત સોલ્ટ એસોશીએશન, સીરામીક એસોશીએશન, લીઝ ધારકો, અંજન્તા ઓરપેટ ટ્રસ્ટ, શૈક્ષણીક સંસ્થાઓ ઉપરાંત ગામલોકો દવારા લોક ભાગીદારી થી જળસંચય અભિયાનના કામો ચાલી રહયા છે. જેમાં વિગતવાર જોઇએ તો સોલ્ટ એસોશીએશન માળીયા દવારા હરીપર, મોટાદહીસરા, વર્ષામેળી, નાનીબરાર, લક્ષ્મીવાસ, બોડકી, વેણાસર, બગસરા, વવાણીયા, વિરવીદરકા,ખીરઇ, કાજરડા, સુકતાનપુર, માણાબા, નાનાદહીસરા, સીરામીક એસોશીએશન દવારા ધુનડા ખાનપર, ગાળાઘલાલપર, આમરણ (બે),બગથળા,ધુનડા(સ), લીઝ ધારકો દવારા રાતાવિરડા, સરધાર, વરડુસર, કાછિયાગાળા, વિરવિદરકા, ગ્રામ લોકોદ્રારા, લોકભાગીદારીદવારા મેધપર, હરબટીયાળી, બંગાવડી, બેલા(આ), જબલપુર, રાજપર, પીપળી, નગરપાલીકાઓ દવારા હળવદ ગામ તળાવ, માળીયાના બે તળાવ, મોરબી મચ્છુ નદીની સફાઇ, ઓરપેટ(અજંતા) દવારા વિરપરનું તળાવ ઉંડા કરવાનું કામ કરવામાં આવી રહયું છે.

સંકલન : વી.બી. જાડેજા

સહાયક માહિતી નિયામક, મોરબી

(9:27 am IST)