Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

સુજલામ સુફલામ જળ અભિયાનમાં અમરેલી જિલ્લામાં ખેતી - પશુપાલન અને ઉદ્યોગો માટે જળ અભિયાન સુખદાયી નિવડશે

અમરેલી : તા.૧લી મે ગુજરાત રાજય સ્થાપના દિન નિમિત્તે રાજય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં શરૂ કરવામાં આવેલ સુજલામ સુફલામ જળ અભિયાનમાં અમરેલી જિલ્લો પણ જોડાયો છે. રાજય સરકારના દીર્ઘદ્રષ્ટિભર્યા નિર્ણયથી આશિર્વાદસમા જળ અભિયાન અંતર્ગત ઠેર-ઠેર તળાવ-ચેકડેમ અને નદી ઉંડા ઉતારવા સહિતના કામો હાથ ધરવામાં આવ્યા છે.

આ અભિયાનમાં દાતાશ્રીઓ, સંસ્થાઓ તેમજ ગ્રામજનો જોડાતા જળ અભિયાન એ જળ અભિયાન ન રહેતા જન અભિયાન બની ગયું છે. જનસહકારથી ચાલતી આ પ્રવૃત્તિને લીધે જળસંગ્રહ ક્ષમતામાં ઉમેરો થવાનો છે, તેમ કહી શકીએ.

ધરતી પરના પશુ-પંખી, જીવ-જંતુ, વૃક્ષ-છોડ સહિત માનવજીવનનો આધાર જળ છે ત્યારે જળસંગ્રહ માટેનું આ જળ અભિયાન  ખરેખર ઉપયોગી પૂરવાર થશે. એટલું જ નહિ પરંતુ મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે તેવા વિસ્તારોમાં સુજલામ સુફલામ જળ અભિયાન વિશેષ અને અદકેરું બની રહેશે. આમ, તો માત્ર ખેતી અને પશુપાલન જ નહિ પરંતુ નાના-મોટા ઉદ્યોગોને અને ઘરવપરાશમાં પણ પાણીની આવશ્યકતા રહે છે ત્યારે જળ અભિયાન થકી થનારા ચેકડેમ-તળાવ ઉંડા ઉતારવા સહિતના વિકાસ કામોને લીધે અનેકવિધ ફાયદાઓ ભાવિ પેઢી માટે સુખદાયી નિવડશે તેમાં કોઇ બેમત નથી.

અમરેલી જિલ્લામાં તળાવ-ચેકડેમ અને નદી ઉંડા ઉતારવા સહિતના ૫૫૮ કામોનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લામાં તા.૨૨ મે-૨૦૧૮ સુધીમાં થયેલ કામગીરીની વિગતો જોઇએ તો મનરેગા યોજના હેઠળના ૮૪ કામો મળી કુલ ૩૧૭ કામો શરૂ કરવામાં આવેલ છે. જે પૈકી ૧૫૭ કામો પૂર્ણ થયેલ છે. આ અભિયાનમાં ૧૯૨ જેસીબી-હિટાચી તથા ૪૪૯ ટ્રેકટર્સ-ડમ્પર્સ જોડાયા છે.

અમરેલી તાલુકામાં ગ્રામ્યકક્ષાએ ૨૨ અને શહેરીકક્ષાના ૧૫ એમ કુલ ૩૭ કામો શરૂ થયા છે અને ૨૫ કામો પૂર્ણ થયા છે. જયારે વડીયા-કુંકાવાવ તાલુકામાં ૧૨ કામો શરૂ કરેલ તે પૈકી ૭ કામો પૂર્ણ થયા છે.     

લાઠી તાલુકામાં ગ્રામ્યકક્ષાએ ૧૬ અને શહેરીકક્ષાના ૨૮ એમ કુલ ૪૪ કામો શરૂ થયેલ તે પૈકી ૨૫ કામો પૂર્ણ થયા છે. બાબરા તાલુકામાં ગ્રામ્યકક્ષાએ ૯ અને શહેરીકક્ષાના ૧૦ એમ કુલ ૧૯ કામો શરૂ થયેલ તે પૈકી ૧૪ કામો પૂર્ણ થયા છે.

ધારી તાલુકામાં ગ્રામ્યકક્ષાએ ૯  અને શહેરીકક્ષાના ૧૩ એમ કુલ ૨૨ કામો શરૂ થયા છે અને ૧૫ કામો પૂર્ણ થયા છે. બગસરા તાલુકામાં ગ્રામ્યકક્ષાએ ૧૧ અને શહેરીકક્ષાના ૧૧ એમ કુલ ૨૨ કામો શરૂ થયા છે અને ૧૫ કામો પૂર્ણ થયા છે.

રાજુલા તાલુકામાં ગ્રામ્યકક્ષાએ ૧૧ અને શહેરીકક્ષાના ૫ એમ કુલ ૧૬ કામો શરૂ થયા છે અને ૧૦ કામો પૂર્ણ થયા છે. જાફરાબાદ તાલુકામાં ગ્રામ્યકક્ષાએ ૮  અને શહેરીકક્ષાના ૧૬ એમ કુલ ૨૪ કામો શરૂ થયા છે અને ૧૯ કામો પૂર્ણ થયા છે. ખાંભા તાલુકામાં કુલ ૯ કામો શરૂ કરેલ તે પૈકી ૬ કામો પૂર્ણ થયા છે.

સાવરકુંડલા તાલુકામાં ગ્રામ્યકક્ષાએ ૧૪ અને શહેરીકક્ષાના ૭ એમ કુલ ૨૧ કામો શરૂ થયા છે અને ૧૪ કામો પૂર્ણ થયા છે. જયારે લીલીયા તાલુકામાં શરૂ કરેલ ૭ કામો પૂર્ણ થતાં ૧૦૦ ટકા સિધ્ધિ મેળવેલ છે.   

સમગ્ર જિલ્લામાં મનરેગા યોજના હેઠળ ૮૪ કામો શરૂ હોય, ૨૨ દિવસમાં ૧.૩૫ લાખ માનવદિનને રોજગારી પૂરી પાડવામાં આવેલ છે.

જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત તા.૨૨ મે-૨૦૧૮ની સ્થિતિએ, ગ્રામ્યકક્ષાના ૧૨૮ અને શહેરીકક્ષાના ૧૦૫ મળી કુલ ૩૧૭ કામો શરૂ થયેલ છે અને ૧૫૭ કામો પૂર્ણ થયા છે.

આ ઉપરાંત દાતાઓના ૧૦૦ ટકા સહયોગ તેમજ લોકમાંગણીને ધ્યાને રાખીને જિલ્લામાં લાઠી, નેસડી, મોટા ઝીંઝુડા, ભુરખીયા, છતડીયા, વાંકીયા, નવા ખીજડીયા, ચાડીયા અને પરબડી ગામમાં ચેકડેમ-તળાવ ઉંડા ઉતારવાની કામગીરી માટે વધારાની મંજૂરી પણ આપેલ છે.

આલેખન : દિવ્યા છાટબાર, જિલ્લા માહિતી કચેરી, અમરેલી

(9:26 am IST)