Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

તુવેરકાંડ મામલે મંત્રી જયેશ રાદડિયાએ કહ્યું, 'એક પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે'

જુનાગઢ તા. ૨૫ : ગુજરાત સરકારના પુરવઠા નિગમ દ્વારા વિવિધ પાકની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે. આ પાક પૈકીના તુવેરની ટેકાના ભાવે થઈ રહેલી ખરીદીમાં કેશોદ ખાતેથી હલકી ગુણવત્તાની તુવેર ઘૂસાડવામાં આવી હોવાનું જાણવામાં આવતા જેતપુર ખાતેના સરકારના ગોડાઉનમાંથી આ જથ્થો રિજેકટ કરવામાં આવ્યો હતો. પુરવઠા વિભાગે બુધવારે આ બાબતે તપાસ કરતા ૩૨૪૧ કટ્ટા હલકી ગુણવત્તાની તુવેરના મળી આવ્યા હતા. રાજયમાં ખૂબ જ ચગેલા મગફળી કાંડ બાદ ફરી એક વાર ટેકાના ભાવે થઈ રહેલી ખરીદીમાં તુવેરમાં ગોટાળો કરાયો હોવાની વિગતો આવતા આજે કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ૩૨૪૧ કટ્ટામાંથી ૧૦૪૨ કટ્ટા હલકી ગુણવત્તાની તુવેરના રિજેકટ થયા છે, જયારે અન્ય કટ્ટામાં કઈ પણ સમસ્યા નથી.

જામકંડોરણા ખાતે યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોને રાદડિયાએ જણાવ્યું હતું કે તુવેરની ખરીદીમાં કે તેના ભાવની પ્રક્રિયામાં પારદર્શિતા રાખવામાં આવી છે. કોઈ પણ પ્રકારનું કૌભાંડ થયું નથી પરંતુ જે લોકોએ હલકી ગુણવત્તાની ૩-૪ ગાડી તુવેર ઘૂસાડી છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે અને એક પણ વ્યકિતને સરકાર છોડશે નહીં.

જયશે રાદડિયાએ કહ્યું, નબળી તુવેરની ખરીદી કરી તેને ઘૂસાડવામાં સંડોવાયેલા એક પણ વ્યકિતને સરકાર છોડાશે નહીં. હાલમાં ગ્રેડર સહિત ૭ સામે ગુનો દાખલ કરાયો છે અને તપાસમાં જે કોઈ વ્યકિતના નામ આવશે તેમની વિરુદ્ઘ કાર્યવાહી કરવામાં આવીશે. અમે આ મામલે વધુ વિગતો મેળવી રહ્યાં છે.

રાદડિયાએ વધુમાં જણાવ્યું 'ચાલુ વર્ષે રાજયસરકારે, અનેક પાકોની ટેકાના ભાવે ખરીદી કરી છે જેમાં મગફળીની પારદર્શક રીતે પ્રક્રિયા ખરીદી કરી અને ૧૦૦૦ રૂપિયાના ટેકાના ભાવે ૪.૫ લાખ મેટ્રેકિ ટન ખરીદી કરવામાં આવી છે. સરકાર દ્વારા ગ્રેડિંગમાં સેમ્પલ લેવામાં આવે છે અને તે પાસ થાય તેની જ ખરીદી કરવામાં આવે છે. રાજયના કેશોદ સેન્ટર પરથી જે તુવેર ઘૂસાડવામાં આવી હતી તેની કવોલિટીને રાજયસરકારે જ કેન્સલ કરી છે, મારી જાણકારીમાં ત્રણથી ચાર ગાડી જ રિજેકટ કરી છે જેથી આમાં કૌભાંડનો કયાંય પ્રશ્ન નથી આવતો. પુરવઠા વિભાગના એમડી મનિષ ભારદ્વાજ આજે કેશોદ જશે અને વધુ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.'(૨૧.૧૫)

(3:55 pm IST)