Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

કચ્છના માંડવી બીચ ફેસ્ટીવલનો ફ્રોટો 'ક્રોપ' કરીને ભાજપ મહામંત્રીના નામે અશ્લિલ કોમેન્ટ વાયરલ

૩ શખ્સો વિરૂધ્ધ માંડવી પોલીસમા ફરિયાદ-પ્રતિષ્ઠાને બદનામ કરવાનો કારસોઃ અનિરૂધ્ધ દવે

પ્રથમ તસ્વીરમા બીચ ફેસ્ટીવલનો ઓરીજીનલ ફોટો, બીજી તસ્વીરમા ક્રોપ કરીને ગૃપમાં મુકાયેલ ફોટો.(૨૨.૧૨)

ભુજ, તા.૨૫: છેલ્લા ઘણા સમયથી કચ્છમાં ભાજપના આગેવાનોની બીભત્સ વીડીયો અને ઓડિયો કિલપ્સ સોશ્યલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બની છે. વ્હોટ્સએપ અને અન્ય સોશ્યલ સાઇટ્સ મારફતે વાયરલ થયેલી વીડિયો અને ઓડિયો કિલપ્સ તેમ જ તેને લગતા સમાચારોના મુદ્દે ચારિત્ર્ય હનન થતું હોવા છતાંયે શાસક પક્ષ ભાજપના કોઈ આગેવાનો આગળ આવી ફરિયાદ કરતા નથી. પણ, આ બધામાં કચ્છ ભાજપના મહામંત્રી અનિરુદ્ઘ દવે નોખી માટીના નીકળ્યા.

બે દિવસ પહેલા તેમના નામે જે ફોટો સમાચાર તેમના સેકસ સ્કેન્ડલના નામે વહેતા થયા હતા તે અંગે તેમણે હિંમતપૂર્વક આગળ આવીને પોલીસ ફરિયાદ નોંધાવી છે. કોઈ એક દીકરીના અને જાહેર જીવનના અગ્રણી તરીકે પોતાના ચારિત્ર હનન ના પ્રયાસોને વખોડી કાઢી અનિરુદ્ઘ દવેએ 'અકિલા' સાથે વાત કરતા જણાવ્યું હતું કે સોશ્યલ મિડિયાના એક ગ્રુપમાં તેમના નામે બીભત્સ કોમેન્ટ વહેતી થયેલી જોઈને તેઓ ચોંકી ઉઠ્યા હતા.

પોતે તરત જ માંડવી આવ્યા અને જે દીકરીની તસ્વીર તેમાં અપાઈ હતી તે દિકરીને પણ સાથે જ પોલીસ સ્ટેશને પહોંચીને તેમણે ફરિયાદ લખાવી હતી. ૨૦૧૬ ની માંડવી બીચ ફેસ્ટિવલ દરમ્યાન ખેંચાયેલી જૂની સમૂહ તસ્વીરને ક્રોપ કરીને માત્ર બે જ ફોટાઓ વાયરલ કરી બીભત્સ કોમેન્ટ વાયરલ કરાઈ હોવાનો ખુલાસો અનિરુદ્ઘ દવેએ 'અકિલા' સમક્ષ કર્યો હતો. અનિરુદ્ઘ દવેએ જણાવ્યું હતું કે, તેમની પ્રતિષ્ઠાને બદનામ કરવાના પ્રયાસો કરનારા તત્વો વિરુદ્ઘ તેઓ કાયદાકીય પગલાં ભરવા મક્કમ છે.

માંડવી પોલીસ સ્ટેશનના એએસઆઈ જયેન્દ્રસિંહ પોપટભા જાડેજાએ જાતીય સતામણીની કલમો તેમ જ આઇટી એકટ હેઠળ ત્રણ શખ્સો  વિરુદ્ઘ ગુનો દાખલ કર્યો છે. માંડવી પીઆઇ એમ.એ. જલુ જાતે આ સમગ્ર પ્રકરણની તપાસ કરશે. આઈટી એકટ હેઠળ વ્હોટ્સએપ કે અન્ય સોશ્યલ સાઇટ્સ ઉપર આ મેસેજ પહેલા કયાંથી ફોરવર્ડ થયો તેની તપાસ કરી પોલીસ મુખ્ય આરોપીઓ વિરુદ્ઘ ધરપકડ સહિતના પગલાં ભરશે. સોશ્યલ મીડીયામાં આંખ મીંચીને મેસેજ વાયરલ કરનારા મોબાઇલ ધારકોએ વિવેકબુદ્ઘિ પૂર્વક વર્તવાની જરૂરત છે.

(3:51 pm IST)