Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

તુવેર કૌભાંડમાં પુરવઠા નિગમ જવાબદારઃ ભૂતકાળના બનાવોમાં યોગ્ય પગલા ન લેવાયા એટલે પુનરાવર્તન થયું: દિલીપ સંઘાણી

કોઈની શેહશરમ વગર તપાસ કરી પગલા લેવા જરૂરીઃ ભાજપના સહકારી નેતાના બેધડક નિવેદનથી ખળભળાટ

રાજકોટ, તા. ૨૫ :. ભાજપ સરકારના પૂર્વ કેબીનેટ મંત્રી અને ગુજકોમાસોલના ચેરમેન શ્રી દિલીપ સંઘાણીએ કેશોદના તુવેર કૌભાંડમાં પુરવઠા નિગમને જવાબદાર ઠેરવી સરકાર પર આડકતરૂ નિશાન તાંકતા રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. ભૂતકાળમાં ખેત ઉપજને લગતા આ પ્રકારના કૌભાંડો થયા તે વખતે યોગ્ય પગલા લેવાયા ન હોવાથી આવી ઘટનાનું પુનરાવર્તન થયાનું તેમનુ કહેવુ છે.

શ્રી દિલીપ સંઘાણીએ જણાવેલ કે, તુવેર પ્રકરણમાં ભેળસેળ સહિતની વાતો બહાર આવી રહી છે. ખરીદી ગુજરાત સરકારના નાગરિક પુરવઠા નિગમ દ્વારા થઈ હોવાથી જવાબદારી નિગમની જ ગણાય. નિગમ દ્વારા પુરતી કાળજી નહિ લેવાયાનું અને કયાંક નીતિનિયમ ભંગ થયાનું પ્રથમ દ્રષ્ટિએ જણાય છે. સમગ્ર પ્રકરણની કોઈની શેહશરમ વગર ઉંડી તપાસ કરી સત્ય બહાર લાવવું જરૂરી છે.

શ્રી સંઘાણીએ જણાવેલ કે, ભૂતકાળમાં નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા અને હું કૃષિમંત્રી હતો તે વખતે ગુજકોમાસોલમાં કોંગ્રેસની વિચારધારાવાળા લોકોનું પ્રભુત્વ હોવા છતા અમે પક્ષાપક્ષીથી પર રહી ખેડૂતોના હીતમાં રાજકીય ભેદભાવ વગર ગુજકોમાસોલને ખેત ઉપજની ખરીદીની કામગીરી સોંપતા હતા.

હવે આ પ્રકારની કામગીરીથી ગુજકોમાસોલને શા માટે દૂર રાખવામાં આવે છે ? તેવો સવાલ ખેડૂતોના મનમા ઉઠી રહ્યો છે.

(3:22 pm IST)