Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

મોરબી જિલ્લામાં મતદાન પૂર્ણ : હવે કોણ હારશે ? કોણ જીતશેની ચારેકોર ચર્ચા : ચૂંટણી સ્ટાફ પણ સામેલ

મોરબી તા. ૨૫ : લોકસભા ચુંટણીમાં ત્રીજા ચરણમાં ગુજરાતની તમામ ૨૬ બેઠકો પર મતદાન પૂર્ણ થઇ ચુકયું છે અને ગુજરાતમાં સારું એવું મતદાન થયા બાદ હવે કોણ જીતશે અને કોણ હારશે તેવી ચર્ચાઓ શરુ થઇ ચુકી છે સાથે જ ચુંટણી કામગીરીમાં ફરજ બજાવનાર કર્મચારીઓ પણ આજે મતદાનના દિવસના અનુભવોની ચર્ચા સાથી કર્મચારીઓ સાથે કરતા જોવા મળ્યા હતા.

ગુજરાતની ૨૬ બેઠક માટે યોજાયેલ મતદાનમાં કચ્છ અને રાજકોટ લોકસભા બેઠક વચ્ચે વહેંચાયેલા મોરબી જીલ્લામાં સારૃં એવું ૬૫ ટકા જેટલું મતદાન થવા પામ્યું છે. જેને પગલે રાજકોટ બેઠક પરથી ભાજપે મોહનભાઈ કુંડારિયા અને કચ્છ બેઠક પરથી ભાજપે વિનોદભાઈ ચાવડાને રીપીટ કરેલ હોય જયારે સામાપક્ષે કોંગ્રેસે રાજકોટથી ટંકારાના ધારાસભ્ય લલિત કગથરા જયારે કચ્છ બેઠક પરથી નરેશ મહેશ્વરીને મેદાને ઉતાર્યા હોય ચારેય નેતાઓના ભાવી ઈવીએમમાં કેદ થયા છે અને ઊંચું મતદાન કયાં પક્ષ તરફી થયું છે તેના સમીકરણોના કયાસ લગાવવામાં બંને પક્ષના આગેવાનો મથામણ કરી રહયા છે. આમ તો મતદાન પૂર્ણ થયા બાદ મત ગણતરીના દિવસ સુધી ચુંટણી ફીવર ઘટી જતો હોય છે. જોકે ઊંચું મતદાન થવાને પગલે મોરબીમાં મતદાનના બીજા દિવસે પણ ચુંટણીની ચર્ચા જ જોવા મળી રહી છે.  મોરબીની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં રાજકીય આગેવાનો હોય કે પછી કર્મચારી હોય મતદાનના દિવસની જ ચર્ચા જામી હતી સૌ કોઈ એક જ ચર્ચા કરતા જોવા મળ્યા હતા. રાજકીય પક્ષના આગેવાનો મતદાન મથક અને ગામડાઓની ગણતરી માંડીને હારજીતના અંદાજ લગાવતા જોવા મળી રહ્યા છે. સાથે જ ચુંટણીમાં મતદાન મથકો સહિતની કામગીરી કરનાર કર્મચારીઓને થયેલા સારા અને નરસા અનુભવોની ચર્ચા સાથી કર્મચારીઓ સાથે જામી હતી અને ચુંટણીનો માહોલ અને ચર્ચા હજુ પણ મોરબીમાં ચરમસીમાએ જોવા મળી રહી છે તેમ કહી શકાય.

(11:57 am IST)