Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

જસદણના લીલાપુરમાં પોલીસને છરી ઝીંકનાર સરપંચ પોલીસ પકડથી દૂર

બનાવમાં ૪૮ કલાક બાદ પણ પોલીસ આરોપીને ન પકડી શકતા ભારે ચર્ચા

આટકોટ, તા. રપ : જસદણના લીલાપુર ગામે ચૂંટણી બંદોબસ્ત માટે આવેલા પોલીસ કોન્સ. ઉપર સામાન્ય બાબતે ગામના સરપંચે નશામાં ધૂત બની છરી વડે હુમલો કર્યા બાદ નાસી ગયો હોય હજુ પોલીસ પકડથી દૂર હોય જસદણ પોલીસ સામે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે.

બે દિવસ પહેલા લીલાપુર પ્રાથમિક શાળામાં ચૂંટણી બંદોબસ્તમાં રહેલા પોલીસ કોન્સ. બકુલભાઇ વાસાણી ઉપર ગામના જ સરપંચે છરી વડે હુમલો કર્યા બાદ નાસી ગયો હતો.

સરપંચ રમેશ રવજી રામાણીને હાલ પોલીસ મારથી બચાવવા સ્થાનિક અમૂક આગેવાનો રાજકીય ભલામણો કરવા તન-તોડ મહેનત કરવા લાગ્યા છે અને રાજકીય સેટીંગ કરી નશાખોર સરપંચને પોલીસમાં રજૂ કરશે તેવી ચર્ચા આ પંથકમાં ચાલી હોય કાયદાના રખેવાળ ઉપર હુમલો કરનારને જ પોલીસ છાવરતી હોવાનું સામે આવ્યું છે.

પોલીસ ઉપર હિચકારો હુમલો કરનાર જો બે દિવસથી પોલીસ પકડથી દૂર હોય તો સામાન્ય પ્રજાની સલામતી જસદણમાં કેવી હશે તેવી ચર્ચા સમગ્ર પંથકમાં જાગી છે.

આ બનાવમાં સ્થાનિક પોલીસ જો કડક કાર્યવાહી નહીં કરે તો નાના પોલીસ કર્મચારીનું મોરલ તૂટશે તેવી પણ સ્થાનિક પોલીસ બેડામાં ચર્ચા જાગી છે.

(11:56 am IST)