Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

જૂનાગઢના ૧૨૫ દિવ્યાંગ મતદારોએ કર્યો મતાધિકારનો ઉપયોગ

શારીરિક અગવડતાને અવહેલીને દિવ્યાંગ મતદારોએ હોંશભેર કર્યુ મતદાન

જૂનાગઢ તા.૨૫, ભારતના બંધારણ મુજબ કોઈ પણ વ્યકિત નાત-જાત, વર્ણ, લિંગ, જ્ઞાતિ કે કોમના ભેદભાવ વિના મતદાન કરી શકે છે. જોકે, મતદાન કરીને બહાર નીકળે એટલે તેમનામાં એક સમાનતા જોવા મળે છે. મતદાનમથકમાં તેમના ડાબા હાથની પહેલી આંગળી અને નખ ઉપર શાહી લગાડવામાં આવે છે. દેશનાં બંધારણીય અધિકારને અનુસર્યાની ખુમારી ચહેરા પર અને હાથની આગળી પર મત આપ્યાની નીશાની વ્યકિતત્વનાં આત્મિય ઓઝસને નિખારી જાય છે. પણ આપણાં સાર્વભૈામ રાષ્ટ્રમાં કેટલાક એવા પણ મતદારો છે કે જેમને શરીર સાથ આપતુ નથી એટલે કે દિવ્યાંગ મતદારો પોતાની શારીરિક અક્ષમતાને લઇને મતદાનથી વંચીત ના રહે તે માટે ભારતનાં ચુંટણી પંચ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. જૂનાગઢ જિલ્લામાં સમાજ સરુક્ષા વિભાગનાં કાર્યાલયે નોંધાયા મુજબ ૪૩૦૨ દિવ્યાંગ મતદારો છે. જે પૈકી ૧૨૯ એવા દિવ્યાંગ મતદારો હતા કે જેમને સહાયની આવશ્યકતા જણાતાં ચુંટણી પંચ નિયુકત પી.ડબલ્યુ ડી નોડલ ઓફીસર એટલે કે સમાજ સુરક્ષા અધિકારી સમક્ષ મતદાન મથકે પહોંચવા સહાયતા અંગે રજુઆત પહોંચતી કરી હતી. આવા ૧૨૫ જેટલા દિવ્યાંગ મતદારો માટે ખાસ વાહન વ્યવસ્થા સાથે તેમને દ્યરેથી મતદાન મથકે અને મતદાન કર્યા બાદ પુનઃ દ્યરે પહોંચતા કરવા સુધી વ્યવસ્થા કરવામાં આવી હતી. જૂનાગઢ જિલ્લામાં ૧૨૫ દિવ્યાંગોએ આ પ્રકારે મતદાન કરી તેમની લોકશાહીનાં પર્વે સહભાગીતાથી ખુશી વ્યકત કરી હતી.

(11:50 am IST)