Gujarati News

Gujarati News

News of Wednesday, 25th April 2018

ખંભાળિયાના હાલારતીર્થ મુમુક્ષુ કૃપાબેનનો દિક્ષા મહોત્સવ સંપન્ન

ઢોલ-ત્રાસા સાથે સન્માનઃ ભવ્ય વરઘોડામાં સંતોની ઉપસ્થિતી

ખંભાળિયા તા.રપ : ખંભાળિયાના હાલારતિર્થ આરાધનાધામમાં ગઇકાલે કૃપાબેન યોગેશભાઇ છેડાએ દીક્ષા લેતા ભવ્ય વરઘોડો તથા જૈન મુનિઓની નિશ્રામાં વાજતે ગાજતે શોભાયાત્રા યોજાઇ હતી.

મુળ કચ્છના વાંકી ગામના રહેવાસી વિનોદભાઇ છેડા તથા દક્ષાબેન છેડાની સુપુત્રી ચિ. કૃપાબેન દ્વારા પ.પૂ. પંન્યાસ પ્રવર મૂનિશ્રી વ્રજસેન વિજયજી મહારાજ પ.પૂ. આચાર્ય દેવ શ્રી હેમપ્રભસુરીશ્વરજી મહારાજની નિશ્રામાં આ વિધિ યોજાઇ હતી.

સવારે શણગારેલા રથ તથા બળદગાડામાં મોટી સંખ્યામાં જૈન સાધુઓ તથા જૈન અગ્રણીઓ સાથે વરસી દાન કરાયું હતું તથા વરઘોડો નીકળ્યો હતો જેમાં ઢોલ શરણાઇ તથા બેન્ડ પાર્ટી સાથે ભાવિકો જોડાયા હતા.

૪પ૦ ગાયોને રસ પુરીનું ભોજન

આ દીક્ષા કાર્યક્રમના મુમુક્ષી કૃપાબેનના હસ્તે આ આરાધના ધામ જૈન તિર્થમાં આવેલ પાંજરાપોળમાં ૪પ૦ ગાોને માણસો જમે તેવી રીતે સારી કક્ષાની કેરી તથા રસ પુરીનો ભોજન સમારોહ ગાયોને રાખવામાં આવ્યો હતો.

પીંજરાના પંખીઓને મુકિત

કાર્યક્રમ પોપટ, કબુતર વિ.૧૦૦ પંખીઓને પીંજરામાંથી મુકત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો લાંબા સમયથી કેદ રખાયેલા પંખીઓને મૃકત ગગનમાં વિહરતા કરવામાં આવ્યા હતા.

કુટુંબમાં પંદરમી દિક્ષા આરાધનાધામમાં ર૦મી દિક્ષા

યોગેશભાઇ છેડાના કુટુંબમાં આ કૃપાબેને દીક્ષા લેતા પંદરમી દીક્ષા ઉત્સવ છે તથા આરાધનાધામમાં હેમપ્રભ સુરીશ્વરજી મહારાજના હસ્તે આ વીસમી દીક્ષા છે.

કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જૈન સાધુઓ પ.પૂ.શ્રી કમલસેન વિજયજી મહારાજ, પુ.દેવરતન વિજયજી મહારાજ, પુ.નયજ રત્ન વિજયજી મહારાજ, પુ. જિનભર્દ્ર વિજયજી મહારાજ, પુ. જિનભદ્ર વિજયજી મહારાજ, પુ. હેમપ્રીત વિજયજી મહારાજ, પુ. હેમરૂચિ વિજયજી મહારાજ, પુ.તિર્થરત્ન વિજયજી મહારાજ, પ.હર્ષસેન વિજયજી મહારાજ, પુ. હેમતીલક વિજયજી મહારાજ, પુ.હેમભદ્રવિજયજી મહારાજ તથા સાધ્વીજી સુર્યપ્રભાજી મહારાજ, પદમપ્રતાજી મહારાજ, જયભદ્રાજી મહારાજ, નિર્મલયશા મહારાજ સહિતના જોડાયા હતા.

આરાધનાધામના ટ્રસ્ટીઓ, મેનેજરો સુધીર પંડયા તથા આસપાસના ગામોથી ભાવિકો પણ મોટી સંખ્યામાં કૃપાબેનના દિક્ષા મહોત્સવમાં જોડાયા હતા.(૬.૭)

(9:29 am IST)