Gujarati News

Gujarati News

News of Thursday, 25th March 2021

કુતિયાણાના ફરેરમાં ચૂંટણીના મનદુઃખથી બઘડાટી : તા.પં.ના મહિલા ઉપપ્રમુખ સહિત ૬ ઘવાયા

તાલુકા પંચાયતની ફરેર બેઠક ઉપરથી ભાજપના ભૂરીબેન વાસણ ચૂંટણી જીતી ગયા બાદ હરીફ જુથમાં મનદુઃખ ઉભું થયેલ : સમાધાન વખતે મામલો બગડયો : લાકડી - કુહાડી - પાઇપ વડે હુમલો : સામસામી પોલીસ ફરિયાદો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૨૫ : કુતિયાણાના ફરેરમાં તાલુકા પંચાયતની ફરેર ગામની બેઠકની યોજાઇ ગયેલી ચૂંટણીના મનદુઃખથી બઘડાટીમાં ફરેર બેઠક ઉપરથી ચૂંટાયેલ અને તાલુકા પંચાયતના મહિલા ઉપપ્રમુખ ભાજપના ભૂરીબેન વિરમભાઇ વાસણ તથા તેના પતિ વિરમભાઇ વાસણ સહિત કુલ ૬ વ્યકિતઓને ઇજા થઇ હતી. આ બઘડાટીમાં સામસામી પોલીસ ફરિયાદો નોંધાઇ છે.

કુતિયાણા તાલુકા પંચાયતની ફરેર બેઠકની ચૂંટણીમાં ભાજપના ભૂરીબેન વિરમભાઇ વાસણ જીતી જતા હરીફ જૂથમાં મનદુઃખ ઉભું થયેલ હતું અને ત્યારપછી સમાધાન માટે એકઠા થતાં સમયે ગરમાગરમી થતા બઘડાટી બોલી ગયેલ હતી. આ બઘડાટીમાં તાલુકા પંચાયતના મહિલા ઉપપ્રમુખ ભૂરીબેન વિરમભાઇ વાસણ અને તેના પતિ સહિત કુલ ૬ વ્યકિત ઘવાયેલ. ઇજા પામેલ ભૂરીબેન વિરમભાઇ વાસણ અને તેના પતિ વિરમભાઇ વાસણ બંનેને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે સારવારમાં ખસેડાયેલ છે.

આ બઘડાટીમાં તા.પં.ના ઉપપ્રમુખ ભૂરીબેન વાસણના પતિ વિરમભાઇએ આરોપીઓ ફરેરના કાંધા વિજા વાઢિયા, ભૂરીબેન કાંધાભાઇ વાઢિયા, કરણ ઉર્ફે કાંધાભાઇ, વિપુલ કાંધાભાઇ, લાભુબેન કાંધાભાઇ પુંજા લાખાભાઇ, લખમણ ગોવિંદભાઇ સામે નોંધાવેલી પોલીસ ફરીયાદમાં જણાવેલ કે ફરેરમાં તાલુકા પંચાયતની ફરેર બેઠકની ચૂંટણી માટે બન્ને પક્ષના ઉમેદવારો દ્વારા ઉમેદવારી ફોર્મ ભરાયા હતા અને ભૂરીબેન વિરમભાઇ વાસણે ભાજપમાંથી ફોર્મ ભર્યું હતું અને ભૂરીબેન ચૂંટણી જીતી જતા સામે કોંગ્રેસ હરીફ પક્ષમાં મનદુઃખ ઉભું થયેલ.

ફરિયાદમાં જણાવેલ કે, ચૂંટણી જીતી ગયા બાદ સાહેદ જગદીશભાઇ બોદા વાઢિયાએ તેમના ઘેર ચા - પાણી પીવા ખુશીથી બોલાવેલ ત્યારે આરોપીઓ ગાળો કાઢતા હોય અને ત્યારબાદ સમાધાન માટે ભૂરીબેનના પતિ વિરમભાઇએ સામાધાન માટે વાત કરી હતી ત્યારે સમાધાન વખતે આરોપીઓએ ગેરકાયદે મંડળી રચીને લાકડી - પાઇપ - કુહાડી વડે હુમલો કરતા ભૂરીબેન વાસણ અને તેના પતિ વિરમભાઇને ઇજા થઇ હતી.

બઘડાટીમાં સામે પક્ષેથી કાંધાભાઇ વિંજાભાઇ વાઢિયાએ આરોપી વિરમ લીલાભાઇ વાસણ, ભૂરીબેન વિરમભાઇ વાસણ, રમેશ વિરમભાઇ વાસણ તથા મેરૂ રામજી સામે પોલીસ ફરિયાદ નોંધાવીને જણાવેલ કે, આરોપીઓ ચૂંટણી યોજાઇ ગયા બાદ ચૂંટણી સબંધે બોલાચાલી કરેલ અને ઉશ્કેરણી કરી હતી. બંને સામસામી પોલીસ ફરિયાદોમાં કુતિયાણા પીએસઆઇ એ.એસ.ગરચર વધુ તપાસ ચલાવી રહ્યા છે.

(12:55 pm IST)