Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

...અને એમ્બ્યુલન્સ માં નવજાત શિશુનું બંધ હૃદય ધબકયું- ભુજમાં એક માસૂમ ફુલને મધરાતે ખીલ્યું

વિનોદ ગાલા દ્વારા: કચ્છમાં 108 ની ટીમ જરૂરતમંદ દર્દીઓ માટે સંકટ સમયની સાંકળ બનીને ઉભરી છે અને અનેક દર્દીઓને નવજીવન આપ્યું છે. પણ, ભુજના મિરઝાપર ગામે બનેલો આ કિસ્સો આપણા મન અને હૃદયને ભીંજવી મૂકે તેવો છે. ગઈકાલે મધરાતે ભુજ 108 ની ટીમને એક કોલ મળ્યો હતો કે એક પ્રસૂતા માતા મુશ્કેલીમાં છે. તરત જ 108 ની ટીમ કોલ મળ્યો હતો એ અઝીઝભાઈ ના ઘેર પહોંચી ગઈ. ત્યાં જોયું તો તેમના પત્નીની હાલત કફોડી હતી, અધુરા મહિને પ્રસૂતિની પીડા ઉપડી હતી. 108 ના EMT ભદ્રેશ પટોળીયા અને પાયલોટ હિરેન ચિત્રોડિયાએ સમય વેડફયા વગર જ પ્રસૂતા મહિલાને એમ્બ્યુલન્સ માં લઇ ને હોસ્પિટલમાં ખેસડવાની તજવીજ હાથ ધરી હતી. પણ, પ્રસવ પીડા વધુ હોઈ તરત જ એમ્બ્યુલન્સ માં પ્રસૂતિ કરાવવાની ફરજ પડતાં કોઠાસૂઝ સાથે તેમણે પ્રસૂતિ કરાવી હતી. પરંતુ, અધુરા માસે પ્રસુતિ કરાવી હોઈ નવજાત બાળકના ગળા માં નાળ વીંટળાઈ ગઈ હતી અને નવજાત શિશુના હૃદયના ધબકારા બંધ હતા. જોકે, તરત જ 108 ની ટીમે તેમને મળેલી તાલીમ પ્રમાણે કૃત્રિમ શ્વાસોશ્વાસ તેમજ હૃદયનું પંપિંગ કરી નવજાત શિશુની સારવાર કરી હતી. આ મહેનત રંગ લાવી અને એમ્બ્યુલન્સમાં જ મધરાતે એક માસૂમ ફૂલ ખીલી ઊઠ્યું. પોતાના પરિવારના નવજાત શિશુને મળેલી નવી જિંદગી થી ખુશ થઈને સૌએ 108 ની ટીમનો આભાર માન્યો હતો. આ સમયે સૌની આંખો ભીની થઇ ગઇ હતી.

(3:37 pm IST)