Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

હળવદના મયુરનગરમાં ૧૪ મહિનાથી પીવાના પાણીની સમસ્યા

મહિલાઓ કિલોમિટર ભટકીને લાવે છે એક બેડુ પાણીઃ એક એક ટીપા પાણી માટે તરસવા મજબુરઃ પાણી પુરવઠા વિભાગ સામે આક્રોશ

હળવદ, તા.૨૫: હજુ તો ઉનાળાએ દસ્તક જ દીધી છે ત્યાં તો સબ સલામતના દાવા કરતાં તંત્રની પોલ છતી થઈ જવા પામી છે હળવદના મયુરનગર ગામે પિવાની પાઈપલાઈનમા છેલ્લાં ૧૪ માસથી વધારે સમયથી બંધ છે તેમાંય સબમર્શીબલ પંપથી ક્ષારયુકત પાણી ચાલુ હતું તે પણ છેલ્લાં થોડાંક દિવસોથી પંપ બગડતા પાણી બંધ થતાં દેકારો બોલી જવા પામ્યો છે.નદીના કુવામાંથી એક કિલોમીટર દુરથી પિવાનુ પાણી મેળવી દિવસો ટુંકા કરી રહ્યાં છે આ તો હજી ઉનાળાની શરૂઆત જ છે તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો એક એક ટીપાં માટે વલખાં મારે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે ત્યારે ઉપ સરપંચ તેમજ સભ્યોએ પાણીની સમસ્યા ટાળવા માંગ કરી છે.

હળવદ તાલુકાને આ વર્ષે ચોમાસું નબળું થતાં અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે જેમાં તાલુકાના અનેક ગામડાઓમાં નર્મદાના નિર પહોંચતા પાણીની સમસ્યા મહદઅંશે નિરાકરણ આવ્યું પરંતુ છેવાડાના ગામડાઓમાં જયાં નર્મદાના નિર નથી પહોંચ્યા ત્યાં પાઈપલાઈન વાટે પિવાનુ પાણી પહોંચાડવામાં આવે છે ત્યારે પાણી પુરવઠા વિભાગની વ્હાલા દવલાની નિતિથી કેટલાક ગામડાઓમાં દિવસોના દિવસો વિતવા છતાં પણ પાણી પહોંચતું નથી જેમાં મયુરનગર ગામે છેલ્લાં ૧૪ માસથી પિવાના પાણીની પાઈપલાઈનમા પાણી આવતું નથી અને ઉનાળાની શરૂઆતમાં જ પાણીની સમસ્યા ઉભી થઈ છે. મયુરનગર ગામમાં સબમર્શીબલ વડે ક્ષારયુકત પાણી આપવામાં આવતું હતું તે પણ છેલ્લાં થોડાક દિવસોથી બંધ છે ત્યારે ગ્રામીણ એક એક ટીપાં માટે વલખાં મારે તેવી સ્થિતિ સર્જાઈ છે.

હળવદ તાલુકાના મયુરનગર ખાતે પાણીની સમસ્યા ઉભી થવા લાગી છે ચોમાસું નબળું સાબિત થતાં નદીઓ સુકી ભટ્ટ છે નદીમાં બ્રામ્હણી ડેમનું પાણી છોડી વૈકલ્પિક વ્યવસ્થા ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવી હતી જે થોડાં સમયથી બ્રામ્હણી ડેમનું પાણી માઈનોર કેનાલમાં આપવાનું બંધ કરી દેતાં પાણીની સમસ્યા સપાટી પર આવી છે.મયુરનગર ગ્રામ પંચાયત ઉપસરપંચ વિષ્ણુભાઈ હરજીભાઈ કણઝરીયા સભ્યો જનકબેન વિષ્ણુ ભાઈ અને કાંતાબેન રાજાભાઈ સહિતનાઓ લેખિતમાં રજૂઆત કરી પાણીની વ્યવસ્થા કરવા માંગ કરી છે.

અત્રે ઉલ્લેખનીય છેકે હળવદ તાલુકામાં પાણી પુરવઠા વિભાગ દ્વારા તાલુકાના ગામડાઓમાં વ્હાલા દવલાની નિતિથી પાણી આપવામાં આવતું હોવાની અનેક ફરિયાદો ગ્રામીણ વિસ્તારોમાં થતી રહે છે જેમાં છેવાડાના ગામડાઓમાં પંદર દિવસે પણ પાણી આપવામાં આવતું નથી ત્યારે રાત દિવસ પાઈપલાઈનમાથી પાણી કયાં જાય છે તે અને આ નર્મદાના પાણીથી ખેતી થાય છે તેવી અનેક શંકા કુશંકાઓ વચ્ચે લોકચર્ચાઓ જાગી છે.આ બધાં સવાલો વચ્ચે પાણી પુરવઠા વિભાગનો ભોગ મયુરનગર ગ્રામીણ બની રહ્યા છે અને એક એક ટીપાં માટે એક એક કિલોમીટર સુધી ભટકવું પડે છે ત્યારે આતો હજુ શરૂઆત જ છે પણ જેમ જેમ ઉનાળો તપસે તેમ પાણીની સમસ્યા વિકરાળ રૂપ ધારણ કરશે ત્યારે ઉપસરપંચ,સભ્યો સહિતનાઓ દ્વારા રજુઆત કરી પાણીની સમસ્યા ટાળવા માંગ કરી છે.

(11:42 am IST)