Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

મોરબીમાં છ માસના બાળકને સાથે લાવીને માતાએ આપી કોલેજની પરીક્ષા

મોરબી તા. ૨૫ : સૌરાષ્ટ્ર યુનીવર્સીટી દ્વારા બીએ સેમ-૦૬ ની પરીક્ષા લેવામાં આવી હોય જેમાં સુરેન્દ્રનગરના થાનના વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર મોરબી ફાળવવામાં આવ્યું છે. ત્યારે મોરબીની ઓમ વીવીઆઈએમ કોલેજમાં એક સુરેન્દ્રનગરની મહિલાએ પરીક્ષા આપી હતી જોકે આ કિસ્સામાં ખાસ વાત એ હતી કે મહિલાને માત્ર છ માસનું સંતાન હોય જેને સાથે લાવીને દરરોજ સુરેન્દ્રનગરથી અપડાઉન કરીને તેને પરીક્ષા આપી હતી.

સુરેન્દ્રનગર જીલ્લામાં પ્રીતીબેન પરમારનું પરીક્ષા કેન્દ્ર મોરબીની ઓમ વીવીઆઈએમ કોલેજ હોય જેને દરરોજ ત્રણ કલાક આવવાની અને ત્રણ કલાક જવાનો સમય લાગે વળી પ્રીતીબેન પરમારને માત્ર છ માસનું જ સંતાન છે આમ છતાં તેઓએ હોશભેર પરીક્ષા આપી હતી. પતિ આર્મીમાં હોય જેથી સાસુ દરરોજ તેની સાથે આવ્યા હતા અને પરીક્ષા સમય દરમિયાન બાળકને કોલેજમાં જ સાચવી માતાને નિશ્ચિંત કરી પરીક્ષા આપી સકે તેવો સહયોગ પૂરો પાડ્યો હતો ત્યારે પરીક્ષા આપનાર પ્રીતીબેન પરમાર જણાવે છે કે તેને નાનું સંતાન હોવા છતાં અભ્યાસ ચાલુ રાખ્યો છે અને તેઓ અભ્યાસ કરીને શિક્ષક બનવાનું સ્વપ્ન જુએ છે.

વીવીઆઈએમ કોલેજના પ્રિન્સીપાલ ધર્મેન્દ્રભાઈ ગડેશીયાએ જણાવ્યું હતું કે પ્રીતીબેનને નાનું બાળક હોય જેને સાથે લાવીને પરીક્ષા આપતા હોય જેથી કોલેજ દ્વારા તેના સાસુને કોલેજમાં રહેવાની સગવડ અપાઈ હતી. બાળક હેરાન ના થાય તેમજ માતા શાંતિથી પરીક્ષા આપી સકે તે માટે યોગ્ય વ્યવસ્થા કરી આપી હતી અને પ્રીતીબેનના બુલંદ હોસલા જોઇને કોલેજ પરિવાર પણ ગર્વ અનુભવે છે અને પ્રીતીબેનનો કિસ્સો અન્ય વિદ્યાર્થીઓ અને ખાસ કરીને મહિલાઓ માટે પ્રેરણારૂપ બની રહેશે.

(11:36 am IST)