Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

મોરબીના જાંબુડીયામાં છેડતી મામલે સગીરાના માતા-પિતા અને ભાઇ પર ૪ શખ્સોનો હુમલો

પિતા સંજયભાઇ, માતા હંસાબેન અને પુત્ર હાર્દિક રાજકોટ સારવારમાં: કાનો, જયેશ, નિતીન અને મેહુલ સામે ફરિયાદ

રાજકોટ, તા.૨૫: મોરબીના જાંબુડીયા ગામમાં સગીરાની છેડતી મામલે સમજાવવા ગયેલા સગીરાના માતા-પિતા અને ભાઇ ઉપર ચાર કોળી શખ્સોએ પાઇપ વડે હુમલો કરતા ત્રણેયને સારવાર માટે રાજકોટ ખસેડાયા છે.

મળતી વિગત મુજબ જાંબુડીયા ગામમાં રહેતા સંજયભાઇ મનજીભાઇ ડાબસરા(ઉ.વ.૨૬)(ઠાકરો)રાત્રે પોતાના ઘરે હતા. ત્યારે ઘરપાસે રહેતો કાનો કોળી તેના પુત્ર જયેશ તથા નિતીન અને મેહુલ ઘરપાસે આવી સંજયભાઇ સાથે ઝઘડો કરી ઉશ્કેરાઇ જઇ લોખંડનો પાઇપ માથામાં ફટકારી દીધો હતો. સંજયભાઇને છોડાવવા માટે પત્ની હંસાબેન અને પુત્ર હાર્દિક-વચ્ચે પડતા તેને પણ માર માર્યો હતો. દેકારો બોલતા ચારેય શખ્સો ભાગી ગયા હતા. બાદ ત્રણેયને સારવાર માટે પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

આ બનાવમાં સંજયભાઇએ જણાવ્યું હતું કે, પરમ દિવસે પોતાની ૧૬ વર્ષની પુત્રની કાના કોળીએ છેડતી કરી હતી. તે બાબતે તેને ઠપકો આપતા તેનો ખાર રાખી કાના કોળી અને તેના પુત્રોએ હુમલો કર્યો હોવાનું જણાવ્યુ હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે તપાસ આદરી છે.

(11:33 am IST)