Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

પોરબંદરમાં ચૂંટણી અંતર્ગત ચૂંટણી સ્ટાફ તાલીમ-વ્યવસ્થા સમીક્ષા બેઠક સંપન્ન

ચુંટણી દરમિયાન આચાર સંહિતા ભંગની ફરિયાદ મોબાઇલ એપથી કરી શકાશે

પોરબંદર, તા.૨૫: ૧૧-પોરબંદર લોકસભા બેઠક માટે ચૂંટણી સ્ટાફ-તાલીમ-EVM-VVPAT સહિતની બાબતોની સમીક્ષા અર્થે જિલ્લાં ચૂંટણી અધિકારી શ્રી મુકેશ પંડયાનાની અધ્યક્ષતામાં જિલ્લા સેવા સદન ખાતે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં માણાવદર, ગોંડલ, જેતપુર, ધોરાજી,પોરબંદર, કુતીયાણા,  કેશોદ, માણાવદર, વિધાસભા વિસ્તારના મદદનીશ ચૂંટણી અધિકારીઓએ તેમના સ્ટાફ, તાલીમ સહિત સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં અત્યાર સુધી થયેલ કામગીરીની વિગતો રજુ કરી હતી.

 આ બેઠકમાં ચૂંટણી નોટીસ પ્રસિધ્ધ, નોમીનેશન પ્રક્રિયા, મતદાનને લગતી બાબતો વગેરે મહત્વનાં મુદા અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમ કે પુરતો સ્ટાફ તેમની ટ્રેનીંગ, મતદારો નાં સ્ત્રી તથા પુરૂષ પ્રમાણે આકડા પુરા પાડવા. EVM-VVPAT વગેરેની સમજ મતદારોને લગતા પ્રશ્નો સહિતની બાબતો અંગે જિલ્લાં ચૂંટણી અધિકારી શ્રી મુકેશ પંડયાએ માર્ગદર્શન આપ્યુ હતુ.

VVPAT બાબતે જરૂરી તકેદારી રાખવી, સ્થાનિક બી એલ ઓ ખુબજ ઉપયોગી થાય તેના થકી વોટર સ્લીપ વિતરણ કરવી, દિવ્યાંગ મતદારો  માટેની વ્યવસ્થા, મતદાનનાં દિવસે દર બે કલાકે આકડા પ્રસિધ્ધ કરવા. ફર્નીચરની વ્યવસ્થા. સર્વિસ વોટર, પોસ્ટર બેલેટ ની ડીટેઇલ પહોચાડવી મતદાર યાદી સહિતની બાબતો અંગે જિલ્લાં ચૂંટણી અધિકારીશ્રીએ છણાવટ કરી હતી.

આ બેઠકમાં ડી.ડી.ઓશ્રી અજય દહિયાએ જણાવ્યું કે ચૂંટણી સભા દરમિયાન ક્રોસ ચેકિંગ કરવા ટીમ તૈયાર રહેશે. જિલ્લા પોલીસ વડા શ્રી પાર્થરાજસિંહ ગોહીલે જણાવ્યું કે ભુતકાળના ચૂંટણી લક્ષી ગુન્હા, પ્રિવેન્ટીવ એરેસ્ટનું લીસ્ટ, તથા સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ વ્યવસ્થા અંગે વિગતો આપી હતી. બેઠકમાં અધિક કલેકટર શ્રી એમ.એચ જોષી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કે. જી. ચૌધરી, ડી આર ડી એના નિયામક એસ ડી ધાનાણી ચૂંટણી સાથે સંકળાયેલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(11:51 am IST)