Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

દેવજી ફતેપરા હળવદ વિધાનસભામાં સાબરીયા સામે ચૂંટણીમાં ઝુકાવે તેવા નિર્દેશો

ફતેપરાએ કવાડીયાને હળવદમાં હરાવ્યા હોય કોંગ્રેસમાં ગતિવિધી

રાજકોટ, તા. ૨૫ :. ગુજરાતના રાજકારણમાં હવે ગમે ત્યારે ગમે તે રાજકીય ઘટના બની શકે છે. સુરેન્દ્રનગરમાં લોકસભાની ટીકીટ કપાતા સાંસદ ફતેપરા લાલઘુમ નજરે પડી રહ્યા છે, ત્યારે હળવદ પંથકમાં એક નવી ચર્ચાએ જોર પકડયુ છે કે હળવદ વિધાનસભા બેઠકમાં ભાજપના ઉમેદવાર સાબરીયા સામે દેવજીભાઈ ચૂંટણીમાં ઝુકાવી શકે છે. તેઓ કોંગ્રેસના ઉમેદવાર હશે કે અપક્ષના તે અંગે કોઈ ફોડ પાડતુ નથી.

 

દેવજીભાઈ ફતેપરાને ભાજપ મનાવી લેશે કે ફતેપરા બળવો કરી કોંગ્રેસનો પાલવ પકડશે ? તે અંગે હજુ રહસ્ય ઘુંટાઈ રહ્યુ છે. દેવજીભાઈ ફતેપરા કોંગ્રેસના એક મોટામાથાના સંપર્કમાં છે તેવા અહેવાલો પ્રસારીત થઈ રહ્યા છે ત્યારે હળવદ બેઠક માટે દેવજીભાઈ મજબુત પાસુ ગણાય તે સ્વભાવિક વાત છે ત્યારે કોંગ્રેસ કોઈ રાજકીય સોગઠા મારશે કે કેમ ? તે અંગે પણ ચર્ચા જાગી છે.

દેવજીભાઈ ફતેપરા હળવદથી અપક્ષ કે કોંગ્રેસી ઉમેદવાર તરીકે ઝંપલાવે તો ભાજપની સામે મોટો પડકાર ઉભો થઈ શકે, ઉપરાંત લોકસભાની બેઠક જીતવા માટે પણ ભાજપ માટે કપરા ચઢાણ બની શકે.

જો કે ચેક બાઉન્સની વાત છે ત્યારે કોંગ્રેસ આવુ કોઈ જોખમ લ્યે કે નહી તે અંગે પણ સુરેન્દ્રનગરના કોંગ્રેસી આગેવાનોમાં પ્રશ્ન થઈ રહ્યો છે.(૨.૧૨)

 

(11:50 am IST)