Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

ગોંડલ પંથકની સગીરા ઉપરના દુષ્કર્મના ગુનામાં પકડાયેલ આરોપી સુનીલ ઉર્ફે સનીને ૧૦ વર્ષની સજા

રાજકોટ, તા., ૨૫: ગોંડલ તાલુકાના ગામમાં રહેતી સગીરા ઉ.વ.૧૪ની સાથે દુષ્કર્મ કરવાના ગુન્હામાં તે જ ગામના આરોપી સુનીલ ઉર્ફે સની ચનાભાઇ જાદવભાઇ પરમારને ૧૦ વર્ષની સખત કેદની સજા ગોંડલની સેસન્સ અદાલતે ફરમાવી હતી.

આ કેસની ટુંકી હકીકત એવી છે કે રાજકોટ જીલ્લાના ગોંડલ તાલુકાના એક ગામમાં રહેતી ભોગ બનનાર સગીરા તા.૧૩-૪-૧૮ના રોજ પોતાના ગામમાં સ્કુલે ગયેલ હતી ત્યારે સવારના આશરે દસેક વાગ્યે આ કામનો આરોપી તેના જ ગામનો સુનીલ ઉર્ફે સની ચનાભાઇ જાદવભાઇ પરમારએ ભોગ બનનારને લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે વાલીપણામાંથી ભગાડી ગયેલ તે બાબતની ફરીયાદ ભોગ બનનારના પિતાશ્રીએ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપેલ અને પોલીસે ભારતીય દંડ સહીતાની કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬ પોકસો એકટની કલમ-૪ મુજબનો ગુન્હો દાખલ કરેલ હતો.

ત્યાર બાદ ભોગ બનનાર સગીરાની પોલીસે શોધખોળ કરેલ અને સગીરા મળી આવતા સગીરાએ જણાવેલ કે આરોપી સુનીલ ઉર્ફે સની ચનાભાઇ જાદવ પરમાર મને ધોરાજી, ઉપલેટા, અને ઉપલેટાથી ભાયાવદર ગામે આરોપી સનીના સંબંધીને ત્યાં વાડીએ લઇ ગયેલ અને ત્યાં મારી સાથે મારી મરજી વિરૂધ્ધ બે વખત દુષ્કર્મ કરેલ જેથી પોલીસે આરોપી સુનીલ ઉર્ફે સની ચનાભાઇ જાદવભાઇ પરમારની ધરપકડ કરેલ હતી.

ત્યાર બાદ આ કામના આરોપી સામે સદરના ગંભીર ગુન્હાનું ચાર્જશીટ કરવામાં આવેલ. સબબ ઉપરોકત કેસ પોકસો અદાલત ગોંડલ ખાતે ચાલી જતા સરકારી વકીલશ્રી ઘનશ્યામ કે.ડોબરીયા દ્વારા સરકારશ્રી તરફે દસ્તાવેજી પુરાવો રજુ કરવામાં આવેલ અને ત્યાર બાદ સરકારશ્રી તરફે કુલ ૧૬ સાહેદો તપાસવામાં આવેલ અને પોકસો અદાલતે મુખ્યત્વે ભોગ બનનારની જુબાની તથા તેની માતાની જુબાની તથા ડોકટરશ્રીની જુબાની તેમજ અન્ય સાહેદોની જુબાનીને પુરાવામાં ગ્રાહય રાખી અને સરકારી વકીલની દલીલોને ધ્યાને લઇ આરોપી સુનીલ ઉર્ફે સની ચનાભાઇ જાદવભાઇ પરમારનું ધી પ્રોટેકશન ઓફ ચીલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સ એકટ-ર૦૧રની કમલ મુજબના ગંભીર ગુન્હામાં તકસીરવાન ઠરાવી સેસન્સ જજશ્રી વી.કે.પાઠકે દસ વર્ષની સખત કેદની સજા ફરમાવવાનો હુકમ કરેલ છે.

 આ કામમાં સરકાર તરફે સરકારી વકીલ શ્રી ઘનશ્યામ કે.ડોબરીયા રોકાયેલા હતા.

(12:50 pm IST)