Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

જસદણ પાલિકાના પ્રથમ પ્રમુખ ભરતભાઈ ઉનડકટના પુત્રએ સુરતમાં ભાજપમાંથી મેદાન માર્યું

(હુસામુદીન કપાસી દ્વારા) જસદણ, તા. ૨૪ :. નગરપાલિકાના પ્રથમ પ્રમુખ ભરતભાઈ ઉનડકટના યુવા સુપુત્ર વ્રજેશભાઈ ઉનડકટે સુરત મહાનગરપાલિકામાં ભાજપના નગરસેવક તરીકે ભારે બહુમતીથી ચૂંટાઈ આવતા ઉનડકટ પરિવારને સૌરાષ્ટ્ર ગુજરાતભરમાંથી અનેક માધ્યમો પર અભિનંદન પ્રાપ્ત થઈ રહ્યા છે.

જસદણ શહેરને ૧૯૯૫માં નગરપાલિકાનો દરજ્જો મળ્યો તે દરમિયાન પ્રથમ પ્રમુખ તરીકે ભરતભાઈ ઉનડકટ ચૂંટાયા હતા. તે સમયમાં પીવાના પાણીની વિકરાળ સમસ્યાએ મોં ફાડયુ હતુ. પાલિકામાં ટાંચા સાધનો આવક ઓછી તેજુરી ખાલીખમ છતા ભરતભાઈ બેખુબીથી પદાધિકારી તરીકે ભૂમિકા ભજવી જસદણવાસીઓને પીવા માટેના પાણીની રાહત કરી આપવામાં એક પ્રમુખ તરીકે સફળ પુરવાર થયા હતા.

બરોબર ૨૫ વર્ષ પછી ભરતભાઈના યુવા સુપુત્ર વ્રજેશભાઈ ઉનડકટની કામગીરી ધ્યાને લઈ ગુજરાત ભાજપના મોવડીઓએ તેમને સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૨૧માં ટીકીટ આપી અને તેઓએ નાનપુરા, અઠવા, પીપલોદ, સોની ફળિયા જેવા વિસ્તારોમાં પોતાના હરીફ ઉમેદવાર ગૌરાંગભાઈને ૧૬,૯૮૪ મતે જબરજસ્ત હાર આપી હતી. આમ વ્રજેશભાઈની ભવ્ય જીતને લઈ ઉનડકટ પરિવાર પર (મો. ૯૩૨૮૧ ૧૧૧૧૧) ઉપર અભિનંદન વર્ષા થઈ રહી છે.

(11:42 am IST)